ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી ડાંગ સ્વરાજ આશ્રમશાળામાં એક આદિવાસી સગીરા પર શાળાના ટ્રસ્ટી દ્વારા જ દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં આશ્રમશાળાના ટ્રસ્ટી અને રસોઈ બનાવનાર મહિલા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મામલો શું હતો?
આ ઘટનાની મળતી માહિતી મુજબ, ગયા અઠવાડિયે આશ્રમશાળાની અન્ય વિદ્યાર્થિનીઓ સફાઈના કામમાં રોકાયેલી હતી ત્યારે આશ્રમશાળામાં રસોઈ બનાવતા સોનલબેને 15 વર્ષની આદિવાસી સગીરાને કામના બહાને રસોડામાં બોલાવી હતી અને તેને નશીલું પીણું પીવડાવ્યું હતું, જેના કારણે સગીરા બેભાન જેવી અવસ્થામાં પહોંચી ગઈ હતી. એ પછી સગીરાની સ્થિતિનો લાભ લઈને આશ્રમશાળાના મહિલા પ્રમુખનો પતિ અને ટ્રસ્ટી પ્રફુલ નાયક સગીરાને પોતાના રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ સગીરાના પરિવારજનોને થતાં તેમણે આદિવાસી સમાજના આગેવાનો સાથે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ વંશીય ભેદભાવના આરોપ લગાવ્યા
પોલીસે આરોપી ટ્રસ્ટીની ધરપકડ કરી
ઘટનાની જાણ થતા આદિવાસી સમાજના જાગૃત નાગરિકો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતા પારખીને આહવા પોલીસે આરોપી પ્રફુલ નાયક અને તેને મદદ કરનાર મહિલા સોનલબેન વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપી પ્રફુલ નાયકની ધરપકડ કરી છે, જ્યારે સોનલબેનની ધરપકડ કરવાની કાર્યવાહી તેજ કરાઈ છે. હાલ પોલીસે સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવીને આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગેંગરેપ પીડિતા આદિવાસી યુવતી ન્યાયની રાહમાં મોતને ભેટી
પોલીસે એટ્રોસિટી એક્ટની કલમ પણ દાખલ કરી
સમગ્ર મામલે ડાંગના એસપી પૂજા યાદવે જણાવ્યું કે, ડાંગ સ્વરાજ આશ્રમમાં ભણતી એક 15 વર્ષની છોકરી સાથે બળાત્કાર થયાની ફરિયાદ તેની માતા દ્વારા આપવામાં આવી છે, એમાં ડાંગ સ્વરાજ આશ્રમના ટ્રસ્ટી દ્વારા જ બાળકી ઉપર રેપ કરવામાં આવ્યો છે. જેમાં BNSની કલમ 64, 65 અને 123 મુજબ અને એટ્રોસિટીની કલમ પણ એમાં એડ કરવામાં આવી છે.
આદિવાસી સગીરાઓની સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા
એસ.પી. પૂજા યાદવે વધુમાં જણાવ્યું કે, પોલીસે તાત્કાલિક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને બીજા આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલું છે. આ કેસની તપાસ હાલ DySP SC ST સેલ પાસે છે. આરોપીઓને કડકમાં કડક સજા મળે એવી કાર્યવાહી કરવામાં આવશે. આશ્રમશાળામાં બીજા કોઈ સાથે પણ આવો બનાવ બન્યો છે કે નહીં એની પણ તાપસ કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર આદિવાસી વિસ્તારોમાં ચાલતી આશ્રમશાળાઓમાં આદિવાસી સગીરાઓની સુરક્ષાને લઈને ચિંતા ઉભી કરી છે.
આ પણ વાંચો: સાંતલપુરમાં ચશ્મા પહેરવા ન આપતા દલિત યુવક પર હુમલો












