સમતા, સમાનતા અને માનવતાનો સંદેશ આપનાર મહાનાયક ડો.આંબેડકરની જન્મજયંતિ ઉજવ્યાને હજુ ત્રણ દિવસ માંડ વિત્યા છે ત્યાં જાતિવાદી તત્વો તેમની ઔકાત પર આવી ગયા છે. એક તરફ સમાજ સમાનતા અને સામાજિક સમરસતા તરફ આગળ વધવાની વાત કરે છે, તો બીજી તરફ અમુક જાતિના લુખ્ખા તત્વો અમે જ સૌથી શ્રેષ્ઠના નકલી અહંકારમાંથી ઉંચા નથી આવતા. તેનું જ કારણ છે કે દેશમાં સતત દલિતો પર હુમલાની ઘટનાઓ ઘટતી રહે છે. આવી જ વધુ એક ઘટનામાં દલિત વરરાજા પર માથાભારે કોમના લુખ્ખા તત્વોએ હુમલો કરી દીધો હતો. જેના કારણે આજીવન સુખનું સંભારણું બની રહેતો લગ્નનો પ્રસંગ શોકનું સંભારણું બની ગયો હતો.
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં આગ્રાના એત્માદપુર પોલીસ સ્ટેશનના છલેસર વિસ્તારની છે. જ્યાં ઠાકુર જાતિના ગુંડાઓએ દલિત વરરાજાના લગ્ન સમારોહ પર હુમલો કર્યો હતો.
શું છે આખો મામલો?
આ ઘટના ગઈકાલે બની હતી જ્યારે મથુરાથી એક દલિત યુવકની જાન છલેસરના ગઢી રામીના કૃષ્ણા ગાર્ડનમાં પરણવા માટે પહોંચી હતી. પરંતુ વરરાજા ન તો ઘોડે ચડી શક્યા, ન તો બેન્ડવાજા અને સંગીત સાથે વરઘોડો કાઢી શક્યા. લુખ્ખા તત્વોની ધમકી આપી હોવાથી દલિત વરરાજાની જાન ચૂપચાપ મેરેજ હોલ સુધી પહોંચી હતી.
આ પણ વાંચો: ‘બુલડોઝરથી કોઈનું ઘર તોડી પાડવું એ બંધારણ તોડી પાડવા સમાન’
પરંતુ જાતિવાદી લુખ્ખાઓની દાદાગીરી આટલેથી અટકી નહોતી. દલિત વરરાજાની જાન કૃષ્ણા ગાર્ડન પહોંચતાની સાથે જ ઠાકુર સમાજના કેટલાક ગુંડાઓએ તે સ્થળ પર હુમલો કર્યો. વરરાજાને કોલર પકડીને રસ્તા પર ફેંકી દીધાં અને પછી ઢોર માર મારવામાં આવ્યો. એટલું જ નહીં, વરરાજા અને કન્યા પક્ષના સભ્યોને પણ ખરાબ રીતે માર મારવામાં આવ્યો. ઘટના દરમિયાન બૂમો અને ચીસો પડી રહી હતી, પરંતુ ઘટનાસ્થળે હાજર લોકો ડરના કારણે કંઈ કરી શક્યા નહીં.
વીડિયો વાયરલ થયો, ગુંડાગીરી કરનાર આરોપી ફરાર
મારામારીની આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે આરોપીઓ દ્વારા દલિત વરરાજાને રસ્તાની વચ્ચે માર મારવામાં આવી રહ્યો છે. ઘટના બાદ વરરાજાના પરિવારે લગભગ અડધો ડઝન લોકો સામે નામજોગ અને 20 અજાણ્યા ગુંડાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ
ઠાકુર સમાજના લુખ્ખા તત્વોના આ હુમલાથી જાન લઈને આવેલો દલિત પરિવાર ડઘાઈ ગયો હતો. જાનમાં આવેલા લોકોની ખુશી છીનવાઈ ગઈ હતી અને આખો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. જાનમાં આવેલા એકેય વ્યક્તિએ ખાવાનું પણ ખાધું નહોતું. બધાં ભય, અપમાન અને ગુસ્સા સાથે પરત ફર્યા હતા. વરકન્યાના લગ્ન તો થયા, પરંતુ જાનૈયાઓના દિલમાં ડર અને આઘાત છવાઈ ગયો હતો.
ઠાકુરોના ઘર પાસેથી જાન નીકળતા હુમલો કર્યો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઠાકુર સમાજના ઘરો સામેથી દલિત વરરાજાની જાન નીકળવાને લઈને આ ગુંડાઓ ગુસ્સે ભરાયા હતા. જમીન સહિત બધું જાણે તેમના બાપની જાગીર હોય તેમ આ ગુંડાઓએ જાતિવાદથી પ્રેરાઈને દલિત વરરાજાની જાન પર હુમલો કરી દીધો હતો.
પોલીસ શું કરી રહી હતી?
આગ્રાના એત્માદપુરામાં ઠાકુરોએ દલિત વરરાજાની જાન પર હુમલો કર્યો, જાનૈયાઓને માર માર્યો, વરરાજાને ઘોડી પર ન બેસવા દીધાં. 6 લોકો સામે નામજોગ અને 20 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાઈ.#Agra@agrapolice@Uppolice pic.twitter.com/uXSKxwxDvV
— khabar Antar (@Khabarantar01) April 17, 2025
સૂત્રોના મતે ઉત્તરપ્રદેશમાં જ્યારથી ઠાકુર જાતિના યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યાં છે ત્યારથી આ સમાજના લોકોની ગુંડાગર્દી વધી ગઈ છે. તેઓ ગમે તેટલો મોટો ગુનો આચરે, તો પણ પોલીસ કે કાયદો તેમને છાવરે છે તેવા આક્ષેપો થતા રહે છે. આ કેસમાં પણ એવું જ થયું હોવાનું કહેવાય છે. એત્માદપુર પોલીસ સ્ટેશન અને છલેસર પોલીસ ચોકીની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. આરોપીઓની શોધ ચાલી રહી છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર આ પ્રશ્નો ઉભા કર્યા છે કે શું દલિત સમાજને હજુ પણ સમાનતાનો અધિકાર નથી? શું લગ્નનો વરઘોડો કાઢવા જેવા મૂળભૂત અધિકાર માટે પણ લોકોની જાતિ પૂછવામાં આવશે? શું ગુંડાગીરી કરનારા આરોપીઓને કડક સજા મળશે કે કેસ દબાવી દેવામાં આવશે?
દલિત પરિવારે મુખ્યમંત્રી પાસે ન્યાયની માંગ કરી
આ મામલે પીડિત દલિત પરિવારે મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સામે ન્યાયની અપીલ કરી છે. સમાજના જાગૃત લોકો પણ આ ઘટના પર ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ ફક્ત એક પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે કસોટીનો સમય છે. હવે જોવાનું એ રહે છે કે કાયદા અને બંધારણનું શાસન રહેશે કે જાતિના નામે ગુંડાગીરીનો પ્રભાવ રહેશે.
આ પણ વાંચો: દલિત સગીરાનું અપહરણ કરી બે યુવકોએ હોટલમાં ગેંગરેપ કર્યો