ભારતમાં પોલીસ પર નાનું બાળક પણ શા માટે વિશ્વાસ નથી કરતું તેની સાબિતીરૂપ વધુ એક ઘટના સામે આવી છે. બે પોલીસકર્મીઓએ એક હત્યાના કેસમાં આરોપી ન પકડાતા 5 નિર્દોષ આદિવાસીઓને આરોપી બનાવી દીધા હતા અને તેમની સાથે 15 દિવસ સુધી તોડબાજી કરી હતી. નિર્દોષ આદિવાસીઓએ કહ્યું કે તેઓ નિર્દોષ છે અને તેમની પાસે તેમને આપવા માટે કશું નથી. ત્યારે બંને પોલીસકર્મીઓએ 4 આદિવાસીઓ પાસે રહેલી 1-1 વીઘા જમીન લઈ લીધી હતી. જ્યારે એક પાસે જમીન નહોતી તો તેને સાક્ષી બનાવી દીધો.
ઉદયપુરના નાઈ પોલીસ સ્ટેશનની ઘટના
મામલો ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનનો છે. અહીંના ઉદયપુરના નાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, SHO લીલા રામ અને હેડ કોન્સ્ટેબલ લલિત કુમારે હત્યાના કેસમાં પાંચ નિર્દોષ આદિવાસીઓની ધરપકડ કર્યા પછી 15 દિવસ સુધી તેમની સાથે સોદાબાજી કરી હતી. જ્યારે ગરીબ આદિવાસીઓ પાસેથી તેમને પૈસા ન મળ્યા, ત્યારે તેમણે ચાર આદિવાસીઓ પાસે રહેલી 4.39 વીઘા જમીન પડાવી લીધી. જ્યારે એક આદિવાસી પાસે પોતાની કોઈ જમીન નહોતી, તેને પોલીસે સાક્ષી બનાવી દીધો.
પોલીસ કોન્સ્ટેબલને લાઈન પર મૂકી દેવાયા
એડિશનલ SP ગોપાલ સ્વરૂપ મેવાડા અને ડીવાયએસપી સૂર્યવીર સિંહ રાઠોડે આ મામલે વિભાગીય તપાસ હાથ ધરી છે. આરોપી હેડ કોન્સ્ટેબલ જોશીએ પોતાના નિવેદનમાં કબૂલાત કરી હતી કે, SHO લીલા રામના કહેવાથી તેણે જમીનના બદલામાં દલાલો કૈલાશ અને કિશન પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા. તેણે પોતે 5 લાખ રૂપિયા અને SHO ને 5 લાખ રૂપિયા આપ્યા. તેણે એક મહિના સુધી કેસ છુપાવ્યો હતો. મીડિયાની તપાસમાં આખો મામલો સામે આવતા SHO અને કોન્સ્ટેબલને લાઇન પર મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો: પિતાવિહોણી દલિત દીકરીને માતાએ ખેતમજૂરી કરીને DSP બનાવી
મામલો શું હતો?
આ કેસની મળતી માહિતી મુજબ 14 માર્ચ 2025ના રોજ, બાબુલાલ નામની વ્યક્તિની હત્યાના કેસમાં 7 આરોપીઓ ઉપરાંત પોલીસે 5 નિર્દોષ આદિવાસીઓ નાનજી, નાનુ, ધર્મા, વેસા અને ખાતૂને પણ આરોપી બનાવ્યા હતા. પોલીસકર્મીઓએ આ પાંચેય નિર્દોષ આદિવાસીઓને મુક્ત કરવા માટે દરેક પાસે રૂ. 2 લાખ માંગ્યા હતા. પરંતુ ગરીબ આદિવાસીઓ પાસે પૈસા નહોતા. આથી પોલીસકર્મીઓએ તેમની 4.39 વીઘા જમીન લાંચમાં પડાવી લીધી હતી.
પોલીસ સ્ટેશન અધિકારી લીલા રામે બે સ્થાનિક દલાલો કૈલાશ અને કિશનને જમીનના સોદા માટે સોદાબાજી કરવા માટે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. 24 માર્ચ 2025 ના રોજ, પાંચેયને પોલીસ વાહનમાં બારાપાલની સબ-રજિસ્ટ્રેશન કચેરીએ લઈ જવામાં આવ્યા. ત્યારબાદ દલાલો કૈલાશ અને કિશને એક ડમી બાબુલાલના નામે આશરે 4.39 વીઘા જમીનની પાવર ઓફ એટર્ની નોંધાવી દીધી.
જમીન લખાવી લઈ બે દિવસ જેલમાં રાખ્યા, પછી રાત્રે જંગલમાં છોડી મૂક્યા
જમીનની પાવર ઓફ એટર્ની લખાવી લીધા પછી પણ પોલીસે પાંચેય નિર્દોષ આદિવાસીઓને બે દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખ્યા હતા. નોંધણી પછી, તેમને પાછા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને બંધ કરી દેવામાં આવ્યા હતા. 27 માર્ચ 2025ના રોજ પોલીસે પાંચેય આદિવાસીઓને પોલીસવાનમાં બેસાડીને નિર્જન જંગલમાં છોડી મૂક્યા હતા.
નિર્દોષ આદિવાસીઓએ પોલીસે તેમની જમીન લખાવી લીધી હતી અને બદલામાં એક રૂપિયો પણ આપ્યો નહોતો. કોર્ટે કહ્યું હતું કે, તપાસ અધિકારીએ આ પાંચમાંથી એકેય પરના આરોપીને સાબિત માન્યા નથી.
નિર્દોષ આદિવાસીઓએ શું કહ્યું
અલસીગઢના પીડિત આદિવાસીઓએ કહ્યું, “અમારી પાસે ફક્ત એક વિઘા જમીન હતી, અને તે પણ છીનવી લેવામાં આવી છે. અમે અમારા બાળકોનો ઉછેર કેવી રીતે કરીશું?”
આ પણ વાંચો: જાતિવાદી તત્વોએ આદિવાસી મૃતકની અંતિમક્રિયામાં રોડાં નાખ્યા
નાનજી નામનો આદિવાસી યુવક કહે છે, “અમારી પાસે ફક્ત એક વિઘા જમીન હતી અને પોલીસે તે છીનવી લીધી. અમને પોલીસ સ્ટેશનમાં કપડાં ઉતરાવ્યા. ફસાવવાની ધમકી આપી, અમારી પાસે પૈસા નહોતા, એટલે છોડવા માટે જમીન લઈ લીધી.”
નાનૂ નામના આદિવાસી કહે છે, “પોલીસ અમને રજિસ્ટ્રી ઓફિસ લઈ ગઈ અને 1 વીઘા જેટલી જમીન લખાવી લીધી. અમને 15 દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં પુરી રાખ્યા. અમારી જમીન પડાવી લઈને અમને છોડ્યા.”
વેસા નામનો આદિવાસી યુવક કહે છે, “અમારી પાસે પૈસા નહોતા, તો પોલીસવાળાએ કહ્યું કે તમારી જમીન આપી દો, પછી જ છોડીશ. અમારી બધી જમીન પડાવી લીધી. હવે મારા બાળકોનું પાલન પોષણ કેવી રીતે થશે?”
ખાતૂ નામનો આદિવાસી કહે છે, “મારી જમીન મારા છોકરાઓના નામે હતી, તેથી તેમણે મને સાક્ષી પર મારા અંગૂઠાનું નિશાન લગાવવા માટે કહ્યું. મને ખબર પણ નહોતી કે તેઓ મારા અંગૂઠાનું નિશાન શા માટે લઈ રહ્યા છે. પછી ખબર પડી કે તેમણે અમારી જમીન લઈ લીધી છે.”
પોલીસ અધિકારીઓએ શું કહ્યું?
સમગ્ર મામલે ઉદયપુરના આઈજી ગૌરવ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “આ કેસની પ્રાથમિક તપાસમાં એસએચઓ અને કોન્સ્ટેબલ બંને દોષિત જણાયા છે. તેમને ગઈકાલે રાત્રે લાઇન પર મૂકવામાં આવ્યા હતા. વધુમાં, એસએચઓ સામે કાર્યવાહી માટેનો પ્રસ્તાવ તૈયાર કરીને ડીજીપીને મોકલવામાં આવ્યો છે, કારણ કે એસએચઓ સામે કાર્યવાહી ડીજીપી સ્તરે કરવામાં આવે છે.”
આ પણ વાંચો: દલિતોને ઠાકોરજીના દર્શન કરવા હતા, સવર્ણોએ કહ્યું, ‘દલિતોને નો એન્ટ્રી’











Users Today : 1737