વલસાડ: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે સોમવારે મોડી રાત્રે રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. વર્ગ-2 ના અધિકારી દ્વારા ચૂંટણીના સમયે લેવાયેલા આ આક્રમક પગલાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે.
મળતી વિગતો મુજબ, સોમવારે (13મી એપ્રિલ) મોડી રાત્રે ઉમરગામ નજીકથી પસાર થતી ટ્રેન નીચે મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે ઝંપલાવ્યું હતું. આ અકસ્માતમાં અધિકારીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. જોકે, હજુ સુધી પોલીસને કોઈ સત્તાવાર ‘સુસાઈડ નોટ’ મળી હોવાની પુષ્ટિ થઈ નથી, પરંતુ તેમના નજીકના વર્તુળો અને કચેરીના સ્ટાફમાં ચાલી રહેલી ચર્ચાઓ આ આત્મહત્યા પાછળના ગંભીર સંકેતો આપી રહી છે.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરની પ્રતિમા અનાવરણ પહેલા ખંડિત, ભાજપ નેતાએ કહ્યું, ‘હાથ કાપી લાવો..’
અપક્ષનું ફોર્મ રદ કરવાનું દબાણ હોવાની ચર્ચા
આ આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ સરીગામ બેઠક પરથી ફોર્મ ભરનાર એક અપક્ષ ઉમેદવાર હોવાનું મનાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અપક્ષ ઉમેદવાર ચૂંટણીમાં સત્તાધારી કે પ્રભાવશાળી જૂથ માટે જોખમી સાબિત થઈ શકે તેમ હોવાથી, કોઈપણ સંજોગોમાં તેનું ઉમેદવારી ફોર્મ રદ કરવા માટે મામલતદાર પર ‘મોટા માથાઓ’ દ્વારા અસહ્ય દબાણ બનાવવામાં આવતું હતું. મામલતદાર બ્રાહ્મણકાચ્છે ફોર્મની ચકાસણી દરમિયાન જોયું હતું કે કાયદાકીય રીતે ફોર્મમાં કોઈ એવી ખામી નથી જેના આધારે તેને રદ કરી શકાય. કાયદો અને ફરજની વચ્ચે ફસાયેલા અધિકારી માટે આ સ્થિતિ ‘સુડી વચ્ચે સોપારી’ જેવી બની ગઈ હતી.
માનસિક ત્રાસ અને નોકરી ગુમાવવાની ધમકી
મામલતદાર કચેરીના વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી ડી.સી. બ્રાહ્મણકાચ્છ અત્યંત માનસિક તણાવમાં હતા. તેમને ફોન પર અને રૂબરૂમાં એવી ધમકીઓ આપવામાં આવી રહી હતી કે જો તેઓ અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ નહીં કરે, તો તેમને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે અથવા તો તેમને ફરજિયાત સ્વેચ્છિક નિવૃત્તિ (VRS) લેવા માટે મજબૂર કરવામાં આવશે.
આ પણ વાંચો: નેતા-અધિકારીઓ, બિઝનેસમેનની ત્રિપુટી જૂનાગઢને લૂંટે છે: જિગ્નેશ મેવાણી

ઉચ્ચ સ્તરીય તપાસની ઉગ્ર માગ ઉઠી
આ ઘટના બાદ વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના મહેસૂલી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે, ચૂંટણી જેવી લોકશાહી પ્રક્રિયામાં એક અધિકારી સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું? તપાસની માંગ ઉગ્ર બની છે કે મામલતદાર પર દબાણ લાવનારા તે ‘મોટા માથા’ કોણ છે? પોલીસ જો નિષ્પક્ષ તપાસ કરે અને મૃતક અધિકારીના છેલ્લા 48 કલાકના કોલ ડિટેલ્સ, વ્હોટ્સએપ કોલ રેકોર્ડ્સ અને ચેટની ઝીણવટભરી તપાસ કરે, તો અનેક ચોંકાવનારા નામો બહાર આવી શકે તેમ છે.
આ પણ વાંચો: ભેદભાવથી કંટાળી દલિત IAS એ 4 જ વર્ષમાં રાજીનામું આપી દીધું!











