સૌરાષ્ટ્ર દલિતો માટે ‘ડેન્જર ઝોન’ બન્યું, 7 દિવસમાં 3 દલિતોની હત્યા!

Dalit News: સૌરાષ્ટ્રમાં જાતિવાદી તત્વો બેફામ. એક અઠવાડિયામાં ત્રણ દલિતોએ જીવ ગુમાવ્યા, પોલીસની ઢીલી કામગીરી અને કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
Saurashtra becomes danger zone for Dalits

Dalit News: ગુજરાત, જે કાગળ પર વિકાસ અને સલામતીના મૉડલ તરીકે ઓળખાય છે, ત્યાં હાલ સૌરાષ્ટ્ર પંથક દલિતો માટે અત્યંત અસુરક્ષિત બની રહ્યો હોય તેવું પ્રતીત થાય છે. છેલ્લા સાત દિવસમાં બનેલી ત્રણ હૃદયદ્રાવક અને કમકમાટીભરી ઘટનાઓએ સાબિત કરી દીધું છે કે અહીં જાતિવાદી તત્વોને હવે કાયદા કે શાસનનો કોઈ જ ખોફ રહ્યો નથી. રાજકોટ અને ગીર સોમનાથમાં બનેલી આ ઘટનાઓમાં એક આશાસ્પદ ભાવિ તબીબ, એક જાગૃત પત્રકાર અને એક નીડર સામાજિક આગેવાનનો ભોગ લેવાયો છે.

આ ત્રણેય કિસ્સાઓમાં એક ચોંકાવનારી સમાનતા એ જોવા મળી છે કે પોલીસની પ્રારંભિક નિષ્ક્રિયતા અથવા ગુનેગારોને છાવરવાની નીતિને કારણે દલિત સમાજે ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડી રહી છે.

ઘટના 1: રાજકોટમાં દલિત પત્રકાર ભાવેશ વાણવીની કરપીણ હત્યા

તાજેતરની સૌથી ભયાનક ઘટના રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બની, જ્યાં દલિત પત્રકાર ભાવેશ વાણવીને વિશ્વાસઘાતથી મોતને ઘાટ ઉતારી દેવાયા. જૂની અદાવતનું સમાધાન કરવાના બહાને બોલાવીને હમીર જોગરાણા સહિતના શખ્સોએ ભાવેશ પર કુહાડી અને પાઈપ વડે હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરો તેને કારમાં અપહરણ કરી ગયા અને અર્ધમૃત હાલતમાં રસ્તા પર ફેંકી દીધા. આ કેસમાં સૌથી કરૂણ બાબત એ છે કે ભાવેશ 2 લાખ રૂપિયા લઈને સમાધાન કરવા ગયો હતો, છતાં તેની નિર્દયતાથી હત્યા કરાઈ. પરિવારનો આક્ષેપ છે કે જાતિવાદી માનસિકતા ધરાવતા તત્વોને દલિત યુવાનની પ્રગતિ અને તેની કાયદેસરની ફરિયાદો ડંખતી હતી. આ ઘટના બાદ દલિત સમાજે સિવિલ હોસ્પિટલ ખાતે ચક્કાજામ કરી ગાંધીનગર સુધી મૃતદેહ લઈ જવાની ચીમકી આપી અને પોલીસ અધિકારીઓ ગભરાયા, ત્યારે જઈને આરોપીઓની ધરપકડ થઈ. આ દર્શાવે છે કે ન્યાય માંગવા માટે પણ દલિતોએ શક્તિ પ્રદર્શન કરવું પડે છે.

આ પણ વાંચો: કડીમાં પાર્કિંગ મામલે ભાજપના દલિત નેતાના સગા ભાઈ પર જીવલેણ હુમલો

ઘટના 2: AIIMS ના ટ્રેઈની ડોક્ટર રતનકુમાર મેઘવાળનો આપઘાત

બીજી તરફ, રાજકોટની જ એઈમ્સ (AIIMS) હોસ્પિટલમાં અભ્યાસ કરતા હોનહાર દલિત વિદ્યાર્થી રતનકુમાર મેઘવાલે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી. રતનકુમારની 18 પેજની સુસાઈડ નોટે શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપેલા જાતિવાદની પોલ ખોલી નાખી છે. તેની સાથે અભ્યાસ કરતા 5 સવર્ણ વિદ્યાર્થીઓએ તેને માનસિક અને શારીરિક રીતે એટલો ટોર્ચર કર્યો કે તેણે મોત વહાલું કર્યું. નોંધનીય છે કે રતનકુમારે અગાઉ બે વાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને પોલીસને તે શખ્સોના નામ પણ આપ્યા હતા, પરંતુ પોલીસે ત્યારે કોઈ કડક પગલાં ન ભર્યા. જો પોલીસે જાન્યુઆરી માસમાં જ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરી હોત, તો આજે એક ગરીબ પિતાનો દીકરો જીવતો હોત. પોલીસની આ ઢીલી કામગીરી જ ગુનેગારોને પ્રોત્સાહન પૂરું પાડે છે.

ઘટના 3: તાલાલાના જૂથળ ગામના આગેવાન ભાવેશ સોંદરવાની હત્યા

આ કડીની ત્રીજી ઘટના ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં બની છે. અહીં જૂથળ ગામના દલિત અગ્રણી ભાવેશ સોંદરવાની શંકાસ્પદ સંજોગોમાં હત્યા કરવામાં આવી. ભાવેશ સોંદરવા સ્થાનિક સ્તરે દલિતોના અધિકારો અને પંચાયતી રાજમાં પારદર્શિતા માટે અવાજ ઉઠાવતા હતા, જે સ્થાપિત હિતો અને જાતિવાદી તત્વોને ખૂંચતું હતું. આ મામલે પણ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરીને ન્યાયની માંગ કરી હતી. સામાજિક આગેવાનની આવી હત્યા એ સમગ્ર સમાજના અવાજને દબાવવાનો એક સુનિયોજિત પ્રયાસ છે. પોલીસ દ્વારા આ કેસમાં પણ શરૂઆતમાં જે ઠંડુ વલણ અપનાવાયું તેનાથી દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: દલિત વૃદ્ધને સરપંચના પરિવારે પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દીધાં

પોલીસની ઢીલી કામગીરી અને ગુનેગારોને છાવરવાની વૃત્તિ

આ ત્રણેય ઘટનાઓ એક જ પેટર્ન અને માનસિકતા સ્પષ્ટ કરે છે. ગુજરાતમાં દલિતો પર જ્યારે પણ અત્યાચાર થાય છે, ત્યારે પોલીસ તંત્ર ફરિયાદ નોંધવામાં આનાકાની કરે છે અથવા તેને સામાન્ય ગુનામાં ખપાવવાનો પ્રયાસ કરે છે. રતનકુમારના કિસ્સામાં પોલીસે અગાઉની ફરિયાદો અવગણી, જેના કારણે તેનું મોત નીપજ્યું. ભાવેશ વાણવીના કેસમાં ઉગ્ર વિરોધ અને હાઈવે જામ થયા બાદ જ પોલીસ એક્શનમાં આવી. આ સ્થિતિ સૂચવે છે કે પોલીસમાં ગુનેગારો પ્રત્યે કૂણું વલણ છે અથવા રાજકીય દબાણ હેઠળ દલિતોના અવાજને દબાવવામાં આવે છે. જ્યાં સુધી દલિત સમાજ હજારોની સંખ્યામાં રસ્તા પર ન ઉતરે ત્યાં સુધી તંત્રની ઉંઘ ઉડતી નથી.

દલિતો રસ્તા પર ઉતરે પછી જ ફરિયાદ કેમ?

સૌરાષ્ટ્રમાં સતત બની રહેલી આ હિંસક ઘટનાઓ સામાજિક સમરસતાના દાવાઓ પર મોટો પ્રહાર છે. જ્યારે એક જ અઠવાડિયામાં ત્રણ આશાસ્પદ યુવાનોનો ભોગ લેવાય ત્યારે સ્પષ્ટ થાય છે કે કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ પર રહી ગયા છે. જાતિવાદી તત્વો એટલા બેફામ બન્યા છે કે તેઓ પત્રકાર હોય કે ભાવિ ડૉક્ટર, કોઈને પણ નિશાન બનાવતા ખચકાતા નથી.

જો સરકાર અને પોલીસ વહીવટ કડક હાથે કામ નહીં લે અને આરોપીઓને દાખલારૂપ સજા નહીં અપાવે, તો દલિત સમાજમાં અસુરક્ષાની ભાવના વધુ પ્રબળ બનશે. કાયદાનો ડર ગુનેગારોમાં હોવો જોઈએ, પીડિતોમાં નહીં. હવે સમય પાકી ગયો છે કે ગુજરાત સરકાર આ ‘ક્રાઈમ કેપિટલ’ બની ગયેલા સૌરાષ્ટ્રને રોકે અને દલિતોને સુરક્ષાની ગેરંટી આપે.

આ પણ વાંચો: રાજકોટમાં દલિત પત્રકારની જાહેરમાં હત્યા, 6 શખ્સોએ રહેંસી નાખ્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x