નડિયાદના મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં 14 જાન્યુઆરીની રાત્રે અજાણ્યા તસ્કરે મંદિરના ગર્ભ ગૃહમાંથી સોના – ચાંદીના દાગીના સહિત રૂ. 4.33 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જો કે, ચોરી કરતા પહેલા તસ્કરોએ ભગવાનને પગે લાગીને માફી માંગી હતી, એટલે કે તેમણે ભગવાનને ‘સૉરી’ કહીને પછી ધાડ પાડી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને પોલીસે 7 અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલીને નડિયાદના ખાડ વિસ્તારમાં રહેતાં રીઢા તસ્કરને ઝડપી પાડી, તેની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો.
મામલો શું હતો?
નડિયાદમાં આવેલા પૌરાણિક મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં 14 જાન્યુઆરી 2025 ના રોજ અજાણ્યા તસ્કરે ગર્ભ ગૃહના તાળાં તોડી સોના ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી. મામલાને ગંભીરતાને લઈને પોલીસની 7 ટીમોએ તપાસ શરૂ કરી હતી. મંદિર પરિસરમાં ગર્ભ ગૃહમાં દર્શન કરવા માટે એક સીસીટીવી છે. ચોરી બાદ ડીવાયએસપીની એક ટીમ, એલસીબીની અને નડિયાદ ટાઉન પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી.

આ પણ વાંચો: હડકાયા બકરા’ની બલિ આપી ગામલોકોએ માંસ આરોગતા ચકચાર
રાત્રે 2 થી લઇને સવારે 5 ની વચ્ચે ચોરી થઇ હોવાનુ ધ્યાને આવ્યું હોવાથી પોલીસે આ સમયગાળા દરમિયાન ભારે વસ્તુ લઇને જતાં વાહન તેમજ વ્યક્તિની તપાસ માટે 400 જેટલાં કેમેરા પોલીસે ચકાસ્યા હતા. બાતમીદારોને પણ સક્રિય કરાયા હોવાથી ગણતરીના કલાકોમાં જ પોલીસને કડી મળી હતી. જેમાં મુદ્દામાલ સગેવગે કરવાની પેરવીમાં જોતરાયેલો વિનોદ પકડાયો હતો. તેના ઘરની પાછળના ભાગે તેણે તાડપત્રી ઢાંકીને સંતાડેલો મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા ખ્યાલ આવ્યો હતો કે, તસ્કરોએ ચોરી કરતા પહેલા માફી માંગી હતી.

તસ્કરોએ ચોરેલા મુદ્દામાલની કિંમત લાખોમાં
પોલીસે મોટા મહાદેવ મંદિરમાંથી ચોરાયેલાં ચાંદીના સોનાના ગીલેટવાળા પગરખાં, ચાંદીના છત્ર, એક સોનાનો ગીલેટવાળો, ચાંદીનો પાંચ નાગમુખના નાગ દેવતાની મૂર્તિ, ચાંદીની ગળતી, ચાંદીની સોનાના ગીલેટ ચઢાવેલ મુગટ, બે સોનાની ગીલેટ ચઢાવેલ ચાંદીની કાનની બુટ્ટી, ચાંદીના બે નાના છત્ર, સોનાના ગીલેટવાળું ચાંદીનું છત્ર તથા સોનાના ગીલેટવાળી ચાંદીની ઘુઘરીઓ, ચાંદીના ત્રિશુળના 15 ટુકડાં રિકવર કર્યા હતા. વિનોદે જે મુદ્દામાલની ચોરી કરી તેની હાલની બજાર કિંમત 37 લાખ રૂપિયા જેટલી થાય.
જો કે, હાલ તો આ આખી ઘટનામાં ચોરી કરતા પણ વધુ ચોરે ચોરી કરતા પહેલા માંગેલી માફીની થઈ રહી છે.
આ પણ વાંચો: નકલી ડૉક્ટરે યુટ્યુબમાં જોઈને સગર્ભાનું ઓપરેશન કરતા મોત!












