ઉત્તર પ્રદેશના કનૌજ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચારની શરૂઆત થતાની સાથે જ વાતાવરણ ડહોળાયું છે. અહીંના સકરી ખુર્દ ગામમાં એક અત્યંત ચિંતાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંના સરપંચ પદના ઉમેદવાર નિર્મલ કટિયારના એક કથિત સમર્થક અને ડ્રાઈવરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર દલિત સમાજ વિરુદ્ધ ધમકીભર્યું સ્ટેટસ મૂક્યું હતું.
આ સ્ટેટસમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું હતું કે, “જે લોકો(દલિતો) નિર્મલ કટિયારનો વિરોધ કરશે અથવા તેમને મત નહીં આપે, ચૂંટણી જીત્યા બાદ તેમનો પૂરેપૂરો ‘હિસાબ’ કરવામાં આવશે.” આ ઘટનાના સ્ક્રીનશોટ વાયરલ થતા જ દલિત સમાજમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકશાહીમાં દરેક નાગરિકને પોતાનો મતાધિકાર મુક્તપણે વાપરવાનો અધિકાર છે, પરંતુ અહીં જાતિવાદના જોરે મતદારોને દબાવવાનો અને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

દલિતોએ હિંમત બતાવી પોલીસ ફરિયાદ કરી
સકરી ખુર્દ ગામના રહેવાસી દિનેશ કુમાર ગૌતમે આ મામલે હિંમત બતાવી પોલીસ ફરિયાદ કરી છે. દિનેશ કુમારના જણાવ્યા મુજબ, “આ પોસ્ટ માત્ર એક ધમકી નથી, પરંતુ તે ચોક્કસ જ્ઞાતિ પ્રત્યેની નફરત અને દાદાગીરી દર્શાવે છે. જો સરપંચના સમર્થકો અત્યારથી આટલી હિંમત કરી રહ્યા હોય, તો ચૂંટણી પછી દલિતોની સુરક્ષાનું શું?”
આ પણ વાંચો: દલિત મહિલા પૂજા કરવા મંદિરમાં ગઈ, પૂજારીએ હડધૂત કરી કાઢી મૂકી!

પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા મામલો ગરમાયો
આશ્ચર્યજનક બાબત એ છે કે, પીડિત પક્ષનો આરોપ છે કે સ્થાનિક પોલીસે શરૂઆતમાં આ મામલાને ગંભીરતાથી લીધો નહોતો. જ્યારે કોઈ પણ જાતિવાદી ટિપ્પણી કે ધમકી પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ, ત્યારે પોલીસની આ નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠી રહ્યા છે. અંતે, ન્યાય મેળવવા માટે ગ્રામજનોએ આઈજીઆરએસ (IGRS) પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે અને ઉચ્ચ અધિકારીઓના હસ્તક્ષેપની માંગ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં SC-ST-OBC ને 20,000 એકર જમીનનો કબજો ક્યારે?
ગામનું સામાજિક વાતાવરણ ડહોળાયું
આ ઘટનાને કારણે ગામમાં વર્ષોથી રહેતા વિવિધ સમાજો વચ્ચે વૈમનસ્ય વધવાની શક્યતા છે. સામાજિક કાર્યકરોનું કહેવું છે કે જો આવા તત્વો સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ગુનાખોરોની હિંમત વધશે. દલિત સમુદાયના લોકોનું કહેવું છે કે તેઓ માત્ર શાંતિપૂર્ણ રીતે પોતાનો અધિકાર વાપરવા માંગે છે, પરંતુ રાજકીય વગ ધરાવતા લોકો તેમને દબાવી રહ્યા છે.
શાંતિની અપીલ વચ્ચે દલિતોમાં ભારે રોષ
હાલમાં આ મામલે ગામના બુદ્ધિજીવીઓએ પણ આગળ આવીને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પરંતુ જ્યાં સુધી આરોપીની ધરપકડ કરવામાં આવતી નથી અને સરપંચ પક્ષ આ બાબતે સ્પષ્ટતા કરતો નથી, ત્યાં સુધી દલિત સમાજમાં રોષ ઓછો થાય તેમ લાગતું નથી.
આ પણ વાંચો: રસોઈયો દલિત હોવાથી સવર્ણોએ બાળકોને આંગણવાડીમાં મોકલવાનું બંધ કર્યું










