અમદાવાદ જગન્નાથ મંદિરની રૂ.60 કરોડની જમીન ટ્રસ્ટીઓએ વેચી મારી!

અમદાવાદના જગન્નાથ મંદિરની ₹60 કરોડની જમીન મંદિરના ટ્રસ્ટીઓએ બારોબાર વેચી મારી હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. જાણો કેવી રીતે રોકડી કરી લીધી હોવાની ચર્ચા છે.
Ahmedabad Jagannath Temple

અમદાવાદ: કાર્લ માર્ક્સે ધર્મની સરખામણી અફીણ સાથે કરી હતી. કથિત વિશ્વ ગુરૂ આપણા દેશમાં ધર્મનું આ અફીણ કથિત ધર્મગુરુઓ, બાવાઓ, કૌભાંડીઓને એવું તો માફક આવી ગયું છે કે, તેઓ ધર્મ અને ભગવાનના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખે છતાં ભક્તોને તેનાથી કોઈ ફરક નથી પડતો.

આવું જ એક કથિત મસમોટું કૌભાંડ અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં સામે આવ્યું છે. જ્યાં મંદિરના ટ્રસ્ટીઓએ કરોડોની કિંમતની જરૂર બારોબાર વેચી મારી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ગૌસેવાના હેતુ માટે ફાળવવામાં આવેલી જમીનનો મોટો હિસ્સો ખાનગી બિલ્ડરો કે વ્યક્તિઓને પધરાવી દેવામાં આવ્યો હોવાના આક્ષેપે ખળભળાટ મચાવ્યો છે. સામાજિક કાર્યકરોનો દાવો છે કે અંદાજે 60 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી આ જમીન ટ્રસ્ટીઓએ નિયમોને નેવે મૂકીને વેચી દીધી છે. આ ગંભીર નાણાકીય અનિયમિતતાઓને જોતા હવે મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવાની માંગણીએ જોર પકડ્યું છે.

1992માં વિવાદના મૂળ જોડાયેલા છે

આ સમગ્ર વિવાદની કડીઓ વર્ષ 1992 સાથે જોડાયેલી છે. તે સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના બહેરામપુરા વિસ્તારમાં ‘નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટ’ને પશુઓના ઘાસચારા અને ગૌસેવા માટે અંદાજે 1.50 લાખ ચોરસ વાર જમીન ફાળવવામાં આવી હતી. આ જમીન ફાળવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ધાર્મિક અને સામાજિક સેવા કરવાનો હતો. આજે આ વિશાળ જમીન ખંડની બજાર કિંમત આશરે 450 કરોડ રૂપિયાથી પણ વધુ અંકાય છે. જોકે, સેવાના હેતુ માટે મળેલી આ સંપત્તિનો ઉપયોગ વ્યાપારી હેતુ માટે કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સતત થતા રહ્યા છે.

આ પણ વાંચો: ‘આજે પણ રામજી મંદિર તરફ જવાનું થાય ત્યારે એ ઘટના યાદ આવે છે’

રૂ. 60 કરોડના કથિત કૌભાંડનું ગણિત

તાજા વિવાદ મુજબ, આ કુલ જમીનમાંથી આશરે 28,000 ચોરસ વાર જમીનનો ટુકડો વર્ષ 2018માં ટ્રસ્ટીઓ દ્વારા ખાનગી રાહે વેચી દેવામાં આવ્યો હતો. આક્ષેપકારોનું કહેવું છે કે આ જમીનનો વાસ્તવિક સોદો પડદા પાછળ અંદાજે 45 થી 60 કરોડ રૂપિયામાં થયો હોવાની પ્રબળ શક્યતા છે. જોકે, સરકારી રેકોર્ડ અને દસ્તાવેજો પર આ વ્યવહાર માત્ર 7 કરોડ રૂપિયાની નજીવી કિંમતે જ દર્શાવવામાં આવ્યો છે. આમ, બાકીના અંદાજે 38 થી 50 કરોડ રૂપિયા ક્યાં ગયા? તે એક મોટો પ્રશ્નાર્થ છે. સામાજિક કાર્યકરોનો ગંભીર આરોપ છે કે આ તફાવતની રકમ ટ્રસ્ટના ચોપડે જમા કરવાને બદલે બારોબાર સગેવગે કરી દેવામાં આવી છે.

મંદિર ટ્રસ્ટની કામગીરી સરકાર હસ્તક લેવા માંગ ઉઠી

આ મામલે અવાજ ઉઠાવતા સામાજિક કાર્યકરોનું માનવું છે કે, જ્યારે પણ કોઈ ધાર્મિક ટ્રસ્ટની મિલકતોમાં આ પ્રકારે ગોટાળા સામે આવે, ત્યારે ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે છે. તેમણે દલીલ કરી છે કે, જે રીતે ગુજરાતના અન્ય સુપ્રસિદ્ધ મંદિરો જેવા કે સોમનાથ, અંબાજી, અને દ્વારકાનો વહીવટ સરકારની દેખરેખ હેઠળ ચાલે છે, તેવી જ વ્યવસ્થા જગન્નાથ મંદિરમાં પણ હોવી જોઈએ. જો વહીવટ સરકાર હસ્તક જશે, તો જમીન જેવા કીમતી સંસાધનોનો દુરુપયોગ અટકશે અને પારદર્શિતા આવશે.

આ પણ વાંચો: પૂજારીનો મંદિરની જમીન અને મિલકત પર કોઈ અધિકાર નહીઃ હાઈકોર્ટ

મંદિરના મહંત, ટ્રસ્ટીઓએ શું કહ્યું?

વિવાદ વધતા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ આક્ષેપોને નકારી કાઢતા સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, આ વિવાદ નવો નથી અને હાલમાં આ સમગ્ર પ્રકરણ ગુજરાત હાઈકોર્ટના દ્વારે છે. અગાઉ ચેરિટી કમિશનરે આ કેસમાં જે આદેશ આપ્યો હતો, તેની સામે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે અને હાલમાં નામદાર કોર્ટે તે આદેશ પર સ્ટે (મનાઈહુકમ) આપેલો છે.

મંદિરના સત્તાધીશોએ ન્યાયતંત્ર પર ભરોસો વ્યક્ત કરતા ઉમેર્યું કે, “કેસ સબ-જ્યુડિશિયલ હોવાથી અમે વિગતવાર કંઈ કહી શકીએ નહીં, પરંતુ અંતિમ નિર્ણય કોર્ટનો રહેશે અને તે અમને સ્વીકાર્ય હશે.” આગામી દિવસોમાં હાઈકોર્ટની સુનાવણી આ વિવાદમાં વળાંક લાવી શકે છે. શું આ જમીન ફરી ગૌસેવા માટે પરત આવશે કે વહીવટી માળખામાં ફેરફાર થશે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.

આ પણ વાંચો: દલિત યુવતી ચૈત્રી નવરાત્રિએ મંદિરમાં દર્શન કરવા ગઈ, જાણો પછી શું થયું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x