રાજકોટમાં દલિત પત્રકાર ભાવેશ વાણવીની હત્યામાં ત્રણ આરોપી પકડાયા

રાજકોટમાં દલિત પત્રકાર ભાવેશ વાણવીની હત્યાના વિરોધમાં ગાંધીનગર સુધી મૃતદેહ લઈ જવાની ચીમકી બાદ પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધાં છે. જાણો અત્યાર સુધીનું અપડેટ.
Rajkot Dalit Bhavesh Vanvi murder case

રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર બનેલી દલિત પત્રકાર ભાવેશ વાણવીની કરપીણ હત્યાના કેસમાં વહીવટી તંત્ર અને પોલીસ પર દલિત સમાજનું ભારે દબાણ આવતા આખરે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ પૈકી ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધા છે. પોલીસની આ કાર્યવાહી ત્યારે થઈ જ્યારે દલિત સમાજે ઉગ્ર આંદોલન છેડી દીધું હતું અને શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમમાં મુકાઈ હતી.

પોલીસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયા બાદ પરિસ્થિતિની ગંભીરતા પારખીને ક્રાઈમ બ્રાન્ચ અને યુનિવર્સિટી પોલીસની અલગ-અલગ ટીમો બનાવી હતી. હાલમાં મુખ્ય આરોપી હમીર જોગરાણા સહિતના અન્ય ફરાર શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને પકડાયેલા શખ્સોની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ આરોપીઓ વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એક્ટ હેઠળ કડક પુરાવા એકત્ર કરી રહી છે.

સિવિલ હોસ્પિટલ ચોકમાં ચક્કાજામ

આ અગાઉ, સોમવારે આખો દિવસ રાજકોટ સિવિલ હોસ્પિટલનું પોસ્ટમોર્ટમ રૂમ અને બહારનો વિસ્તાર આક્રોશના દ્રશ્યોથી ઘેરાયેલો રહ્યો હતો. ભાવેશ વાણવીના કરપીણ મોતના સમાચાર મળતા જ દલિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. પરિવારે આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચો: શું સોશિયલ મીડિયા ભારતમાં જાતિ ભેદભાવને પ્રોત્સાહન આપે છે?

વિરોધ એટલો ઉગ્ર હતો કે સિવિલ હોસ્પિટલ ચોકમાં મૃતદેહને એમ્બ્યુલન્સમાં રાખીને રસ્તો રોકી દેવામાં આવ્યો હતો. દલિત સમાજે તંત્રને લલકારતા ચીમકી ઉચ્ચારી હતી કે જો રાત્રિના 12 વાગ્યા સુધીમાં તમામ આરોપીઓ નહીં પકડાય, તો તેઓ ભાવેશના મૃતદેહને ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય (CMO) પાસે લઈ જઈને ત્યાં જ ધરણા કરશે. આ આક્રમક ચીમકીથી પોલીસ ઉચ્ચ અધિકારીઓ ગભરાયા હતા અને ગાંધીનગરથી પણ દબાણ આવતા તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા હતા.

કલેક્ટરને આવેદન અને પોલીસ સાથે ઘર્ષણ

પરિસ્થિતિ વણસતી જોઈ દલિત સમાજના અગ્રણીઓએ રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશને રૂબરૂ મળીને મુખ્યમંત્રી સંબોધિત આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા અને પરિવારને વળતરની માંગ કરવામાં આવી હતી. જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકી પણ પીડિત પરિવારના સમર્થનમાં રાજકોટ દોડી આવ્યા હતા. બીજી તરફ, જ્યારે પોલીસે હોસ્પિટલ ચોકમાં ચક્કાજામ ખાલી કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ અને 20 જેટલા દલિત યુવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા અનેક યુવાનોની અટકાયત કરી હતી. આખરે, આરોપીઓની ધરપકડની ખાતરી મળ્યા બાદ પોલીસે એમ્બ્યુલન્સ બોલાવી ભાવેશના મૃતદેહને તેના વતન વંથલી ખાતે રવાના કર્યો હતો અને પરિવારને સમજાવવામાં પોલીસ સફળ રહી હતી.

Rajkot Dalit Bhavesh Vanvi murder case

2 લાખમાં સમાધાનની વાત કરી હત્યા કરી?

હત્યાની આ કમકમાટીભરી ઘટના રવિવારે રાત્રે બની હતી. મૃતક ભાવેશના માતા ગીતાબેને રડતા રડતા એવો ગંભીર આરોપ લગાવ્યો હતો કે હુમલાખોરોએ વિશ્વાસઘાત કર્યો છે. ભાવેશ જૂની અદાવતનું સમાધાન કરવા માટે 2 લાખ રૂપિયા લઈને હમીર જોગરાણા અને તેની ગેંગ પાસે ગયો હતો. પરંતુ હુમલાખોરોએ પૈસા લીધા બાદ છેતરીને તેના પર હુમલો કર્યો હતો. પત્રકાર તરીકે ફરજ બજાવતા ભાવેશને એટલી ક્રૂરતાથી પાઈપ અને કુહાડીના ઘા ઝીંકવામાં આવ્યા હતા કે શરીરનું એક પણ અંગ બાકી નહોતું રહ્યું. હોસ્પિટલના બિછાને સુદ્ધબુદ્ધ ખોઈ બેસેલી પત્ની દિવ્યાબેને આક્રંદ કરતા જણાવ્યું હતું કે, “હું પણ મરી જઈશ, મને મારો ભાવલો (ભાવેશ) પાછો જોઈએ છે.” આ કરુણ દ્રશ્યોએ ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની કરી દીધી હતી.

આ પણ વાંચો: પોલીસે કહ્યું હતું, ‘તારો છોકરો હાથમાં આવશે તો મારી નાખીશું’ અને એવું જ થયું!

પાંચ ભરવાડોએ જૂની અદાવતમાં હુમલો કર્યો

ફરિયાદમાં નોંધાવ્યા મુજબ, રવિવારે રાત્રે ભાવેશ તેના મિત્ર રાહુલ પરમાર અને ભત્રીજા પ્રિન્સ વાણવી સાથે રૈયા રોડ પર બેઠો હતો ત્યારે સ્વીફ્ટ કારમાં હથિયારો સાથે ધસી આવેલા હમીર જોગરાણા, રવિ જોગરાણા, સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા અને લાલો સભાડ નામના શખ્સોએ આતંક મચાવ્યો હતો. હુમલાખોરો ભાવેશને જબરદસ્તીથી કારમાં નાખીને અપહરણ કરી ગયા હતા અને અડધો કિલોમીટર દૂર ગ્રીન સિટી પાસે ફેંકીને ભાગી છૂટ્યા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ હુમલામાં ભત્રીજા પ્રિન્સને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જે હાલ સારવાર હેઠળ છે.

દલિતને રસનો ચિચોડો ન નાખવા દેવા હત્યા કરી!

પોલીસની તપાસમાં ખૂન પાછળનું કારણ રસના ચીચોડાની અદાવત હોવાનું બહાર આવ્યું છે. ભાવેશ વાણવીએ અગાઉ શાંતિનગરના ગેટ પાસે રસનો ચીચોડો ચલાવતા હમીર જોગરાણા વિરુદ્ધ ગેરકાયદે દબાણ અને નિયમોના ઉલ્લંઘન બદલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેખિત અરજી કરી હતી. આ અરજીનો ખાર રાખીને આરોપીઓએ ભાવેશને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું. એક દલિત પત્રકાર દ્વારા કરવામાં આવેલી કાયદેસરની અરજી સામે હિંસક બદલો લેવાની આ ઘટનાએ સાબિત કર્યું છે કે અમુક તત્વોમાં કાયદાનો કોઈ ખોફ રહ્યો નથી. હાલમાં પોલીસે ત્રણ શખ્સોને પકડી લીધા છે અને બાકીના આરોપીઓને પકડવા માટે રાજ્યભરમાં નાકાબંધી કરી છે. દલિત સમાજ હજુ પણ ન્યાયની આશામાં બેઠો છે.

આ પણ વાંચો: બાંટવાના PSI ને એટ્રોસિટી હેઠળ સમન્સ, દલિત આધેડને લોકઅપમાં માર માર્યો હતો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x