પહલગામ હુમલામાં સત્તાપક્ષના આઈટી સેલ અને ગોદી મીડિયા દ્વારા ‘ધર્મ પૂછકર ગોલી મારી’ શબ્દને પકડીને ભયાનક કુપ્રચાર કરવામાં આવી રહ્યો છે. જો કે, આ જ લોકો સદીઓથી દલિતોની જાતિ પૂછીને સવર્ણ હિંદુઓ દ્વારા કરવામાં આવતા અત્યાચારોની વાત નીકળે ત્યારે મૌન થઈ જાય છે. જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશમાં જ્યારથી ઠાકુર જાતિના યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યાં છે ત્યારથી ઠાકુરો બેફામ બની દલિતો પર અત્યાચાર કરવા માંડ્યાં છે અને તેમને કાયદો વ્યવસ્થાની કોઈ બીક પણ નથી લાગતી. આવી જ એક ઘટનામાં ત્રણ દલિત યુવકોને ઠાકુર જાતિના ગુંડાઓએ ‘જય ભીમ’ના નારા લગાવવા બદલ જાહેરમાં કપડાં ઉતરાવી નિર્દયતાથી માર માર્યો હતો.
અલીગઢના ચિકાવટી ગામની ઘટના
ઘટના અલીગઢના લોઢા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચિકાવટી ગામની છે. જ્યાં ઠાકુર જાતિના લોકોએ ‘જય ભીમ’ના નારા લગાવવા બદલ ત્રણ દલિત યુવાનોને કપડાં ઉતરાવીને નિર્દયતાથી માર માર્યો હતો. આ ઘટના 26 એપ્રિલના રોજ બની હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આરોપીઓનું કહેવું છે કે, દલિત યુવકોએ એક સવર્ણ વિદ્યાર્થિની સામે અશ્લીલ નિવેદન કર્યું હતું. જો કે, આ આરોપમાં દમ એટલા માટે નથી લાગતો. કારણ કે યુપીમાં સવર્ણ જાતિના લોકોની લુખ્ખી દાદાગીરીથી દલિતો પરિચિત છે અને એટલે તેઓ તે સમાજની દીકરીઓ વિશે અશ્લીલ ટિપ્પણી કરે તે વાત ગળે ઉતરતી નથી.
યુપીમાં આમ પણ પોલીસ ખાતું ઠાકુર વિ. દલિતનો મામલો હોય ત્યારે સંપૂર્ણપણે ઠાકુરોના પક્ષમાં કામ કરતી હોવાના આરોપ લાગતા રહે છે અને આ મામલામાં પણ એવું જ થયું હોવાનું કહેવાય છે. દલિત સમાજના લોકોનો આરોપ છે કે, ત્રણેય યુવકો ‘જય ભીમ’ના નારા લગાવતા હતા, જેનાથી ઠાકુરો ઉશ્કેરાઈ ગયા હતા અને ત્રણેય યુવકો પર જાહેરમાં હુમલો કરી દીધો હતો.
ઘટનાનો વીડિયો વાયરલ થયો
આ ઘટનાનો વીડિયો ગઈકાલનો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે હુમલાખોરોએ દલિત યુવાનોને રસ્તા પર નિર્વસ્ત્ર કરી દીધા હતા અને લાકડીઓથી માર માર્યો હતો. જોકે, પોલીસનું કહેવું છે કે, આ એક સામાન્ય વિવાદ હતો અને તેમાં કોઈ જાતિવાદનું કારણ નથી. લોકોએ આ યુવાનોને અભદ્ર નિવેદન કરી સ્કૂલની
છોકરીની છેડતી કરવા બદલ માર માર્યો હતો.
આરોપ છે કે ત્રણ યુવાનોએ એક વિદ્યાર્થિનીની સામે અશ્લીલ નિવેદન કરી તેને હેરાન કરી હતી. જેથી વિદ્યાર્થીનીએ બૂમ પાડી, એ પછી વિદ્યાર્થિનીની જાતિના લોકોએ ત્રણેય યુવાનોને ઘેરી લીધા, તેમના કપડાં ઉતરાવ્યા અને લાકડીઓથી માર માર્યો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ટોળાંએ રસ્તા પર યુવાનોને ઘેરી લીધા હતા અને તેમને માર માર્યો હતો.
આ પણ વાંચો: 40 દલિત પરિવારોએ સંસદ સામે આત્મહત્યાની ધમકી આપી
પોલીસે ઘટનાને દલિત એટ્રોસિટીને બદલે સામાન્ય બનાવી દીધો
સમગ્ર મામલે લોઢા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ કેસમાં FIR નોંધી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગભાના વિસ્તારના મેજિસ્ટ્રેટ સંજીવ કુમાર તોમરે જણાવ્યું હતું કે “આ ઘટના વિદ્યાર્થિની પર અશ્લીલ નિવેદન કરવા પૂરતી મર્યાદિત છે. તપાસમાં અત્યાર સુધી જાતિ સંબંધિત કોઈ મુદ્દો સામે આવ્યો નથી.”
પોલીસ આરોપીઓ તરફે કામ કરે છેઃ સ્થાનિક દલિતો
આ મામલે સ્થાનિક દલિત સમાજના લોકોએ આરોપ લગાવ્યો છે કે યુવાનોને તેમની જાતિના કારણે નિશાન બનાવવામાં આવ્યા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ દલિત યુવકોએ “જય ભીમ” ના નારા લગાવ્યા હતા, જે ઠાકુર જાતિના લોકોને ગમ્યું નહોતું અને તેમણે આ ત્રણેય યુવકો પર હુમલો કરી દીધો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મામલો દલિત અત્યાચારનો છે, છતાં પોલીસ તેને સામાન્ય ઘટનામાં ખપાવી રહી છે. સ્થાનિક દલિતોનો આક્ષેપ છે કે, પોલીસ આરોપીઓની તરફેણમાં કામ કરી રહી છે.
ગામમાં ભારે તંગદિલીનો માહોલ
આ ઘટનાને કારણે સ્થાનિક સ્તરે તણાવનો માહોલ છે. દલિત સમાજના લોકો તેને જાતિ હિંસા સાથે જોડી રહ્યા છે. પરંતુ ઠાકુર જાતિના લોકોની તરફેણમાં કામ કરતી પોલીસ આ કેસને સામાન્ય વિવાદ તરીકે ખપાવી રહી છે. આમ પણ ઉત્તરપ્રદેશની પોલીસ દલિત વિ. સવર્ણ જાતિઓના કેસોમાં ગમે તેટલો મોટો જાતિવાદી એંગલ હોય તો પણ તેને સામાન્ય વિવાદ ગણાવવામાં પાવરધી છે. એટલે આ કેસમાં પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઠાકુર જાતિના ગુંડાઓને કોઈ મોટી સજા થાય એવી શક્યતા ઓછી છે.
*ભારતમાં 27/28 ફેબ્રુઆરી 2002 થી પોલીસ પ્રશાસન દ્વારા ચોતરફથી જધન્ય ઘટનાઓને નિષ્ક્રિયતા તરફ વાળવાની કુશળતા હાંસિલ કરી છે!