જાતિવાદ અને દલિત અત્યાચાર માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં દલિત અત્યાચારની વધુ એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક પોલીસકર્મીએ 15 વર્ષની એક દલિત છોકરીનું બંદૂકના નાળચે અપહરણ કરી, તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એ પછી આરોપી પોલીસકર્મી તેને કારમાં બેસાડી તેના ઘર નજીક ધક્કો મારીને ઉતારીને જતો રહ્યો હતો. જો કે, છોકરીના પરિવારે તેનો પીછો કર્યો હતો અને ઝડપી પાડ્યો હતો.
ઘટના ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદની છે. અહીં એક 15 વર્ષની દલિત છોકરી પર બળાત્કારનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપ છે કે યુપી પોલીસના એક કોન્સ્ટેબલે છોકરીનું અપહરણ કર્યું હતું અને તેના પર બળાત્કાર કર્યો હતો. એ દરમિયાન, કોન્સ્ટેબલના એક સાથીએ છોકરી પર બંદૂક તાકી રાખી હતી. પીડિતાના પરિવારે થોડા કલાકો પછી આરોપીને પકડી લીધો અને તેને પોલીસને સોંપી દીધો હતો.
આ પણ વાંચો: સરકાર બુલડોઝર ચલાવી જજ, જ્યુરી કે જલ્લાદ ન બની શકે: CJI
11મા ધોરણમાં અભ્યાસ કરતી પીડિતાનું 2 જુલાઈના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી કોન્સ્ટેબલ 35 વર્ષનો છે. છોકરીના પિતાએ જણાવ્યું છે કે તે કારમાં આવ્યો હતો. તેણે પીડિતાને ખેંચીને પોતાની કારમાં બળજબરીથી બેસાડી દીધી હતી. પછી તે તેને અજાણી જગ્યાએ લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો.
છોકરીને કારમાંથી ધક્કો મારીને ઉતારી દીધી
જ્યારે પીડિતા બપોર સુધી ઘરે ન આવી, ત્યારે તેના પરિવારે તેને શોધવાનું શરૂ કર્યું હતું. લગભગ પાંચ કલાક પછી, આરોપી પીડિતાના ઘરની સામે આવ્યો અને છોકરીને તેની કારમાંથી ધક્કો મારીને ઉતારી દીધી. જ્યારે પડોશીઓએ આ જોયું, ત્યારે તેમણે રાડો પાડવાનું શરૂ કરી દીધું. એ જોઈને, આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. છોકરીના પરિવારના લોકોએ મોટરસાયકલ પર લગભગ 200 મીટર સુધી આરોપીની કારનો પીછો કર્યો. એ દરમિયાન, સ્થાનિક લોકોએ રસ્તો બ્લોક કરી દીધો. એ પછી આરોપીને પકડી લેવામાં આવ્યો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, છોકરીના પિતાએ કહ્યું છે કે, ‘ડ્રાઈવર ભાગી ગયો. પરંતુ અમે આરોપીને પકડી લીધો છે. સાંજે તેને પોલીસને સોંપવામાં આવ્યો છે.’
આરોપી પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
આ કેસમાં, બળાત્કાર, અપહરણ અને POCSO તેમજ SC/ST ACTની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. ADD.SP સંજય કુમારના જણાવ્યા પ્રમાણે, આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે અને ગઈકાલે 3 જુલાઈએ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. છોકરીને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે. ત્યારબાદ પોલીસ તેનું નિવેદન નોંધશે. ડીએસપી કક્ષાના અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: કોર્ટમાં જુબાની આપનાર દલિત યુવકને બ્રાહ્મણોએ ઘરમાં ઘૂસી માર્યો