કચ્છના ભચાઉ તાલુકાના કકરવા ગામે જેમના લગ્ન આઠ દિવસમાં જ લેવાના હતા એવા પીઠી ચોળેલા બે યુવાનો એક જ બાઇક પર પોતાના કપડાં સિવડાવવા ગયા હતા અને વજેપરના માર્ગ અકસ્માતમાં મોત નિપજતાં પરિવાર અને ગામમાં માતમ છવાયો છે. જો કે આ માર્ગ અકસ્માત કઇ રીતે બન્યો એ હજી પણ જાણી શકાયુ નથી.
લગ્નના કપડાં સીવડાવવા જતા અકસ્માત થયો
આ કરૂણ ઘટનાની મળેલી વિગતો મુજબ, ભચાઉના કકરવા ગામે રહેતા સમીર અબ્દુલ ખલિફા અને રજાક લતિફ ખલીફા બંનેના આઠ દિવસમાં લગ્ન થયાના હતા અને બંને એક જ બાઇક પર સવાર થઇ પોતાના લગ્નના કપડાં સિવડાવવા ગયા હતા. પરંતુ રાપરથી કકરવા પરત ફરતી વખતે વજેપરની સીમમાં બંનેને માર્ગ અકસ્માત નડ્યો હતો.
આ પણ વાંચો: “તું યુરોપમાં જન્મ્યો હોત તો ઝળકત, ભારતમાં તારો શો ઉપયોગ થવાનો?”
જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા પીઠી ચોળેલા બંને યુવકોના કરૂણ મોત નીપજતા આખા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જે બંને યુવકોની અઠવાડિયા બાદ જાન નીકળવાની હતી તે બંનેના એકસાથે જનાજા નીકળતા પરિવાર સહિત આખું ગામ આઘાતમાં સરી પડ્યું હતું.
16-17 એપ્રિલે બંનેના નિકાહ હતા
મૃતક યુવાનોના પરિવારોમાં તા.17/4 ના નિકાહના પ્રસંગો હતા તે તા.16/4 ના રાત્રિ સુધી સાદગીથી કરી આ બંને યુવાનોનો મોતનો મલાજો જાળવ્યો હતો. જો કે આ માર્ગ અકસ્માત કઇ રીતે થયો, કોઇ વાહનની અડફેટે થયો કે પછી કોઈ જાનવર વચ્ચે આવી જતા થયો એ તપાસનો વિષય છે.
ગામમાં બે જનાજા એક સાથે નીકળ્યાં હોય તેવો પ્રથમ બનાવ
કકરવામાં રહેતા બન્ને યુવાનોના આઠ દસ દિવસ બાદ લગ્ન લેવાના હતા પરંતુ રાપરથી કકરવા પરત ફરતી વેળાએ બંનેના માર્ગ અકસ્માતમાં મોત નિપજતાં બંને યુવાનોના એકસાથે જનાજા નીકળ્યા ત્યારે ગામ હિબકે ચડ્યું હતું. એક સાથે બે જનાજા નિકળ્યા હોય તેવો ગામમાં આ પ્રથમ બનાવ હતો.
મૃતદેહ લઇ જવાની એક સંદૂક બીજા ગામમાંથી મગાવવી પડી
માર્ગ અકસ્માતના આ કરૂણ બનાવમાં એક સાથે બે યુવકોના મોત થતાં બન્નેના જનાજા એક સાથે નીકળ્યા હતા પણ જે સંદૂકમાં મૃતદેહ રાખી લઇ જવાનો હોય તે ગામમાં એક જ હતી. તેથી બીજા મૃતદેહ માટે બીજી સંદૂક પડોશી ગામ ખારોઇથી મગાવવી પડી હતી.
આ પણ વાંચો: ફી ન ભરી શકતા સ્કૂલે પરીક્ષા દેતા રોકી, દલિત દીકરીનો આપઘાત