સુરેન્દ્રનગરમાં પહેલીવાર દલિત વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા નીકળ્યા

Dalit News: સુરેન્દ્રનગરના દલિત વરરાજા હેલિકોપ્ટરમાં બેસીને પરણવા ધ્રાંગધ્રાના ખાંભડા પહોંચ્યાં અને પિતાની અંતિમ ઈચ્છા પુરી કરી.
Surendranagar Dalit groom

Dalit News: જાતિવાદી તત્વોનો જીવ બળીને રાખ થઈ જાય એવી એક ઘટના આજે સુરેન્દ્રનગરમાં જોવા મળી. અહીંના જોરાવરનગરમાંથી એક અનુસૂચિત જાતિ સમાજના વરરાજા હેલિકોપ્ટરમાં બેસીને કન્યાને પરણવા નીકળ્યા હતા. વરરાજા ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામે કન્યાને પરણવા હેલિકોપ્ટરમાં આવી પહોંચ્યા ત્યારે તેમને જોવા માટે સવર્ણોની બહુમતી વસ્તી ધરાવતું આ ગામ ટોળે વળ્યું હતું. સુરેન્દ્રનગર પંથકમાં કદાચ આ પહેલો એવો પ્રસંગ છે, જ્યારે કોઈ અનુસૂચિત જાતિ સમાજના યુવકની જાન આ રીતે હેલિકોપ્ટરમાં નીકળી હોય અને કોઈ ગામડામાં પહોંચી હોય. આ ઘટનાએ સમગ્ર સુરેન્દ્રનગર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.

Surendranagar Dalit groom

‘હેલિકોપ્ટરમાં જાન લઈને જજે’, પિતાની ઈચ્છા પુત્રએ પૂર્ણ કરી

આ લગ્ન વિશે મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના જોરાવરનગરના રહીશ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પીડી રાઠોડની ઈચ્છા હતી કે, તેમના પુત્રને હેલિકોપ્ટરમાં બેસાડીને પરણવા લઈ જવો. જો કે, તેમની એ ઈચ્છા પુરી થાય એ પહેલા તેમનું નિધન થઈ ગયું. જો કે, તેમના પુત્ર રાજેન્દ્રભાઈએ પિતાની એ ઈચ્છાને સાકાર કરવાનું મન બનાવી લીધું હતું. આમ હેલિકોપ્ટરમાં જાન જોડીને તેમણે દિવંગત પિતાની અધૂરી રહી ગયેલી ઈચ્છાને પૂરી કરી બતાવી હતી. સુરેન્દ્રનગરના જોરાવરનગરના રહીશ અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ પીડી રાઠોડ સાહેબના પુત્ર રાજેન્દ્ર રાઠોડની જાન આજે સુરેન્દ્રનગરના જોરાવરનગરથી ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામે હેલિકોપ્ટરમાં પહોંચી હતી. સુરેન્દ્રનગર પંથકમાં આ પહેલો પ્રસંગ હતો, જ્યારે કોઈ અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા વરરાજાની જાન હેલિકોપ્ટરમાં નીકળી હોય.

આ પણ વાંચો: સવર્ણોની ધમકી બાદ પોલીસ સુરક્ષા વચ્ચે દલિતનો વરઘોડો નીકળ્યો

ખાંભડા અને આસપાસના ગામોમાંથી 5 હજાર લોકો ઉમટી પડ્યાં

જોરાવનગરના આગેવાન પીડી રાઠોડના પુત્ર રાજેન્દ્ર રાઠોડની જાન આજે જોરાવરનગરથી ખાંભડા ગામ ખાતે હેલિકોપ્ટરમાં પહોંચી હતી. એ દરમિયાન વરરાજા અને હેલિકોપ્ટરને જોવા માટે ખાંભડા ઉપરાંત તેની આસપાસના ગામોમાંથી લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. એક અંદાજ મુજબ હેલિકોપ્ટરમાંથી વરરાજાને ઉતરતા જોવા માટે 5000 લોકો ઉમટ્યા હતા. હેલિકોપ્ટર ઉતરાણ સમયે મહેમાનો, બાળકો અને મહિલાઓએ હર્ષની ચિચિયારીઓથી સમગ્ર વાતાવરણને ગજવી દીધું હતું. એ દરમિયાન કન્યા લક્ઝુરિયસ ગાડીમાં બેસીને વરરાજાનું સ્વાગત કરવા માટે પહોંચી હતી. સામાન્ય રીતે ગામડાઓમાં લગ્ન દરમિયાન કન્યા આ રીતે વરનું સ્વાગત કરવા માટે જતી નથી. પરંતુ આ લગ્નમાં એ પરંપરા પણ તૂટી હતી.

Surendranagar Dalit groom

હેલિકોપ્ટરના ઉતરાણ દરમિયાન ‘જય ભીમ’ના નારા લાગ્યા

આ લગ્નની સૌથી મોટી ખાસિયત એ હતી કે, હેલિકોપ્ટરની ઉડાન અને ઉતરાણ સમયે ‘જય ભીમ, જય સંવિધાન’ના નારા લાગ્યા હતા. મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના જાગૃત લોકો આ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વરરાજાના આગમન બાદ હેલિકોપ્ટર સાથે સેલ્ફી લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. આ તરફ અનુસૂચિત જાતિ સમાજના આ પરિવારની જાહોજલાલી જોઈને ખાંભડા અને તેની આસપાસના પંથકના જાતિવાદી તત્વો દંગ રહી ગયા હતા અને મનોમન ઈર્ષ્યા કરવા લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: આઝાદી બાદ પહેલીવાર ગામમાં દલિત વરરાજા ઘોડે ચડ્યા

સુરેન્દ્રનગરમાં દલિત સમાજમાં હેલિકોપ્ટરમાં જાનનો પહેલો પ્રસંગ

ખાંભડા ગામે જાનમાં ગયેલા રાઠોડ પરિવારના દીપકભાઈ ખબરઅંતર.ઈન સાથે વાત કરતા કહ્યું હતું કે, વરરાજાને હેલિકોપ્ટરમાંથી ઉતરતા જોવા માટે આસપાસના ગામોમાંથી અંદાજે પાંચ હજાર લોકો ઉમટી પડ્યા હતા. સુરેન્દ્રનગર પંથકમાં આ પહેલો પ્રસંગ છે, જ્યારે કોઈ અનુસૂચિત જાતિ સમાજના વરરાજાની જાન આ રીતે હેલિકોપ્ટરમાં ગઈ હોય. લગ્ન બાદ સાંજે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, રાજકીય-સામાજિક કાર્યકરો, વેપારી એસોસિએશનના સભ્યો વગેરેએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

(વિશેષ માહિતીઃ નટુભાઈ પરમાર)

આ પણ વાંચો: ક્ષત્રિયોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડી ધામધૂમથી પરણાવ્યા

4.2 6 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ભાઈલાલભાઈ રોહિત
ભાઈલાલભાઈ રોહિત
1 month ago

જાતિ વાદી માનસિકતા થી પીડાતા સુરે.નગર ના ધ્રાંગધ્રા જેવા તાલુકા માં આવો પ્રસંગ સવર્ણો માં ઉડીને આંખે વળગે એવો કહી શકાય.

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x