સુરેન્દ્રનગરમાં આશાવર્કર બહેનોએ પોતાની વર્ષોની પડતર માગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. ગઈકાલે જિલ્લાની 2000થી વધુ આશાવર્કર દ્વારા રેલી યોજીને કલેક્ટર, ડીડીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં તેમને લઘુત્તમ વેતન અને પગાર પંચનો લાભ આપવા વિનંતી કરાઈ છે. સાથે જ, આગામી દિવસોમાં આ લાભો આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
ગુજરાત સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં ૫ણ આશાવર્કર બહેનો તેમજ ફેસીટીટેર બહેનોની છેલ્લા ઘણા સમયથી પડતર માંગોનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેને ધ્યાને લઈ જિલ્લાભરની આશાવર્કર બહેનોએ રેલી યોજી જિલ્લા કલેક્ટરને તેમજ ડીડીઓને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી.
આશાવર્કરોને મહિને માત્ર રૂ.1850 ચૂકવાય છે
સુરેન્દ્રગર અને વઢવાણ શહેર સહિત જિલ્લાભરમાં અંદાજે ૧૦૦૦થી વધુ આશાવર્કર અને આશા ફેસીટીટેર બહેનો છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવે છે અને આરોગ્યને લગતી અલગ-અલગ કામગીરી કરી રહી છે. સરકાર દ્વારા આશાવર્કર બહેનોને લઘુતમ વેતન અને પુરતો પગાર ચૂકવવાને બદલે માસીક ફીક્સ પગાર પેટે રૂ.૨૦૦૦ મળવાપાત્ર છે. પરંતુ આશાવર્કર બહેનોને માત્ર રૂ.૧૮૫૦ જેટલી નજીવી રકમ ચુકવવામાં આવી રહી છે.
જેના કારણે આ બહેનોને પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડી રહી છે. તેમજ વર્ષોથી આરોગ્યનું જોખમ લઈ દિન-રાત કામગીરી કરતા હોવા છતાં સરકાર દ્વારા કાયમી કરવામાં આવ્યા નથી તેમજ ગમે ત્યારે આરોગ્ય વિભાગ ઉપરાંત અન્ય વિભાગને લગતી કામગીરી સોંપી શોષણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ‘ભારતમાં બ્રાહ્મણો સૌથી વધુ નફો કમાય છે’, ટ્રમ્પના સલાહકારે પોલ ખોલી!
આશાવર્કરોની અનેક પડતર માગણીઓ પેન્ડિંગ
જે મામલે છેલ્લા ઘણા સમયથી આશાવર્કર બહેનો દ્વારા અનેક વખત સ્થાનીક તંત્ર સહિત સરકારને પડતર માંગો જેમ કે ઈન્સેટીવ પ્રથા બંધ કરવી, કાયમી કરવા, વર્ગ-૪માં સમાવેશ કરવો, કામીરીનો સમયે બાંધવો, ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવો, પેન્શન યોજના, અકસ્માત વિમો, મેટરનીટી લીવ વગેરે પ્રશ્નો અંગે રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહિં આવતા મોટીસંખ્યામાં જીલ્લાભરમાંથી ટાગોર બાગગ સાથે એકત્ર થયા હતા અને ત્યાંથી પડતર માંગો અંગે જીલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું હતું.
ડીડીઓ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
તેમજ ત્યારબાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ ડીડીઓને રજુઆત કરી હતી. સરકાર દ્વારા આગામી દિવસોમાં તમામ પડતર માંગો પુરી કરવામાં નહિં આવે તો કામગીરીથી અળગા રહી ધરણા, ઉપવાસ આંદોલન સહિતના આક્રમક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી તેમજ સરકાર દ્વારા આશાવર્કર બહેનોને કાયમી કરી તે મુજબ માસીક પગાર અને પગાર પંચનો લાભ આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી.
આશાવર્કર માથે બીજા અનેક સરકારી કામોનો બોજ
આશાવર્કર બહેનોને નજીવા ફિક્સ પગારમાં આરોગ્ય ઉપરાંત અન્ય કામગીરી જેમ કે દવાનો છંટકાવ, ઝાડા-ઉલટીના કેસોમાં ડોર ટુ ડોર સર્વે, વગર ટ્રેનીંગે ઓનલાઈન કામગીરી વગેરે કરાવવામાં આવે છે. એટલું જ નહીં, તેમની કામગીરીનો સમય માત્ર બે કલાક હોવા છતાં દિવસ દરમિયાન ગમે ત્યારે તેમને સરકારી કામગીરી સોંપવામાં આવે છે. આ તમામ બાબતોને લઈને આશાવર્કર બહેનોમાં ભારે રોષ છે.
આ પણ વાંચો: કેશોદના અગતરાયમાં 6 બહેનોના એકના એક ભાઈએ આપઘાત કર્યો