SC/ST એક્ટમાં જામીન મુદ્દે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. CJI જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે ચૂકાદામાં કહ્યું છે કે, SC/ST એક્ટ 1989 (એટ્રોસિટી એક્ટ) હેઠળ નોંધાયેલા કેસોમાં આરોપી સામે પ્રથમદર્શી ગુનો બનતો હોય તો તેમને આગોતરા જામીન આપી શકાય નહીં. આરોપીને આગોતરા જામીન ત્યારે જ આપી શકાય છે જ્યારે તે સ્પષ્ટપણે સાબિત થાય કે તેની સામે કોઈ પ્રથમદર્શી ગુનો બનતો નથી.
મંગળવારે CJI બીઆર ગવઈ, જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) કાયદો(SC/ST એક્ટ) નબળા વર્ગોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવ્યો હતો અને તે આરોપીઓને ધરપકડ પૂર્વે જામીન આપવા પર પ્રતિબંધ મૂકે છે. (મતલબ એટ્રોસિટી એક્ટના કેસમાં આરોપીને જામીન મળી શકે નહીં અને તે બિનજામીનપાત્ર ગુનો છે.) આ સાથે બેંચે પ્રથમદર્શી આરોપોનો સામનો કરી રહેલા આરોપીને આગોતરા જામીન આપવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને પણ ફગાવી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે SC/ST એક્ટની કલમ 18નો ઉલ્લેખ કર્યો
સુપ્રીમ કોર્ટની બેન્ચે SC/ST એક્ટની કલમ 18નો ઉલ્લેખ કરતા કહ્યું કે આ જોગવાઈ સ્પષ્ટપણે CRPC ની કલમ 438 (આગોતરા જામીન આપવા સંબંધિત) લાગુ ન કરવા વિશે છે અને આ કલમ હેઠળ દાખલ કરાયેલી અરજીઓને સુનાવણીમાંથી બાકાત રાખવાની જોગવાઈ કરે છે. કોર્ટે કહ્યું કે આ જોગવાઈ સાથે SC/ST કાયદાની કલમ 18 આરોપીઓને આગોતરા જામીન આપવા પર પ્રતિબંધ મૂકે છે.
આ પણ વાંચો: ત્રણ દલિત યુવકોને પોલીસે કસ્ટડીમાં ઢોર માર માર્યો, નખ ખેંચી કાઢ્યા?
બેંચે આગોતરા જામીન અંગે સ્પષ્ટ રેખા દોરી
બેન્ચે આવા કેસોમાં આગોતરા જામીન આપવા માટે સ્પષ્ટ રેખા દોરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ 3 હેઠળ, જો પ્રથમ દૃષ્ટિએ સાબિત થાય કે આરોપીએ આ કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું નથી, તો કોર્ટને CRPCની કલમ 438 હેઠળ દાખલ કરાયેલી અરજીઓ પર વિચાર કરતી વખતે આરોપીને આગોતરા જામીન આપવાનો વિવેક કરી શકે છે.
આગોતરા જામીન અરજી ફગાવી દેવી જોઈએ
મીડિયા રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ-1989 ની કલમ 18 સ્પષ્ટ ભાષામાં CrPCની કલમ 438 હેઠળ દાખલ કરાયેલી અરજીઓને નકારી કાઢે છે અને SC/ST સમાજના લોકો વિરુદ્ધ ગુનો આચરનારા આરોપીઓને આગોતરા જામીન આપવા પર પ્રતિબંધ મૂકે છે.” બેન્ચે કહ્યું હતું કે આવા આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દેવી જોઈએ. આ કાયદો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટેના પગલાં અમલમાં મૂકવાના ઉદ્દેશ્યથી ઘડવામાં આવ્યો હતો.
મામલો શું છે?
ફરિયાદી કિરણ દ્વારા 29 એપ્રિલના રોજ બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે દાખલ કરાયેલી અપીલને સ્વીકારતી વખતે સુપ્રીમ કોર્ટની બેન્ચે આરોપીને આપવામાં આવેલા આગોતરા જામીન રદ કરી દીધા હતા. આ કેસ 2024 ની વિધાનસભા ચૂંટણી સાથે સંબંધિત છે, જ્યારે મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં મતદાન પછીની અથડામણમાં એક દલિત પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કાવડ યાત્રાની ટીકા કરનાર દલિત શિક્ષકને ગામલોકોએ મંદિર સામે નાક રગડાવ્યું
અરજદારે આરોપ લગાવ્યો હતો કે આરોપીઓએ હુમલા દરમિયાન જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. નવેમ્બર 2024 માં નોંધાયેલી FIR માં, ધારાશિવ જિલ્લાના એડિશનલ સેશન્સ જજે આરોપીને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. એ પછી, આરોપી રાજકુમાર જીવરાજ જૈન હાઈકોર્ટમાં ગયો હતો, જ્યાં કેસને રાજકીય પ્રેરિત ગણાવીને હાઈકોર્ટે તેને આગોતરા જામીન આપી દીધા હતા.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ કરી દીધો
ફરિયાદ મુજબ, 25 નવેમ્બર, 2024 ના રોજ રાજકુમાર જૈન અને અન્ય લોકોએ કથિત રીતે દલિત સમાજના યુવક કિરણ સાથે તેના ઘરની બહાર બબાલ કરી હતી અને તેના અને તેના પરિવાર પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. એ દરમિયાન આરોપીઓએ પીડિત પરિવારને જાતિસૂચક અપશબ્દો પણ કહ્યા હતા. પીડિત દલિત પરિવાર પર જૈનોની પસંદગીના ઉમેદવારોને મત ન આપવાનો આરોપ હતો.
એટ્રોસિટી એક્ટ હેઠળના આ કેસમાં હાઈકોર્ટે આરોપીને આગોતરા જામીન આપી દીધા હતા. જેની સામે પીડિત કિરણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટાવી દીધો અને પીડિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કરવું તે સ્પષ્ટ રીતે એસસી એસટી એક્ટનું ઉલ્લંઘન છે તેમ કહીને આરોપી રાજકુમાર જૈનના આગોતરા જામીન ફગાવી દીધા હતા.
આ પણ વાંચો: ‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં દલિતો વિશે શું લખાયું છે?











Users Today : 775