ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) નો ઉન્નાવ (Unnao) જિલ્લો દેશના દલિતો માટે બળાત્કાર સહિતની કેટલીક ગંભીર ઘટનાઓને કારણે માનસપટ પર આજેય તરવરતો રહે છે. અહીં એક એવી ઘટના સામે આવી છે જેણે અનેક લોકોની આંખોમાં આંસુ લાવી દીધાં છે. અહીં એક દલિત શખ્સની પત્ની છેલ્લાં 25 દિવસથી ગુમ થઈ ગઈ હતી. શખ્સ તેને શોધવા માટે દરેક જગ્યાએ ફરી વળ્યો હતો. તેણે શક્ય તમામ પ્રયત્નો કર્યા પરંતુ પત્નીને શોધી શક્યો નહીં. થાકી હારીને તે ઘરે પરત ફર્યો. એ પછી આંખે ધૂંધળું દેખાતું હોવાથી તે સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવવા માટે પહોંચ્યો હતો. અહીં તેનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. એ પછી તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરાયો હતો. અહીં તેની આંખે પટ્ટી મારેલી હતી. એ દરમિયાન તેણે બાજુના બેડ પરથી એક જાણીતો અવાજ સાંભળ્યો. એ પછી જ્યારે તેણે બેડ પાસે જઈને પુરી તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે તે મહિલા બીજું કોઈ નહીં પરંતુ છેલ્લાં 25 દિવસથી ગુમ થયેલી તેની પત્ની હતી. જો કે માથામાં ઈજા થવાથી તેણે યાદશક્તિ ગુમાવી દીધી હોવાથી તે પતિને ઓળખી શકી નહોતી. જો કે, પતિ તેને જોતા જ ઓળખી ગયો હોવાથી તરત તેની આંખમાં આંસુ આવી ગયા હતા. આ રીતે એકદમ ફિલ્મી રીતે બંનેનું પુનઃમિલન થયું હતું.
આ પણ વાંચોઃ દલિતોએ સવારે ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપી, મનુવાદીઓએ રાત્રે તોડી નાખી
શું છે આખો મામલો?
મામલો ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાનો છે. કેવટા તળાવ વાસના રહેવાસી ૫૦ વર્ષીય રાકેશ કુમાર (Rakesh kumar) ની પત્ની શાંતિ દેવી (Wife Shanti Devi) ૧૩ જાન્યુઆરીના રોજ અચાનક પોતાના ઘરેથી ગાયબ (Missing From Home) થઈ ગઈ હતી. રાકેશે ઉન્નાવથી કાનપુર, પછી લખનૌથી કન્નૌજ સુધી બધે જ પત્નીને શોધી જોઈ, પણ શાંતિ દેવી મળ્યાં નહિ. એ પછી, રાકેશે 16 જાન્યુઆરીએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
પત્ની હોસ્પિટલમાં અચાનક મળી આવી
મળતી માહિતી મુજબ, રાકેશ વેલ્ડિંગ કામ કરે છે. તેમની આંખોમાં સમસ્યા હોવાથી તેઓ 6 ફેબ્રુઆરીએ ડૉક્ટર પાસે ગયા હતા. મોતિયાના કારણે ડોક્ટરોએ તેમને ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. ૭ ફેબ્રુઆરીના રોજ મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું અને એ પછી રાકેશને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાકેશની આંખ પર પટ્ટી બાંધેલી હતી, એ દરમિયાન તેણે એક ચિરપરિચિત અવાજ સાંભળ્યો. જ્યારે તેની આંખ પરની પટ્ટી ખોલી નાખવામાં આવી એ દરમિયાન તેની બાજુના બેડ પર બેઠેલી મહિલાએ પાણી માંગ્યું. રાકેશને આ સ્ત્રીનો અવાજ પરિચિત લાગ્યો. જ્યારે તેણે પાણીનો ગ્લાસ ભરીને પેલી મહિલા તરફ લંબાવ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે, તે મહિલા બીજી કોઈ નહીં પરંતુ તેની પત્ની શાંતિ દેવી હતી. પત્નીની હાલત જોઈને રાકેશની આંખોમાં આંસુ આવી ગયા. પણ શાંતિ દેવી રાકેશને ઓળખી શક્યા નહોતા, કારણ કે માથામાં ઈજા થવાને કારણે તેમણે યાદશક્તિ ગુમાવી દીધી હતી.
જિલ્લા હોસ્પિટલના ડોક્ટર કૌશલેન્દ્ર પ્રતાપે જણાવ્યું કે શાંતિદેવીના માથામાં ગંભીર ઈજા થઈ છે. જ્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તે કંઈપણ કહેવાની સ્થિતિમાં ન હતી. પતિેએ તેમની સંભાળ રાખવાનું શરૂ કર્યું એ પછી પત્ની શાંતિ દેવીએ ધીમે ધીમે તેમને ઓળખવાનું શરૂ કર્યું છે.
આ પણ વાંચોઃ OBC યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર Dalit યુવકના પરિવાર પર હુમલો