જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર જાતીગત તણાવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. મામલો એટલો ઉગ્ર બની ગયો કે બંને સમાજના લોકો સામસામે આવી ગયા અને એકબીજા પર પથ્થરમારો કર્યો. હાલમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગામમાં પીએસી તૈનાત કરવામાં આવી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ પણ હાજર છે.
દલિત અને રાજપૂત સમાજ વચ્ચે તણાવ
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારના મસૌતા ગામની આ ઘટના છે. રવિવારે અહીં દલિત અને રાજપૂત સમાજના લોકો સામસામે આવી ગયા અને એકબીજા પર જોરદાર પથ્થરમારો કર્યો. અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં 6 લોકોની અટકાયત કરી છે અને અન્ય આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
ઝઘડો શા માટે થયો?
આ ઝઘડો શનિવારે શરૂ થયો હતો. મળતી માહિતી અનુસાર, ગામના એક દલિત યુવકની બાઇક રાજપૂતની કાર સાથે અથડાઈ હતી. એ પછી કારમાલિકોએ બાઇક સવાર દલિત યુવકને થપ્પડ મારી દીધી હતી. એ પછી પીડિત યુવક તેની માતા સાથે આ મામલે ફરિયાદ કરવા આરોપી પક્ષના ઘરે પહોંચ્યો હતો. એવો આરોપ છે કે આ દરમિયાન રાજપૂતોએ દલિત યુવક અને તેની માતાને માર માર્યો હતો. એ પછી બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને મામલો ઉગ્ર બની ગયો હતો.
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થીને બે વિદ્યાર્થીઓએ સળિયો ગરમ કરી ડામ દીધાં
ભીમ આર્મીના નેતાઓ ગામમાં પહોંચ્યા
આ ઘટનાની જાણ થતા રવિવારે ભીમ આર્મીના નેતાઓ પણ ગામમાં પહોંચ્યા હતા. એ પછી બંને પક્ષો ફરી સામસામે આવી ગયા અને શનિવારે સાંજે બંને પક્ષો વચ્ચે પથ્થરમારો શરૂ થયો. પોલીસને ઘટનાની માહિતી મળતા જ તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે શું કાર્યવાહી કરી?
પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સામે SC-ST એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં ગામમાં PAC તૈનાત કરવામાં આવી છે.
પોલીસે શું કહ્યું?
આ ઘટના અંગે મસૂરીના કાર્યકારી સહાયક પોલીસ કમિશનર અમિત સક્સેનાએ જણાવ્યું કે, રાત્રે 8 વાગ્યે પથ્થરમારા અંગે માહિતી મળી હતી. તાત્કાલિક પોલીસ ફોર્સ ગામમાં ગઈ હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી. પોલીસ ટીમ ગામમાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસી રહી છે અને આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: SC/ST એક્ટના કેસમાં હવે આરોપીને આગોતરા જામીન નહીં મળે!











Users Today : 1746