ગુજરાતની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી અંગેના પરિપત્રને રદ કરાયો છે, ત્યારે આજે રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળાઓમાં 850 આચાર્યો અને 2900 જેટલા શિક્ષકોની ઘટ હોય તેને તાકીદે ભરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.
રાજ્યની સરકારી અને અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓમાં 3750 જેટલા આચાર્યો અને શિક્ષકોની ઘટ હોવાથી આ જગ્યાઓ ભરવા તાત્કાલિક ભરતી કરવાની માંગ અંગે રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરાઇ છે.
રાજ્યની અનુદાનિત (ગ્રાન્ટેડ) માધ્યમિક અને હાયર સેકન્ડરી શાળાઓમાં 3750 જેટલા આચાર્યો અને શિક્ષકોની મોટી ઘટ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે શિક્ષણ વ્યવસ્થાને ભારે ધક્કો લાગવાની શક્યતા છે. જેના અનુસંધાનમાં રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળાઓમાં આચાર્યો અને શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ABVP ના શિક્ષકે ‘કાવડ લેકર મત જાના’ ગીત ગાયું તો સસ્પેન્ડ કરાયા
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા જણાવાયું છે કે, રાજ્યની ઉચ્ચ. માધ્યમિક (હાયર સેકન્ડરી) અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓમાં હાલ આશરે 1500 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જ્યારે માધ્યમિક શાળાઓમાં 1400 જેટલા શિક્ષકોની જગ્યાઓ ભરવાની જરૂર છે. આમ બંને વિભાગમાં કુલ મળીને 2900 જેટલા શિક્ષકોની જગ્યાઓ આજે પણ ખાલી છે. એટલું જ નહીં, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળાઓમાં 850 જેટલા આચાર્યોની જગ્યાઓ ખાલી પડી છે.
આમ માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળાઓમાં આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પડી રહી હોવાથી તેની સીધી અસર શિક્ષણ કાર્ય પર પડી રહી છે. રાજયમાં અનુદાનિત શાળાઓ ચાલુ થઈ ગઈ હોવાને આજે દોઢ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં શાળાઓમાં આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની ઘટ છે. જેના લીધે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવામાં અડચણ પડી રહી છે.
તો આવા સંજોગોમાં રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરવામાં આવી છે કે, આગામી ઓગસ્ટ માસમાં આ ખાલી જગ્યાઓ માટે ખાસ ભરતી કેમ્પ યોજીને તમામ ખાલી જગ્યાઓને તાત્કાલિક ભરી દેવામાં આવે, જેથી નવા શૈક્ષણિક સત્રના શરૂઆતમાં જ શિક્ષણ વ્યવસ્થાને સાથ મળી શકે છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ વિઘ્નરહિત રીતે આગળ વધી શકે.
આ પણ વાંચો: દલિત મહિલા મધ્યાહન ભોજન બનાવતી હોવાથી 21 વિદ્યાર્થીઓએ શાળા છોડી