Dalit News: ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ લોકશાહીપદો પર ચૂંટાયેલા કથિત સવર્ણ જાતિના અમુક માથાભારે તત્વો દલિતો જાણે તેમના ગુલામ હોય અને તેઓ રાજા હોય તેમ વર્તે છે. આવો જ એક કિસ્સો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળ ગામેથી સામે આવ્યો છે. પીપળ ગામના સરપંચ બસુભાઈ ચોહલાએ એક દલિત ખેડૂત પરિવાર સાથે ગેરવર્તણૂક કરી, તેમને જાતિસૂચક અપશબ્દો કહી અને જાહેરમાં લાફો મારીને અપમાનિત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ મામલે હવે ગઢડા પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઘટના શું હતી?
ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી કિશોરભાઈ બથવાર અને તેમનો પરિવાર ખેતીકામ સાથે જોડાયેલો છે. તેમની સંયુક્ત માલિકીની જમીન પરથી જેટકો (JETCO) વીજ લાઇન પસાર થઈ રહી છે. સરકારના નિયમ મુજબ, ખેતરમાંથી વીજ લાઇન પસાર થતી હોય ત્યારે ખેડૂતને થતા નુકસાનના વળતર માટે અમુક સરકારી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડે છે. આ વળતર મેળવવા માટેના ફોર્મ પર સ્થાનિક સરપંચના સહી-સિક્કા અનિવાર્ય હોય છે. કિશોરભાઈ પોતાના પરિવારના સભ્યો અને ચાર સાક્ષીઓ સાથે ન્યાયિક વળતરની આશાએ સરપંચ બસુભાઈ ચોહલાના નિવાસસ્થાને ગયા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં હવે યુવાનો ભાગીને આંતરજ્ઞાતિય લગ્નો નહીં કરી શકે?
સરપંચે ફોર્મ ફાડી નાખી લાફો મારી દીધો
જોકે, સરપંચે એક જવાબદાર લોકસેવક તરીકે વર્તવાને બદલે સત્તાના નશામાં ચૂર થઈને સહકાર આપવાનો સાફ ઇનકાર કર્યો હતો. જ્યારે ફરિયાદીએ વિનંતી કરી ત્યારે સરપંચે ઉશ્કેરાઈને ફોર્મ ફાડી નાખ્યું હતું. જ્યારે કિશોરભાઈના ભાઈ સવજીભાઈએ આ વર્તનનો વિરોધ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા સરપંચે તેમને જાહેરમાં જોરદાર લાફો ઝીંકી દીધો હતો. આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં દલિત પરિવારનો મોબાઈલ ફોન પણ નીચે પડી ગયો હતો. આ આખી ઘટનાનું મોબાઈલ વીડિયો શૂટિંગ કરવાનો પ્રયાસ પણ થયો હતો, જે હવે પોલીસ માટે મહત્વનો પુરાવો સાબિત થઈ રહ્યો છે.
સરપંચ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
આ ઘટના બાદ ભયભીત અને અપમાનિત થયેલા કિશોરભાઈ બથવારે હિંમત હાર્યા વગર ગઢડા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે વીડિયો પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે સરપંચ બસુભાઈ ચોહલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨) (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી) તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) ની કલમ ૩(૨) હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો: દલિત યુવકની આંખમાં શખ્સે ચાવી ભોંકી દેતા દ્રષ્ટિ ગુમાવી દીધી

દલિત સમાજમાં ભારે રોષ
આ કેસની તપાસ હવે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા હાથ ધરવામાં આવશે. ગામમાં આ ઘટનાને લઈને દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે જે સરપંચ પર આખું ગામ નિર્ભર હોય, તે જ જો જાતિવાદના આધારે ભેદભાવ કરે તો તેની સામે માત્ર પોલીસ કેસ જ નહીં પણ વહીવટી સ્તરે પણ કડક કાર્યવાહી કરી તેને પદભ્રષ્ટ કરવામાં આવે.
આ પણ વાંચો: કડીમાં પાર્કિંગ મામલે ભાજપના દલિત નેતાના સગા ભાઈ પર જીવલેણ હુમલો











