દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી 15 કરોડો રૂપિયાની બેનામી રકમ મળી આવી હતી. આ ઘટનામાં સુપ્રીમ કોર્ટે તેમને સજા કરવાને બદલે માત્ર ટ્રાન્સફર કરીને સંતોષ માનતા સુપ્રીમ કોર્ટની શાખ પર સવાલો ઉભા થયા છે. ત્યારે સુપ્રીમ કોર્ટે ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો તેમની સંપત્તિની વિગતો ચીફ જસ્ટિસને સુપરત કરશે.
મીડિયા રિપોર્ટ મુજબ 1 એપ્રિલના રોજ યોજાયેલી ફુલ કોર્ટ મીટિંગમાં તમામ 34 ન્યાયાધીશોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની હાજરીમાં તેમની સંપત્તિ જાહેર કરવાનો નિર્ણય લીધો. ન્યાયાધીશોની સંપત્તિ સંબંધિત વિગતો સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.
આ પણ વાંચો: ઉર્વશી શ્રીમાળીના કેસમાં પોલીસે આરોપીના રિમાન્ડ કેમ ન માંગ્યા?
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાંથી રોકડ રકમ મળી આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૪ માર્ચે જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી. જે બાદ આગ ઓલવવા ગયેલી ફાયર વિભાગની ટીમને ત્યાં અડધી બળી ગયેલી નોટો મળી આવી હતી.
ન્યાયાધીશોની મિલકતની વિગતો પ્રકાશિત કરવાની પદ્ધતિઓને યોગ્ય સમયે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોએ તેમની સંપત્તિની વિગતો કોર્ટને આપી છે. પરંતુ હજુ સુધી તેને સાર્વજનિક કરવામાં આવી નથી.
સુપ્રીમ કોર્ટે પહેલા પણ આ પહેલ કરી ચૂકી છે
આ પહેલી વાર નથી જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરવાનો નિર્ણય લીધો હોય. ૧૯૯૭માં તત્કાલીન CJI જેએસ વર્માના કાર્યકાળ દરમિયાન આવી જ એક બેઠક યોજાઈ હતી અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ન્યાયાધીશો તેમની સંપત્તિની વિગતો આપશે. તે સમયે ન્યાયાધીશોની મિલકતની વિગતો, તેમના જીવનસાથીઓ અને તેમના આશ્રિતોની વિગતો જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ વર્ષ 2008 માં બીજી ફુલ કોર્ટ મીટિંગ યોજાઈ. આમાં ન્યાયાધીશો માટે તેમની મિલકતની વિગતો જાહેર કરવાનું વૈકલ્પિક બનાવવામાં આવ્યું હતું. એ પછી 2018માં પ્રાઈવસીનો પ્રશ્ન ઉભો થયો અને આ પ્રક્રિયા બંધ થઈ ગઈ. હવે ફરી એકવાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ તેમની શાખ બચાવવા માટે આ પહેલ કરી છે.
આ પણ વાંચો: શું લોકશાહીમાં નાગરિક જેમ ન્યાયધીશને પણ અસંમતિનો હક છે?