દલિત મહિલાના મંદિર પ્રવેશના વિવાદમાં 2 માસની માસૂમની બલિ!

દલિત મહિલા મંદિરમાં પ્રવેશતા જાતિવાદી તત્વોએ હુમલો કર્યો. હુમલામાં મહિલાની નાનકડી બાળકીને ગંભીર ઈજા થતા મોત થઈ ગયું.
Dalit girl dies over temple entry issue in Telangana

દલિતો પર અત્યાચારની ઘટનાઓ હજુ પણ દેશમાં ઘટી નથી રહી. તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાંથી સામે આવેલી એક ઘટના આપણી સભ્યતા અને લોકશાહી પર કાળો ધબ્બો છે. એક તરફ આપણે ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયા છીએ, તો બીજી તરફ આજે પણ એક માસૂમ બાળકીએ માત્ર એટલા માટે જીવ ગુમાવવો પડ્યો કારણ કે તેનો પરિવાર ‘પછાત’ ગણાતી જ્ઞાતિનો હતો અને તેણે ઈશ્વરના દરબારમાં પગ મૂકવાની હિંમત કરી હતી.

જાતિવાદની પરાકાષ્ઠાસમી હૃદયદ્રાવક ઘટના

તેલંગાણાના કુમ્મેરા ગામમાં ‘કુમ્મેરા જાત્રા’ દરમિયાન આ અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું. પીડિત પરિવાર ‘ચકલી’ (ધોબી) સમુદાયનો છે. આરોપ મુજબ, જ્યારે તેઓ મંદિરમાં દર્શન કરવા ગયા, ત્યારે કથિત ઉચ્ચ જ્ઞાતિના પુરુષોએ તેમની પાસે 100 રૂપિયાની માંગણી કરી. જ્યારે પરિવારે આ ગેરકાયદે ઉઘરાણીનો વિરોધ કર્યો અને કહ્યું કે મંદિર તો બધા માટે મફત હોવું જોઈએ, ત્યારે સવર્ણોનો અહંકાર ભભૂકી ઉઠ્યો.

હિંસા એટલી હદે વણસી કે મહિલાઓને વાળ પકડીને રસ્તા પર ઢસડવામાં આવી અને લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો. એક લાચાર માતાએ પોતાના પતિને બચાવવા માટે પોતાની બે મહિનાની ફૂલ જેવી બાળકીને હુમલાખોરોના પગમાં મૂકી દીધી અને દયાની ભીખ માંગી. પરંતુ પથ્થર દિલના અત્યાચારીઓને દયા ન આવી. આ ખેંચતાણ અને હુમલા દરમિયાન માસૂમ બાળકીને ગંભીર ઈજાઓ થઈ. ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાધા બાદ, 21 ફેબ્રુઆરીએ તે નાનકડી દીકરીએ દમ તોડી દીધો.

આ પણ વાંચો: મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં બ્લાસ્ટ, 16 શ્રમિકોના મોત

આભડછેટનું ઝેર ઓછું નથી થઈ રહ્યું

આ ઘટના માત્ર એક ગુનો નથી, પરંતુ એ સડેલી માનસિકતાનું પ્રદર્શન છે જે માને છે કે અમુક મનુષ્યોનો સ્પર્શ કે હાજરી મંદિરને અપવિત્ર કરી શકે છે. શું ઈશ્વર એટલા નબળા છે કે કોઈના પ્રવેશ માત્રથી અપવિત્ર થઈ જાય? વાસ્તવમાં, અપવિત્ર એ મંદિર નથી, પણ એ લોકોની વિચારધારા છે જેઓ માણસ કરતા જ્ઞાતિને મોટી માને છે.

પરિવારનો એવો પણ આરોપ છે કે તેમને બંધુઆ મજૂરી કરવા માટે દબાણ કરવામાં આવતું હતું અને જ્યારે તેમણે ના પાડી ત્યારે તેમને નિશાન બનાવવામાં આવ્યા. આ દર્શાવે છે કે જાતિવાદ માત્ર ધાર્મિક જ નહીં પણ આર્થિક અને સામાજિક શોષણનું હથિયાર પણ છે.

મંદિરના દરવાજા નહીં, શિક્ષણના દ્વાર ખોલો

આ કરુણ ઘટના આપણને એક ગંભીર પાઠ ભણાવે છે. જે મંદિરોમાં નિર્દોષ બાળકીનું પણ લોહી વહેતું હોય અને જ્યાં માણસની કિંમત તેની જ્ઞાતિના આધારે થતી હોય, ત્યાં જવાનો શું અર્થ? ડૉ. બાબાસાહેબ આંબેડકરે વર્ષો પહેલા આ જ અંધકારમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું: “શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો.”

આ પણ વાંચો: બજરંગ દળે દલિત આધેડને બળજબરીથી ગોબર ખવડાવી ઢોર માર માર્યો!

આજે દલિત અને પછાત સમાજે ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે ક્યાં સુધી તેઓ એવા સ્થાનો પર જઈને અપમાનિત થશે જ્યાં તેમને ગણવામાં જ નથી આવતા? તેના બદલે, એ જ શક્તિ અને સંસાધનોનો ઉપયોગ બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે કરવો જોઈએ. શિક્ષણ એ જ એકમાત્ર શસ્ત્ર છે જે જાતિવાદની આ મજબૂત દીવાલોને તોડી શકે છે. જો આપણે વિજ્ઞાન, તર્ક અને કાયદાના રસ્તે ચાલતા શીખીશું, તો કોઈની હિંમત નહીં ચાલે કે તેઓ આપણી પર અત્યાચાર કરે.

પોલીસે એફઆઈઆર નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ શું તેનાથી એ માતાનો ખાલી થયેલો ખોળો પાછો ભરાશે? આ ઘટના એ યાદ અપાવે છે કે ભારતને હજુ સાચા અર્થમાં આઝાદ થવાનું બાકી છે.

આ પણ વાંચો: પ્લોટ વિવાદમાં દલિતો પર ખૂની હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x