ગુજરાતમાં દલિતો, આદિવાસીઓમાં પોલીસની છાપ જરાય સારી નથી. ખાખી વર્દીની આડમાં ગરીબો, શોષિતો પર પોલીસ અધિકારીઓ રોફ જમાવતા હોય, કસ્ટડીમાં માર મારતા હોય તેવા અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે કસ્ટોડિયલ ડેથ જેવા ભયાનક ગુનાઓમાં ગુજરાત કાયમ અગ્રેસર રહ્યું છે. પોલીસ કસ્ટડીમાં વગદાર આરોપીઓના દબાણ કામ કરતી ગુજરાત પોલીસ દલિતો, આદિવાસીઓ પર પોલીસ સ્ટેશનમાં જ અત્યાચાર ગુજારવા ઉતરી પડતી હોય તેવા અનેક કિસ્સા ભૂતકાળમાં બની ચૂક્યા છે અને હવે તાજો દાખલો બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાંથી સામે આવ્યો છે.
મામલો શું છે?
આ કેસની સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તા. 22 જુલાઈ 2025, મંગળવારના રોજ દિયોદર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ હસમુખ પંચાલ અને પ્રવીણ વઝીરે મળીને વાલ્મિકી સમાજની બે મહિલાઓ કાંતાબેન વાલ્મિકી અને જામુબેન વાલ્મિકીને નિર્દયતાથી માર માર્યો હતો. એટલું જ નહીં, દિયોદર પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલે આ મહિલાઓ અને તેમના પરિવારજનોને ધમકી આપી હતી કે, જો બહાર જઈને કોઈને આ બાબતે વાત કરી તો ખોટા કેસમાં આખી જિંદગી માટે જેલમાં ધકેલી દઈશ.

આ પણ વાંચો: ભાજપના દલિત નેતાના પુત્રને સવર્ણોએ મુર્ગા બનાવી પેશાબ પીવડાવ્યો
આ મામલે વાલ્મિકી સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. પરંતુ પીઆઈ પટેલે એફઆઈઆર નોંધવાનો ઈનકાર કરી દીધો હતો. હવે આ મામલે ગુજરાત વાલ્મિકી યુવા સંગઠન દ્વારા આંદોલન છેડવામાં આવ્યું છે.

જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવાયું
દિયોદરમાં વાલ્મિકી સમાજને પોલીસકર્મીઓએ ઢોર માર મારીને ગેરકાયદે રીતે 24 કલાકથી પણ વધુ સમય સુધી જેલમાં ગોંધી રાખ્યા હતા. આ મામલે હવે વાલ્મિકી યુવા સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી આજે તા. 25 જુલાઈ 2025ના રોજ સવારે 11 વાગ્યે એસપી કચેરી પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવી દોષિત બંને પોલીસકર્મીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
એકેય પક્ષનો નેતા વાલ્મિકી સમાજની વ્હારે ન આવ્યો
આ મામલે ગુજરાત વાલ્મિકી યુવા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ સરદાર પુરબીયા દ્વારા વાલ્મિકી સમાજના જાગૃત નાગરિકોને આ મામલે આગળ આવીને એકતા દર્શાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.
ચોંકાવનારી બાબત એ છે કે, આટલી ગંભીર ઘટના છતાં બંને દોષિત પોલીસકર્મીઓ વિરુદ્ધ કોઈ એફઆઈઆઈ નોંધવામાં આવી નથી. છાશવારે સામાજિક ન્યાયની વાતો કરતા એકેય રાજકીય પક્ષના નેતાઓ પણ આ બાબતમાં વાલ્મિકી સમાજની પડખે આવીને ઉભા નથી રહ્યાં
આ પણ વાંચો: મહેસાણામાં 14 લોકોએ હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો










