ઉનાકાંડ દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં દલિત ક્રાંતિનો એક નવો જુવાળ ઉભો થયો હતો. ઉનાના મોટા સમઢિયાળા ગામમાં નિર્દોષ દલિત સમાજના લોકોને જાતિવાદી ગુંડાઓએ જાહેરમાં ઢોર માર મારી અપમાનિત કર્યા હતા. આ ઘટનાએ દલિતોની સંવેદનાને હચમચાવી નાખી હતી. એ પછી આંદોલન ફાટી નીકળ્યું હતું. જેમાં પોલીસે અનેક દલિતો પર કેસ કરીને તેમને જેલમાં પુરી દીધા હતા. આવા જ એક ભીમયોદ્ધા એટલે અમરેલીના કાંતિભાઈ વાળા. જેમણે 8-8 વર્ષ સુધી સમાજ માટે જેલવાસ ભોગવવો હતો. આ દરમિયાન તેમણે અને તેમના પરિવારે ઘણું સહન કરવું પડ્યું હતું. અનેક એવી ક્ષણો આવી હતી જ્યારે કાંતિભાઈ અને તેમના પરિવારની હિંમત ખૂટી ગઈ હતી,
ખોટા વિચારો આવતા હતા. તેમની દીકરીઓ પિતાને યાદ કરી કરીને રડતી રહેતી હતી. એવા સમયે દલિત-બહુજન સમાજ કાંતિભાઈના પરિવારની પડખે આવીને ઉભો રહ્યો હતો અને તન-મન-ધનથી તેમની મદદ કરી હતી. હવે જ્યારે કાંતિભાઈ જેલમાંથી બહાર આવ્યા છે ત્યારે તેમણે તેમના જેલવાસ દરમિયાન પરિવારને મદદ કરનાર લોકો અને સમસ્ય દલિત સમાજનો આભાર વ્યક્ત કરવા માટે એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું છે.
આ પણ વાંચો: “હવે મારાથી સહન નથી થતું”, ઉનાકાંડના આંદોલનકારી કાંતિભાઈ વાળાનો જેલમાંથી હૃદયદ્રાવક પત્ર
તા. 18 માર્ચ 2025 ને મંગળવારના રોજ હાથસણી રોડ, સાવરકુંડલા, જિ. અમરેલી ખાતે સાંજે 5.00 થી 10.00 વાગ્યાની વચ્ચે કાંતિભાઈ અને તેમનો પરિવાર જેલવાસના કપરા 8 વર્ષ દરમિયાન તેમના પરિવાર સાથે ઉભા રહેનાર ભીમયોદ્ધાઓ અને સમસ્ત દલિત સમાજનો જાહેર આભાર માનશે.
આ કાર્યક્રમને લઈને khabarantar.in સાથે વાત કરતા કાંતિભાઈ વાળા કહે છે, “હું પહેલા જ સ્પષ્ટતા કરી દેવા માંગું છું કે, આ કાર્યક્રમ કાંતિ વાળાના સન્માન માટે નહીં પરંતુ 8-8 વર્ષ સુધીના મારા જેલવાસ દરમિયાન મારા પરિવારને હિંમત આપનાર, આર્થિક તથા સામાજિક મદદ કરનાર તમામ નામી અને અનામી ભીમ યોદ્ધા આગેવાનોના સન્માન માટે છે. મને સતત એવું લાગ્યા કરતું હતું કે, જો મારો સમાજ મારી પડખે ન હોય તો આજે મારો પરિવાર ક્યારનો રસ્તા પર આવી ગયો હતો. દલિત-બહુજન સમાજના એવા અનેક લોકો છે, જેઓ મને ચહેરાથી કદી ઓળખતા નહોતા, છતાં khabarantar.com પર પ્રસિદ્ધ થયેલા મારા વ્યથા વર્ણવતા પત્ર બાદ છેક મારા ઘર સુધી આવ્યા હતા અને મારા પરિવારને આર્થિક મદદ કરી હતી. આવા ભીમયોદ્ધાઓનો જો હું આભાર ન માનું તો નગુણો કહેવાઉં. એટલે જામીન પર મુક્તિ મળ્યા બાદ હવે એવા તમામ નામી-અનામી ભીમયોદ્ધાઓનો આભાર માનવા માટે આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યાં છીએ.”
આ પણ વાંચો: Exclusive: ઉનાકાંડના સક્રિય આંદોલનકારી કાંતિભાઈ વાળા 7 વરસથી જેલમાં; પરિવાર આર્થિક સંકટમાં, દીકરીએ મદદ માંગી
ઉલ્લેખનીય છે કે, 18 જાન્યુઆરીએ સાવરકુંડલા ખાતે યોજાનાર આ સમાજ સન્માન કાર્યક્રમમાં બહુજન સમાજના દિગ્ગજ કલાકારો પોતાના વિચારો રજૂ કરવાના છે. આ કાર્યક્રમમાં બહુજન સાહિત્યકાર મનસુખભાઈ રાઠોડ, અંકિતભાઈ રાઠોડ, જયેશભાઈ પરમાર, મણિલાલ કંટારીયા, ડો.ભાવિન પરમાર અને દિનેશભાઈ ગોહિલ બહુજન સમાજ અને સાહિત્યનું રસપાન કરાવશે. આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને માત્ર અમરેલી જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિતથી મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો આ કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહેવાના છે.
કાર્યક્રમનું યુટ્યુબ પર ઓનલાઈન જીવંત પ્રસારણ પણ કરવામાં આવનાર હોવાથી જે લોકો કાર્યક્રમમાં હાજર રહીને તેનો લ્હાવો લઈ શકે તેમ નથી, તેઓ વર્ચ્યુઅલી તેનો લાભ લઈ શકશે. આ કાર્યક્રમને લઈને વધુ કોઈપણ જાણકારી માટે આપ આયોજકોનો કાંતિભાઈ વાળા 9428843072 અને શ્રવણ (સંજયભાઈ એલ બગડા) મોટા લાલિયા 9904363608 નો સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: દલિતો ડિરેક્ટર ન બની જાય તે માટે કોલ લેટર જ ન મોકલ્યા