મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાંથી એક સંવેદનશીલ ઘટના સામે આવી છે, જ્યાં બે આદિવાસી મહિલાઓએ તેમની જમીન પરના દબાણથી તંગ આવી જઈને મામલતદારના પગ પકડીને ન્યાય અપાવવા વિનંતી કરી હતી. આ ઘટના કરહલ તાલુકા કચેરી બહાર બની હતી અને આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મામલો શું હતો?
શનિવારે, બે આદિવાસી મહિલાઓ – સાવિત્રી બાઈ અને તેમની પુત્રવધૂ – કરહલ તાલુકા કચેરીમાં મામલતદાર રોશની શેખ સમક્ષ ન્યાયની આજીજી કરતી જોવા મળી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ગામના માથાભારે તત્વોએ તેમની જમીન પર દબાણ કર્યું છે અને રાત્રે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે.
આ પણ વાંચો: તોફાની તત્વોએ આદિવાસી યોદ્ધા ટંટ્યા મામાની પ્રતિમા તોડી નાખી
સાવિત્રી બાઈ, આદિવાસી સમાજની છે. તેણે જણાવ્યું હતું કે તે સર્વે નંબર 645/3 માં આવેલી 3.1350 હેક્ટર જમીનની માલિકી ધરાવે છે, જેના પર તેનો પરિવાર વર્ષોથી રહે છે. કરહલ મામલતદાર રોશની શેખના માર્ગદર્શનમાં આ કેસની તપાસ ચાલી રહી છે.
શનિવારે જ્યારે મામલતદાર રોશની શેખ SDM ઓફિસમાંથી નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે બંને મહિલાઓ આવીને તેમના પગ પકડીને તેમની સામે બેસી ગઈ હતી. આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાની કરહલ તાલુકા કચેરીમાં બની હતી. આદિવાસી મહિલાઓની જમીન ખિરખીરી ગામ પાસે આવેલી છે.
આદિવાસી મહિલાઓનું કહેવું છે કે તેમણે 112 નંબર પર પોલીસને ફોન કર્યો હતો અને તાલુકા ઓફિસમાં ઘણી વખત ફરિયાદ નોંધાવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આનાથી હતાશ થઈને તેઓ ન્યાય મેળવવા માટે સીધી મામલતદાર પાસે ગઈ હતી.
આ પણ વાંચો: આદિવાસી વિદ્યાર્થીઓના ભોજનમાંથી ‘દેડકો’ અને ‘કીડાં’ નીકળ્યાં
મામલતદાર રોશની શેખે જણાવ્યું હતું કે બંને મહિલાઓ પહેલીવાર તેમની પાસે આવી હતી. તેમણે તાત્કાલિક પટવારી અને પ્રાદેશિક મહાનિરીક્ષક (RI) ને તપાસ કરવા અને રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ, સોશિયલ મીડિયા પર વહીવટી સંવેદનશીલતા અને ગ્રામીણ ન્યાય વ્યવસ્થા અંગે ચર્ચા તેજ બની છે. હવે બધાની નજર તાલુકા વહીવટીતંત્રના તપાસ રિપોર્ટ પર છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પડતર પ્રશ્નોની માંગ સાથે મજૂરોએ આક્રોશ રેલી યોજી











Users Today : 1724