Mukhi attacks Dalits: ગુજરાતમાં હાલમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પુરી થઈ. કેટલીક જગ્યાએ નાનીમોટી વિવાદી ઘટના બની. જોકે બધી જગ્યાએ આવું નથી થતું. ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં આજે પણ જાતિવાદી તત્વોને સરકાર અને પોલીસ તંત્ર છાવરતું હોવાથી અહીં આવા તત્વો બદલો લેવા માટે ગમે તે હદે જઈ શકે છે.
છત્તીસગઢના રાયગઢ જિલ્લાના પુસૌર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતી ગોતમા ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી હારનાર મુખી પોતાની હારથી એટલો નારાજ થયો કે તેણે સાગરિતો સાથે મળીને ગામના દલિત વાસ પર હુમલો કર્યો હતો. આરોપ છે કે, મુખીએ આયોજનબદ્ધ રીતે આખું કાવતરું રચ્યું હતું. રાયગઢ જિલ્લામાં ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીઓ હજુ પણ ચાલી રહી છે અને આ ક્રમમાં જિલ્લાના પુસૌર વિસ્તારમાં 17 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરપંચ પદ માટેની ચૂંટણી બિનઅનામત સામાન્ય મહિલા માટે હતી.
સરપંચ પદની ચૂંટણીમાં આ કેસના આરોપી ગામના મુખી ગણાતા અશોક ગુપ્તાની પત્ની બિલાસિની ગુપ્તાએ ઉમેદવારી નોંધાવી હતી, જો કે તેની ચૂંટણીમાં હાર થઈ હતી અને અન્ય ઉમેદવાર તનુજા ગુપ્તાની જીત થઈ હતી. કથિત રીતે, અશોક ગુપ્તાના પરિવારે ચૂંટણીમાં તેમની હાર માટે દલિત-આદિવાસી વર્ગને જવાબદાર ઠેરવ્યો હતો અને કાવતરું રચીને તેમના ઘરો પર હુમલો કર્યો હતો.
એવો આરોપ છે કે પીડિતોને માર મારવામાં આવ્યો હતો અને તેમને જાતિસૂચક ગાળો ભાંડી અપાનિત કરવામાં આવ્યા હતા. આરોપી અશોક ગુપ્તા અને તેના સાગરિતોએ દલિતવાસ પર હુમલો કર્યો હતો જેમાં ઘણા લોકો ઘાયલ થયા. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે દરવાજા બંધ કરીને પોતાના ઘરોમાં છુપાઈ ગયા હતા. હુમલાખોરોએ દલિતોના ઘરો અને છત, વાંસના થાંભલા અને દરવાજાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. મોટાભાગના ઘરોના દરવાજા તોડી નાખ્યા હતા અને નુકસાન પહોંચાડ્યું હતું.
આ પણ વાંચો: ધ્રાંગધ્રામાં પોલીસ સામે ધરણાં પર બેઠેલા 30 જેટલા દલિતોની અટકાયત
આ હુમલામાં દલિત સમાજના સાહેબ રામ ચૌહાણ અને તેમના પરિવારની મહિલાઓને ગંભીર ઈજાઓ થઈ છે. સાહેબરામ કહે છે, “ચૂંટણી 17 ફેબ્રુઆરીએ હતી. અશોક ગુપ્તાની પત્ની બિલાસિની ગુપ્તા હારી ગઈ અને કેસપાલીની તનુજા ગુપ્તા જીતી ગઈ. 18મીએ લોકો ઉજવણી કરી રહ્યા હતા. અમે વિજેતા ઉમેદવારના ઘરે રાત્રે ભોજન કર્યું. તે પણ અમારા ઘરે આવ્યા. તેમના ઘરે જમ્યા પછી અમે અમારા ઘરે પાછા ફર્યા. રાત્રે લગભગ 9 વાગ્યે, તે લોકો (હારેલા ઉમેદવારના પક્ષના લોકો) અમારા ઘરે આવ્યા અને અમને ગાળો ભાંડવા લાગ્યા અને કહ્યું, ‘તું બહાર નીકળ, તને કાપીને દાટી દઈશ…’. હું ઘરની અંદર હતો અને તે લોકો બહાર હતા. ડરને કારણે હું બહાર આવ્યો નહીં. તે લોકો જોરથી દરવાજો ખખડાવી રહ્યા હતા. મેં ધીરેથી બહાર આવીને તેઓ શું કરી રહ્યા છે તે જોવાનો પ્રયાસ કર્યો તો કોઈએ મને પથ્થરો માર્યા. જેનાથી મારા ઘૂંટણમાં ઈજા થઈ છે. મારી સારવાર પણ કરવામાં આવી છે. એ પછી તેઓ વધુ 5 ઘરોમાં ગયા અને ત્યાં પણ હુમલો કર્યો.”
આ ઘટનાને લઈને છત્તીસગઢના માનવાધિકાર કાર્યકર્તા ડિગ્રી પ્રસાદ ચૌહાણે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત ગોતમાની બેઠક પંચાયત ચૂંટણીમાં સામાન્ય મહિલા અનામત હતી. કેસપાલી આ ગામનું આશ્રિત ગામ છે; આ બંને ગામમાંથી ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. ગોતમા ગામમાંથી ગામના મુખીના પરિવારમાંથી એક મહિલા ઉમેદવાર હતી, જ્યારે કેસપાલીથી પણ એક સામાન્ય શ્રેણીની મહિલા ઉમેદવાર હતી. ગોતમા ગામના સરપંચે પોતાના ખેતરમાં કામ કરતા અથવા મજૂરી કરતા દલિત-આદિવાસી સમાજના લોકોને કહ્યું કે તમે લોકોએ બીજા ગામના ઉમેદવારને મત આપ્યો છે. એ પછી તેમણે દલિતવાસ પર હુમલો કરી દીધો હતો. ઘટનાના દિવસે, પીડિતોએ પોલીસ વિભાગના ટોલ-ફ્રી નંબર પર ફોન કર્યો હતો. માહિતી મળતાં જ પોલીસ આવી અને આખી રાત પેટ્રોલિંગ કર્યું.
ચોંકાવનારી વાત એ છે કે પોલીસકર્મીઓની નજર સામે પથ્થરમારો કરવામાં આવ્યો હોવા છતાં, પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. જ્યારે પીડિત પરિવારો પુસૌર પોલીસ સ્ટેશન ગયા ત્યારે તેમને ઠપકો આપી ભગાડી દેવામાં આવ્યો. ત્યારબાદ લોકો એસપી ઓફિસમાં આવ્યા અને રાત્રે 11 વાગ્યા સુધી ધરણા પર બેઠા હતા. જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં આ મામલે કોઈની ધરપકડ થઈ હોય તેવા કોઈ સમાચાર મળતા નથી.”
આ પણ વાંચો: દલિત વરરાજાને ઘોડી પરથી ઉતારી લુખ્ખા તત્વો ઘોડી સાથે લઈ ગયા