વકફ એક્ટમાં સુપ્રીમ કોર્ટનો મોટો ફેરફાર, નવા દિશા-નિર્દેશો જાહેર

વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. જાણો સીજેઆઈની અધ્યક્ષતાની બેંચે શું કહ્યું.
Waqf Amendment Act

વકફ (સુધારા) અધિનિયમ, 2025 ની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. એક વચગાળાના નિર્ણયમાં સર્વોચ્ચ અદાલતે આ કાયદાના અમલીકરણ પર સ્ટે મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. એટલે કે, વકફ કાયદો અમલમાં રહેશે. જોકે, સુપ્રીમ કોર્ટે વકફ માટે મિલકત દાન કરવા માટે પાંચ વર્ષ માટે ઇસ્લામનું પાલન કરવાના માપદંડના અમલ સહિત કેટલીક જોગવાઈઓ પર સ્ટે મૂક્યો છે. વકફ કાયદામાં જણાવાયું હતું કે જે લોકો છેલ્લા પાંચ વર્ષથી ઇસ્લામનું પાલન કરી રહ્યા છે તેઓ જ વકફ બનાવી શકે છે. એટલે કે એક રીતે, કાયદામાં મુસ્લિમની વ્યાખ્યા નક્કી કરવામાં આવી હતી, જેના પર કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે.

મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે અમે પ્રથમ દૃષ્ટિએ આ કાયદાની તમામ કલમોને પડકારતી અરજીઓની સમીક્ષા કરી હતી પરંતુ સમગ્ર કાયદા પર પ્રતિબંધ મૂકવાનું કોઈ નક્કર કારણ મળ્યું નથી. બેન્ચે કહ્યું કે કાયદા પર ફક્ત રેરમાં રેર કિસ્સાઓમાં જ પ્રતિબંધ મૂકી શકાય છે.

વક્ફ બોર્ડમાં ત્રણથી વધુ બિન-મુસ્લિમ નહીં

જોકે, CJI ગવઈ અને ન્યાયાધીશ એજી મસીહની બેન્ચે કહ્યું કે રાજ્ય વક્ફ બોર્ડ અને કેન્દ્રીય વક્ફ પરિષદમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યા ત્રણથી વધુ ન હોઈ શકે. એટલે કે, બોર્ડના 11 સભ્યોમાંથી બહુમતી મુસ્લિમ સમાજમાંથી હોવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે શક્ય હોય ત્યાં સુધી, બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પણ મુસ્લિમ હોવા જોઈએ.

આ પણ વાંચો: નડિયાદમાં ભાજપના નેતાએ વકફ બોર્ડની જમીન પચાવી પાડી

કલેક્ટર વક્ફ જમીન વિવાદોનું સમાધાન ન લાવી શકે

સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે કલેક્ટર વક્ફ જમીન વિવાદોનું સમાધાન ન કરી શકે. CJI ગવઈએ ચુકાદો આપતા કહ્યું કે કલેક્ટરને નાગરિકોના વ્યક્તિગત અધિકારો નક્કી કરવાની મંજૂરી આપી શકાય નહીં. જો આવું થાય, તો તે સત્તાના વિકેન્દ્રીકરણનું ઉલ્લંઘન હશે. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી ટ્રિબ્યુનલ દ્વારા નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી કોઈપણ પક્ષ સામે કોઈ તૃતીય પક્ષનો અધિકાર બનાવી શકાતો નથી.

સરકાર દ્વારા નામાંકિત અધિકારી દબાણ અંગે નિર્ણય ન લઈ શકે

સુપ્રીમ કોર્ટે વકફ કાયદાની કલમ 3 અને 4 પર પણ રોક લગાવી છે. આ ઉપરાંત, કલમ 3 (74) સંબંધિત મહેસૂલ રેકોર્ડની જોગવાઈ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. કોર્ટે તે જોગવાઈ પર પણ રોક લગાવી છે, જે સરકાર દ્વારા નામાંકિત અધિકારીને નક્કી કરવાનો અધિકાર આપે છે કે વકફ મિલકત ખરેખર સરકારી મિલકત પર અતિક્રમણ છે કે નહીં. જોકે, કોર્ટે વકફ મિલકતોની નોંધણીની જરૂરિયાત પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે આ પાસું અગાઉના કાયદાઓમાં પણ હતું. નોંધણી માટે નિર્ધારિત સમય મર્યાદામાં સુધારો કરવાની જરૂરિયાત અંગેની ચિંતાના જવાબમાં, કોર્ટે કહ્યું કે તેણે તેના આદેશમાં આ પાસાને ધ્યાનમાં લીધું છે.

સીજેઆઈએ વચગાળાના આદેશના અસરકારક ભાગોનો નિર્દેશ આપતા કહ્યું, “અમે એવું માન્યું છે કે નોંધણી 1995 થી 2013 સુધી અસ્તિત્વમાં હતી અને હજુ પણ અસ્તિત્વમાં છે. તેથી અમે માનીએ છીએ કે નોંધણી કોઈ નવી વસ્તુ નથી.” કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે તેનું નિવેદન ફક્ત પ્રથમ દ્રષ્ટિએ છે અને તે પક્ષકારોને આ કાયદાની માન્યતાને પડકારતી વધુ દલીલો કરવાથી રોકશે નહીં.

આ પણ વાંચો: વકફ બોર્ડ વિશે ફેલાવવામાં આવેલા કેટલાક ભ્રમ અને જુઠ્ઠાણાં

 

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x