Sharmistha Sethi Odisha: થવું એવું જોઈતું હતું કે, શર્મિષ્ઠા સેઠી(Sharmistha Sethi)ની સિદ્ધિ પર ગામલોકો સૌ મળીને તેને શાબાશી આપે. તે પોતાના સમાજમાંથી ગ્રેજ્યુએટ થનારી પહેલી દીકરી છે અને પોતાના ગામમાં સરકારી નોકરી મેળવવાની ગણીગાંઠી છોકરીઓ પૈકીની એક છે. પરંતુ જાતિનું ગૌરવ એવો દંભ છે, કે આ વમળમાં ફસાયેલા લોકોની નજર જાતિથી ઉપર કશું જોઈ જ નથી શકતી નથી. છેલ્લાં ચાર મહિનાથી શર્મિષ્ઠા અને તેનો પરિવાર સામાજિક બહિષ્કારનો સામનો કરી રહ્યો છે. કેમ કે, તેણે જે નોકરી પસંદ કરવાનું સાહસ કર્યું હતું, તે સ્થાનિક આંગણવાડીમાં રસોઈયાની નોકરી છે અને શર્મિષ્ઠા દલિત સમાજમાંથી આવે છે. જ્ઞાતિવાદના ઝેરમાં ડૂબેલા ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે જો તેમના બાળકો શર્મિષ્ઠાના હાથનું બનાવેલું ભોજન ખાશે, તો તેઓ ‘અપવિત્ર’ થઈ જશે અને તેમને દેવતાઓના પ્રકોપનો સામનો કરવો પડશે.
શર્મિષ્ઠાને નોકરીમાંથી બચત કરીને શિક્ષક બનવું છે
Sharmistha Sethi: શર્મિષ્ઠા સેઠીના પિતા ચૈતન્ય એક એકરથી પણ ઓછી જમીન પર ખેતી કરે છે અને ગુજરાન ચલાવવા માટે ખેતમજૂરી પણ કરે છે. આવી આર્થિક તંગી વચ્ચે પણ શર્મિષ્ઠાએ અભ્યાસ ચાલુ રાખ્યો અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું. આ આંગણવાડીની નોકરી માટે ગામમાંથી તે એકમાત્ર લાયક ઉમેદવાર હતી, કારણ કે આ પદ માટે 12મું ધોરણ પાસ હોવું અનિવાર્ય હતું. શર્મિષ્ઠાનું સપનું આ 5,000 રૂપિયાના પગારમાંથી પરિવારને ટેકો આપવાનું અને ભવિષ્યમાં શિક્ષિકા બનવાનું છે.

નોકરીનો લેટર આવ્યો અને જાતિવાદીઓએ દાદાગીરી કરી
જોકે, નવેમ્બરના બીજા અઠવાડિયામાં જ્યારે વહીવટીતંત્રના અધિકારીઓ શર્મિષ્ઠાની નોકરીનો કન્ફર્મેશન લેટર ગામમાં લગાવવા આવ્યા, ત્યારે સ્થિતિ વણસી ગઈ હતી. અંદાજે 50 થી 60 ઉચ્ચ જ્ઞાતિના લોકોએ શર્મિષ્ઠા અને તેના પિતાને ઘેરી લીધા અને અપમાનજનક શબ્દો કહ્યા હતા. શર્મિષ્ઠાએ રડતા રડતા ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે તે પણ આ ગામની જ દીકરી છે, પરંતુ ‘જાતીય ગૌરવ’ આગળ તેની ભણતરની ડિગ્રી અને આંસુ બંને નકામા સાબિત થયા.
આ પણ વાંચોઃ ઉઠાવો કલમ! અને લખો તમારો ‘આભડછેટનો અનુભવ’

ચાર મહિનાથી આ જ સ્થિતિ છે
20 નવેમ્બરના રોજ જ્યારે શર્મિષ્ઠાએ સત્તાવાર રીતે રસોઈયા તરીકે કામ શરૂ કર્યું, ત્યારથી આંગણવાડીમાં બાળકોની હાજરી લગભગ શૂન્ય થઈ ગઈ છે. નૌગાંવમાં જ્ઞાતિનું વિભાજન સ્પષ્ટ દેખાય છે; ગામના પ્રવેશદ્વારે 7 દલિત પરિવારો છે, જ્યારે થોડે દૂર 90 જેટલા ઉચ્ચ જ્ઞાતિના પરિવારો વસે છે. ગ્રામજનોએ સંગઠિત થઈને નક્કી કર્યું છે કે તેઓ તેમના બાળકોને ત્યાં સુધી આંગણવાડી નહીં મોકલે જ્યાં સુધી શર્મિષ્ઠાને હટાવવામાં ન આવે.
શર્મિષ્ઠા સ્કૂલે પહોંચી જાય છે પરંતુ બાળકો આવતા નથી
ચોંકાવનારી વાત એ છે કે, જે માતાઓ અને બાળકો સરકાર તરફથી મળતા મફત રાશનના હકદાર છે, તેઓએ પણ આંગણવાડીએ આવવાનું બંધ કરી દીધું છે. શર્મિષ્ઠા દરરોજ સવારે 7 વાગ્યે સાયકલ પર આંગણવાડી પહોંચે છે, સફાઈ કરે છે, બાળકો માટે ચટાઈ બિછાવે છે અને આખો દિવસ ખાલી ઓરડામાં કોઈના આવવાની રાહ જુએ છે. તે કહે છે, “મેં લોકોને વિનંતી કરી કે જો તેઓ મારા હાથનું રાંધેલું ભોજન ન ઈચ્છતા હોય તો સૂકું રાશન ઘરે લઈ જાય, પણ તેઓએ તે પણ લેવાની ના પાડી દીધી કારણ કે હું તેને અડી હોઉં છું.”
અધિકારીઓ શર્મિષ્ઠાના હાથનું ભોજન જમશે
આ ગંભીર સામાજિક બહિષ્કારને જોતા શનિવાર, 14 ફેબ્રુઆરીના રોજ જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્ય મહિલા આયોગના સભ્યોએ ગામની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ ગ્રામજનો સાથે બેઠક કરી અને તેમને સમજાવ્યા કે આ પ્રકારનો ભેદભાવ ગેરબંધારણીય અને ગુનો છે. કેન્દ્રપાડાના સબ-કલેક્ટર અરુણ કુમાર નાયકે જણાવ્યું હતું કે, “અમે લોકોમાં વિશ્વાસ પેદા કરવા માટે હવે પોતે શર્મિષ્ઠાના હાથનું બનાવેલું ભોજન જમીશું. જો આ બહિષ્કાર બંધ નહીં થાય, તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને ગામની અન્ય સરકારી સુવિધાઓ પણ રોકી શકીએ છીએ.”
આ પણ વાંચોઃ ગુજરાતમાં 71.4 % દલિતો સાથે જાહેર પાણીના નળે આભડછેટ પળાય છે
શર્મિષ્ઠાને તંત્ર કરતા જાતિવાદીઓ પર વધુ વિશ્વાસ
જોકે, શર્મિષ્ઠાને હવે તંત્રના આશ્વાસનો પર બહુ વિશ્વાસ રહ્યો નથી. અગાઉ પણ આવી ચેતવણીઓ આપવામાં આવી હતી, પરંતુ ગામના સામાજિક માળખામાં કોઈ ફેરફાર થયો નથી. શર્મિષ્ઠાની માતા મિનાતી ભારે હૈયે સવાલ કરે છે કે, “મારી દીકરી ભણેલી છે, તેણે મહેનતથી નોકરી મેળવી છે, તો પછી તેની સાથે આ અન્યાય કેમ?”
આઝાદીના 78 વર્ષ પછી પણ આ સ્થિતિ કેમ?
શર્મિષ્ઠા સેઠીની આ લડત માત્ર એક નોકરીની લડત નથી, પરંતુ માનવીય ગરિમા અને સમાનતાની લડત છે. તે કહે છે કે તે આ મામલાને કોર્ટમાં લઈ જવા માંગતી નથી કારણ કે તે નથી ઈચ્છતી કે તેના ગામની બદનામી થાય. પરંતુ પ્રશ્ન એ છે કે, શું સમાજ ક્યારેય જ્ઞાતિના ચશ્મા ઉતારીને એક ગ્રેજ્યુએટ યુવતીની મહેનતને માન આપશે? હાલમાં તો નૌગાંવની આંગણવાડી એક એવા રસોઈયાની રાહ જોઈ રહી છે જેને સમાજ ‘સ્વીકાર્ય’ ગણે, અને શર્મિષ્ઠા એક એવા સવારની રાહ જોઈ રહી છે જ્યાં બાળકો તેના હાથનો કોળિયો આનંદથી લેશે.
આ પણ વાંચોઃ આભડછેટથી કંટાળી કાલબેલિયા સમાજે પોતાના બાળકોની અલગ સ્કૂલ ખોલી











