છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં બનેલી હૃદયદ્રાવક ઘટનાએ લોકશાહીના ત્રીજા સ્તંભ ગણાતા વહીવટી તંત્રના ક્રૂર ચહેરાને ખુલ્લો પાડી દીધો છે. કુસમીના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) કરુણ ડહરિયા અને તેના સાથીઓએ 62 વર્ષીય આદિવાસી ખેડૂત રામનરેશ રામની માર મારી-મારીને હત્યા કરી નાખી. આ ઘટના દર્શાવે છે કે સત્તાના નશામાં ચૂર અધિકારીઓ માટે આદિવાસીઓનું જીવન કેટલું સસ્તું છે. આ ઘટના માત્ર એક અપરાધ નથી, પણ વર્ષોથી જલ-જંગલ-જમીન માટે સંઘર્ષ કરતા આદિવાસી સમાજ પરનો સીધો હુમલો છે.
મામલો શું હતો?
ઘટનાની વિગતો મુજબ, રવિવારે મોડી રાત્રે SDM કરુણ ડહરિયા પોતાના ત્રણ ખાનગી સાથીઓ સાથે હંસપુર ગામમાં ત્રાટક્યા હતા. તેમણે ખેતરમાં સિંચાઈ કરીને પરત ફરી રહેલા આદિવાસી ગ્રામજનો પર ગેરકાયદેસર બોક્સાઈટ ખનનનો ખોટો આરોપ લગાવીને પશુઓની જેમ માર મારવાનું શરૂ કર્યું હતું. લોખંડના સળિયા, ડંડા અને લાત-ઘૂંસાના પ્રહારોથી આદિવાસી ખેડૂતોને ત્યાં સુધી પીટવામાં આવ્યા જ્યાં સુધી તેઓ બેભાન ન થઈ ગયા. આ નિર્મમ હિંસામાં રામનરેશ રામનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે આદિવાસીઓ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: કલેક્ટર-DDO એ નકલી કામ બતાવી રાષ્ટ્રપતિ પુરસ્કાર મેળવ્યો!
સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ જ હત્યા કરે તો ન્યાય કોની પાસે માંગવો?
આ ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ન્યાયિક સત્તા ધરાવતા SDM પોતે જ રસ્તા પર ઉતરીને કાયદો હાથમાં લે અને કોઈની હત્યા કરે, તો સામાન્ય આદિવાસીએ ન્યાયની આશા કોની પાસે રાખવી? આ વિસ્તારમાં ખનિજ માફિયાઓ અને અધિકારીઓની મિલીભગત નવી વાત નથી. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બઘેલે આ ઘટનાને ‘પ્રશાસનિક આતંકવાદ’ ગણાવીને ગંભીર આક્ષેપ કર્યો છે કે ગ્રામજનોએ થોડા સમય પહેલા બોક્સાઈટ ચોરી કરતો ટ્રક પકડ્યો હતો, જેની અદાવત રાખીને આ હત્યા કરવામાં આવી છે. આ દર્શાવે છે કે ભ્રષ્ટ અધિકારીઓ માફિયાઓના રક્ષક બનીને આદિવાસીઓના અવાજને કચડી રહ્યા છે.

એસડીએમ સસ્પેન્ડ, એટ્રોસિટીનો ગુનો નોંધાયો
ભારતીય બંધારણમાં આદિવાસીઓ માટે વિશેષ જોગવાઈઓ હોવા છતાં, જમીની હકીકત એ છે કે સરકારી કલમ અને પોલીસનો ડંડો હંમેશા તેમના વિરુદ્ધ જ વપરાય છે. આ કેસમાં પોલીસે SDM કરુણ ડહરિયા અને તેના સાથીઓ વિરુદ્ધ હત્યા (BNS કલમ ૧૦૩) અને SC-ST એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે અને સરકાર દ્વારા SDMને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ, શું માત્ર સસ્પેન્ડ કરવાથી ન્યાય મળશે? આદિવાસીઓના લોહીથી ખરડાયેલી આ વ્યવસ્થામાં જ્યાં સુધી આવા ગુનેગાર અધિકારીઓને ફાંસી કે આજીવન કેદની સજા ન થાય, ત્યાં સુધી આદિવાસી સમાજમાં સુરક્ષાનો ભાવ પેદા થવો અશક્ય છે.
આ પણ વાંચો: કટ્ટા નિકાલો, ઈસકો ગાડી મેં ડાલો’ ભાજપ નેતાએ દલિત યુવકને ફટકાર્યો
આદિવાસીઓનું જીવન આટલું સસ્તું કેમ?
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આદિવાસીઓ માટે લોકશાહીના અધિકારો હજુ પણ કાગળ પર જ સીમિત છે. જ્યારે એક ઉચ્ચ અધિકારી પોતે જ હત્યારો બની જાય, ત્યારે તે આખી વ્યવસ્થા પરનો વિશ્વાસ ડગમગાવી દે છે. આદિવાસી સમાજ હવે જાગૃત થવું પડશે અને ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમજ મહાત્મા ફૂલેના માર્ગે ચાલીને પોતાના સન્માન અને સુરક્ષા માટે સંગઠિત થઈને સંઘર્ષ કરવો પડશે. જો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓના જીવ લેવામાં આવશે, તો એક દિવસ આ આક્રોશ જ્વાળામુખી બનીને ફાટશે.
આ પણ વાંચો: આખા ગામના બ્રાહ્મણો પર એટ્રોસિટીની ફરિયાદ’ થઈ તે હકીકત છે?










