સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય – ગુજરાતી ભાષાની આ કહેવતને એક અભણ ગરીબ સફાઈકર્મી માતાપિતાની દીકરીએ સાકાર કરી બતાવી છે. વાત છે કર્ણાટકના રામનગર જિલ્લાના ચન્નાપટના તાલુકાના એક નાનકડા ગામ લાલઘટ્ટાની. આ ગામના ઈતિહાસમાં ફેબ્રુઆરી 2025નો મહિનો સુવર્ણ અક્ષરે લખાશે.
આ એ સમય હતો જ્યારે ગામની એક દીકરી એસ. પ્રભાવતીએ માત્ર 25 વર્ષની નાની ઉંમરે સિવિલ જજની પરીક્ષામાં 81મો ક્રમ પ્રાપ્ત કરીને આખા રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું. જાતિવાદથી ખદબદતા ભારત દેશમાં આજે પણ દેશના ન્યાયતંત્રમાં કથિત સવર્ણ જાતિના હિંદુઓની એકહથ્થુ પકડ છે, ત્યાં એક ગરીબ સફાઈકર્મી માબાપની દીકરીએ એન્ટ્રી મારીને જાતિવાદી તત્વોની બોલતી બંધ કરી દીધી છે.

પ્રભાવતીની આ સફળતા કોઈ નસીબનો ખેલ નથી, પરંતુ તેના માતા-પિતાના 50 વર્ષના અવિરત શારીરિક શ્રમનું ફળ છે. તેના પિતા સુબ્રમણ્ય અને માતા 50 વર્ષથી દૈનિક મજૂર તરીકે કામ કરે છે. આ દંપતી ચન્નાપટના નગર પરિષદમાં ગટર અને નાળાં સાફ કરવાનું કામ કરતું હતું. જે કામને સમાજમાં ઘણીવાર નિમ્ન ગણવામાં આવે છે, તે જ કામ કરીને આ માતા-પિતાએ પોતાની દીકરીના સપનાઓ માટે રૂપિયા ભેગા કર્યા હતા.
આ પણ વાંચો: “આ લોકો મોદીને ગાળો આપે છે” કહી ભાજપ સાંસદે મુસ્લિમોના ધાબળા પરત લઈ લીધાં

તેમણે ક્યારેય પોતાની ગરીબી કે સામાજિક દરજ્જાનો ભાર દીકરી પર પડવા દીધો નહીં. આ દંપતીએ માત્ર એટલા માટે ગટરો સાફ કરી કે જેથી તેમની દીકરી ભવિષ્યમાં લોકોના જીવનમાં ન્યાયનો ઉજાસ પાથરી શકે. પ્રભાવતી કહે છે, “મારા માતા-પિતાએ ગટરોમાં ઉતરીને ગંદકી સાફ કરી છે, તેમના કારણે હું આજે જજની ગરિમાપૂર્ણ ખુરશી પર બેસી શકું છું.”
પ્રભાવતીએ ડો.આંબેડકરના સપનાને સાકાર કર્યું
ડૉ. બાબાસાહેબ આંબેડકરે શિક્ષણનું જે મહત્વ સમજાવ્યું હતું, પ્રભાવતી તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે. જિનિયસ ડો.આંબેડકરે કહ્યું હતું કે, “શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ત્રાડ પાડશે.” પ્રભાવતીએ આ દૂધ પીધું અને પોતાની મહેનતથી ન્યાયતંત્રમાં સિંહ ગર્જના કરી છે. કાયદાની ડિગ્રી લીધા બાદ તે બેંગલુરુની કોર્ટમાં વકીલાત કરવા ગઈ હતી. એક બાજુ વકીલાતની પ્રેક્ટિસ અને બીજી બાજુ જજ બનવા માટેના કલાકોના વાંચન વચ્ચે તેણે સંતુલન જાળવ્યું. તેણે સાબિત કર્યું કે સાધન-સંપન્ન હોવું જરૂરી નથી, સંકલ્પ-સંપન્ન હોવું જરૂરી છે.
પ્રભાવતી ગ્રામીણ યુવાનો માટે આશાનું કિરણ બની
લાલઘટ્ટા ગામની આસપાસના વિસ્તારોમાં આજે પ્રભાવતી એક યુથ આઈકોન બની ગઈ છે. જે ગામમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું પણ એક પડકાર ગણાતું હોય, ત્યાંથી એક સફાઈ કામદાર માબાપની દીકરી જજ બને તે કોઈ ચમત્કારથી કમ નથી. આ ઘટના કર્ણાટકના અને ભારતભરના એવા લાખો યુવાનોને પ્રેરણા આપે છે જેઓ આર્થિક તંગીના કારણે પોતાના સપનાઓ છોડી દે છે. પ્રભાવતીની કહાની સમજાવે છે કે તમારું બેકગ્રાઉન્ડ ભલે ગમે તે હોય, પરંતુ તમારું ભવિષ્ય તમારી મહેનત નક્કી કરે છે.
આ પણ વાંચો: ડાંગના આદિવાસી યુવકે ‘હાલરડાં’ પર PhD કર્યું, ગામનો પહેલો ડોક્ટરેટ બન્યો
પ્રભાવતીના માતાપિતાએ કહ્યું, ‘અમારો 50 વર્ષનો થાક ઉતરી ગયો’
જ્યારે પત્રકારોએ પ્રભાવતીના માતા-પિતાને પૂછ્યું ત્યારે તેમની આંખોમાં ગર્વના આંસુ હતા. તેમણે ટૂંકમાં જ ઘણું કહી દીધું: “અમે ઈચ્છતા હતા કે અમારા બાળકો સન્માન સાથે જીવે. અમે જે અપમાન અને ગરીબી વેઠી છે, તે તેમને ન વેઠવી પડે. આજે અમારી દીકરીને જજ બનતી જોઈને લાગે છે કે અમારા 50 વર્ષનો બધો થાક ઉતરી ગયો છે.”
પ્રભાવતી પાસેથી સમાજને ઘણી અપેક્ષાઓ છે
હવે જ્યારે પ્રભાવતી જજ તરીકેની જવાબદારી સંભાળશે, ત્યારે તેની પાસે કાયદાના પુસ્તકો સિવાય જમીની હકીકતનું પણ ઊંડું જ્ઞાન હશે. તે જાણે છે કે છેવાડાના માણસની તકલીફ શું હોય છે. એક મ્યુનિસિપલ વકીલથી લઈને સિવિલ જજ સુધીની આ સફર ન્યાયતંત્રમાં માનવીય સંવેદના અને સામાજિક ન્યાયનો નવો અધ્યાય લખશે.
આ પણ વાંચો: આણંદના કાવઠની બે સગી બહેનોએ PSI બની ઈતિહાસ રચ્યો










