જાતિવાદી તત્વોને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના પ્રતિક બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરથી કેટલી નફરત છે તે સૌ જાણે છે. ભારતમાં સૌથી વધુ જો કોઈ નેતાની પ્રતિમાને વારંવાર અપમાનિત કરવામાં આવતી હોય, તો તે ડો.આંબેડકર છે. ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં વધુ એક પ્રતિમા તૂટી છે.
મામલો શું હતો
જૌનપુરના પ્રખ્યાત ‘ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકર પાર્ક’માં સ્થાપિત બંધારણ નિર્માતા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. કેટલાક કથિત જાતિવાદી તત્વોએ અંધારાનો ફાયદો ઉઠાવીને પ્રતિમાના ચહેરા પર કાળો રંગ ચોપડી દીધો હતો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે વહેલી સવારે સ્થાનિક લોકો અને બહુજન સમાજના યુવાનો પાર્કમાં પહોંચ્યા હતા.

બાબાસાહેબની પ્રતિમાની આવી હાલત જોઈને ક્ષણભરમાં જ આ સમાચાર આખા જિલ્લામાં વાયુવેગે ફેલાઈ ગયા હતા. લોકો મોટી સંખ્યામાં પાર્ક ખાતે એકઠા થવા લાગ્યા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. લોકોમાં એટલો આક્રોશ હતો કે પરિસ્થિતિ કાબૂ બહાર જવાની ભીતિ સેવાઈ રહી હતી, પરંતુ સામાજિક આગેવાનોએ શાંતિ જાળવીને સૌ પ્રથમ માનપૂર્વક પ્રતિમાને સાફ કરી હતી અને તંત્ર સામે તત્કાલ ન્યાયની માંગ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં SC-ST પર અત્યાચાર વધ્યા: 5 વર્ષમાં 19,000 ફરિયાદો
સ્થાનિકોએ શું માંગ કરી?
આ ઘટના અંગેના સ્થાનિક દલિત સંગઠનો અને સક્રિય કાર્યકરો દ્વારા પોલીસમાં સત્તાવાર રીતે FIR દાખલ કરવામાં આવી છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, જેમાં સાર્વજનિક પ્રતિમાને નુકસાન પહોંચાડવું, ધાર્મિક અને સામાજિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી તેમજ સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ સામેલ છે.
પોલીસ પ્રશાસન દ્વારા તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે, જે અત્યારે પાર્કની આસપાસના તમામ સીસીટીવી (CCTV) ફૂટેજની બારીકાઈથી તપાસ કરી રહી છે જેથી રાત્રિ દરમિયાન પાર્કમાં પ્રવેશેલા શંકાસ્પદ તત્વોની ઓળખ કરી શકાય. અત્યાર સુધીમાં પોલીસે કેટલાક શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, જોકે મુખ્ય કાવતરાખોરો હજુ સુધી પોલીસની પકડથી દૂર છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે દોષિતો ગમે તેટલા પ્રભાવશાળી હશે, તેમને છોડવામાં આવશે નહીં.

દલિત-બહુજન સમાજે શું કહ્યું?
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પ્રકારનું કૃત્ય કરનારા લોકો ખરેખર કાયર છે, કારણ કે તેમની પાસે દિવસના અજવાળામાં કશું કરવાની હિંમત નથી અને એટલે જ તેઓ રાતના અંધારામાં મૂર્તિઓને નુકસાન પહોંચાડીને પોતાની વિકૃત માનસિકતાનું પ્રદર્શન કરે છે. આ ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. વિરોધ પક્ષોએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે રાજ્યમાં મહાપુરુષોની મૂર્તિઓ સુરક્ષિત નથી, તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું? બહુજન સમાજના નેતાઓએ પ્રશાસનને અલ્ટીમેટમ આપ્યું છે કે જો ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો સમગ્ર ઉત્તર પ્રદેશમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
આ પણ વાંચો: ડૉ.આંબેડકરે ‘મનુસ્મૃતિ’ને મહિલાઓ માટે ક્રૂર ગ્રંથ કેમ કહ્યો હતો?
હાલમાં તણાવને જોતા ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે શું યુપી પ્રશાસન ખરેખર ઝડપી કાર્યવાહી કરીને બાબાસાહેબનું અપમાન કરનારાઓને કડક સજા અપાવે છે કે પછી આ મામલો માત્ર આશ્વાસનોમાં જ સમેટાઈ જાય છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે બંધારણના રક્ષકો અને વિરોધીઓ વચ્ચેનો આ વૈચારિક સંઘર્ષ આજે પણ જમીની સ્તરે ચાલુ છે.
બીએસપી અને ભીમ આર્મીના કાર્યકરો રસ્તા પર ઉતર્યા
આ ઘટનાના વિરોધમાં બીએસપી અને ભીમ આર્મીના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. બસપાએ આ કૃત્યની સખત નિંદા કરી અને જિલ્લા વહીવટીતંત્ર પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી. વરિષ્ઠ બસપા નેતા ડૉ. લાલ બહાદુર સિદ્ધાર્થે જણાવ્યું હતું કે પ્રતિમા તોડનારા અને આ ઘૃણાસ્પદ કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે તાત્કાલિક નવી પ્રતિમા સ્થાપિત કરવાની પણ માંગ કરી હતી.
બસપા નેતાએ શું કહ્યું?
ડૉ. સિદ્ધાર્થે ભ્રષ્ટ માનસિકતા ધરાવતા લોકોની તાત્કાલિક ધરપકડ અને કડક સજા કરવાની માંગ કરી હતી. તેમણે આંબેડકર તિરાહા ખાતે પોલીસ ચોકી બનાવવાની પણ માંગ કરી હતી. જ્યાં સુધી આ ચોકી ન બને ત્યાં સુધી 24 કલાક પોલીસ દળ તૈનાત રહે. ટેકનિકલ અને માળખાકીય સુધારા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે, ખરાબ થયેલા સીસીટીવી કેમેરાને તાત્કાલિક નવા કેમેરાથી બદલવા અને પ્રતિમાની આસપાસની બાઉન્ડ્રી દિવાલ ઉંચી કરવાની માંગ કરવામાં આવી હતી. બીજી એક મહત્વપૂર્ણ માંગ પ્રતિમાની સીમા દિવાલ પાસે હોળીકા દહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની હતી, જેથી તેની સલામતી સુનિશ્ચિત થાય.
આ પણ વાંચો: રાજસ્થાનમાં UGC એક્ટના સમર્થનમાં SC, ST, OBC સમાજે જંગી રેલી યોજી
ભીમ આર્મીના જિલ્લા પ્રમુખે શું કહ્યું?
ભીમ આર્મીના જિલ્લા પ્રમુખ ડૉ. એસપી માનવે માંગ કરી છે કે આ કેસમાં દોષિતો પર તાત્કાલિક ગુનો નોંધવામાં આવે અને ભવિષ્યમાં બનતી ઘટનાઓ અટકાવવા માટે તેમની ધરપકડ કરવામાં આવે. તેમણે એવી પણ માંગ કરી છે કે ખંડિત પ્રતિમાની જગ્યાએ નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવે. આ ઉપરાંત, ભીમ આર્મીએ પ્રતિમા સ્થળ પર કાયમી સુરક્ષા વ્યવસ્થા અને સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરી છે.
#जौनपुर में बाबासाहब की मूर्ति पर किसी ने कालिख फैकी. DM दिनेश चन्द्र खुद मौके पर पहुंचे. बाबा साहब की मूर्ति को धुलकर साफ किया. वायदा किया वो अपराधी जल्द जेल की सलाखों के पीछे होगे जिन्होने यह कृत्य किया है.
ऐसे अफसर जनता में यकीन पैदा करते है. pic.twitter.com/0b5EdPdAmM
— Narendra Pratap (@hindipatrakar) March 5, 2026
તેમણે એમ પણ કહ્યું કે કોઈપણ સમાજને પ્રતિમા સ્થળની આસપાસ નવી પરંપરાઓ સ્થાપિત કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. ભીમ આર્મીએ વહીવટીતંત્રને એક અઠવાડિયામાં આ માંગણીઓ પૂર્ણ કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે, અને ચેતવણી આપી છે કે જો આમ નહીં કરવામાં આવે તો બહુજન સમાજ આંદોલન શરૂ કરવા મજબૂર થશે, જેના માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે જવાબદાર રહેશે.
આ પણ વાંચો: ‘પાઈથનનું કામ માત્ર બ્રાહ્મણ-ક્ષત્રિય કરે, તું Java કે સફાઈકામ કર!’














