નિવૃત્ત જજે પોતાની જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો?

આખી જિંદગી બીજાનો ન્યાય તોળીને નિવૃત્ત થયેલા જજ પર તેની જ સગીર દીકરીએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું- આ માફ ન કરી શકાય.
retired judge raped case

આખી જિંદગી બીજાનો ન્યાય તોળીને નિવૃત્ત થયેલા એક જજ સામે પોતાની જ સગીર દીકરીનું જાતીય શોષણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આરોપી જજે પોતાની સામે થયેલી ફરિયાદ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ મામલાની ગંભીરતા સમજીને સુપ્રીમ કોર્ટે ફરિયાદ રદ કરવાનો ઈનકાર કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યુંઃ મામલો અતિગંભીર છે, કેસ રદ નહીં થાય

જનસત્તાના અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટે પોતાની જ સગીર પુત્રીનું જાતીય શોષણ કરવાના આરોપી ભૂતપૂર્વ ન્યાયાધીશ સામેના ગુનાને ‘આઘાતજનક’ ગણાવ્યો હતો અને તેમની સામે નોંધાયેલ FIR રદ કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે પૂછ્યું, “પુત્રી આરોપો લગાવી રહી છે. આ એક આઘાતજનક કેસ છે. તેઓ એક ન્યાયિક અધિકારી છે અને આ ગંભીર આરોપો છે. આ આઘાતજનક છે કે સગી પુત્રીએ આરોપો લગાવ્યા છે. તેણીને આજીવન આ આઘાતનો ભાર રહેશે. આટલા ગંભીર કેસમાં FIR કેવી રીતે રદ કરી શકાય?”

આ સાથે જ ખંડપીઠે 15 એપ્રિલ, 2025 એ બોમ્બે હાઇકોર્ટના એક આદેશ સામે જજે કરેલી અપીલને ફગાવી દઈને હાઇકોર્ટે તાબા હેઠળની અદાલત દ્વારા ઘડવામાં આવેલા આરોપોને યોગ્ય ઠેરવ્યા હતા. ખંડપીઠે અપીલકર્તા જજની એ દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે તેમને તેમની અલગ રહેતી પત્ની સાથેના લાંબા સમયથી ચાલતા વૈવાહિક વિવાદને કારણે ફસાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: VHPના કાર્યક્રમમાં પહોંચ્યા હાઈકોર્ટના સિટિંગ જજ, રામ મંદિરની પ્રશંસા કરી

આરોપી જજના પિતાએ આત્મહત્યા કરી હતી

આરોપી જજે તેમની અરજીમાં એવી પણ દલીલ કરી હતી કે ફરિયાદી પક્ષ દ્વારા કથિત રીતે હેરાન કરવામાં આવ્યા બાદ તેમના પિતાએ આત્મહત્યા કરી હતી. સુનાવણી દરમિયાન, જસ્ટિસ મનમોહને નિવેદન કર્યું કે, “અમે આ બધામાં પડવા માંગતા નથી. આત્મહત્યા પુત્ર (જજ) ના કાર્યોને કારણે પણ થઈ શકે છે.”

આરોપી જજના વકીલની દલીલો સુપ્રીમ કોર્ટે ફગાવી

દરમિયાન, આરોપી જજના વકીલે દલીલ કરી હતી કે, “મારા ક્લાયન્ટનું આખું જીવન તેમની વૈવાહિક સમસ્યાઓને કારણે બરબાદ થઈ ગયું છે. તેમના (આરોપી જજના) પિતાએ આત્મહત્યા કરી હતી. ફરિયાદ ખૂબ પાછળથી કરવામાં આવી હતી અને અગાઉની કાનૂની કાર્યવાહી દરમિયાન તેનો ક્યારેય ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.” જોકે, સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જજ પર લાગેલા પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગંભીર આરોપોની નોંધ લઈને ફરિયાદ રદ કરવાનો ઈનકાર કરી દીધો હતો.

મામલો મે 2014 અને 2018 વચ્ચેનો

આ મામલો મે 2014 અને 2018ની વચ્ચે થયેલા દુર્વ્યવહારની કથિત ઘટનાઓ બાદ મહારાષ્ટ્રના ભંડારામાં 21 જાન્યુઆરી 2019ના રોજ નોંધાયેલી FIRમાંથી સામે આવ્યો છે. જેમાં નિવૃત્ત જજ સામે પોતાની જ સગીર દીકરીનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે પરંતુ આ કેસમાં ઔપચારિક આરોપો હજુ સુધી ઘડવામાં આવ્યા નથી.

નિવૃત્ત જજ પર તત્કાલીન ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 354 હેઠળ મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી તેના પર હુમલો કરવા ઉપરાંત POCSO એક્ટની કલમ 7, 8, 9(એલ), 9(એન) અને 10 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સૈનિકના પુત્રે દલિત યુવતી સાથે લગ્ન કરતા ગામલોકોએ બહિષ્કાર કર્યો

4.5 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x