આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યારે આપણે સામાજિક સમાનતા અને બંધારણીય હક્કોની વાતો કરીએ છીએ, ત્યારે ઓડિશાના કેન્દ્રાપડા જિલ્લાના નૂઆગાંવ ગામથી જાતિવાદની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્થિત એક આંગણવાડી કેન્દ્રમાં માત્ર જાતિગત ભેદભાવના કારણે નિર્દોષ બાળકોના પોષણ અને શિક્ષણ પર જોખમ ઊભું થયું છે. છેલ્લા ત્રણ મહિનાથી આ આંગણવાડી કેન્દ્રમાં બાળકોની હાજરી નહિવત જોવા મળી રહી છે, જેનું કારણ કોઈ ભૌતિક સુવિધાનો અભાવ નથી, પરંતુ એક રસોઈયાની જ્ઞાતિ છે. આંગણવાડીમાં રસોઈયા તરીકે એક દલિત મહિલાની નિમણૂક કરવામાં આવતા જ ગ્રામજનો અને વાલીઓએ આંગણવાડીનો સંપૂર્ણ બહિષ્કાર કરી દીધો છે.
શિક્ષિત યુવતીની નિષ્ઠા પર જ્ઞાતિવાદનું ગ્રહણ
21 વર્ષીય શર્મિષ્ઠા સેઠીએ ભારે ઉત્સાહ સાથે 20 નવેમ્બર 2025ના રોજ આંગણવાડીમાં રસોઈયા તરીકે કામ શરૂ કર્યું હતું. શર્મિષ્ઠા ગ્રેજ્યુએટ છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આ પદ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી, ત્યારે આખા ગામમાંથી શર્મિષ્ઠા એકમાત્ર એવી ઉમેદવાર હતી જેણે હિંમત બતાવીને અરજી કરી હતી. માત્ર 5000 રૂપિયા માસિક માનદ વેતન હોવા છતાં, તે પગભર થવા અને બાળકોની સેવા કરવા માટે આ નોકરી પ્રત્યે ખૂબ જ ઉત્સાહિત હતી. જોકે, તેની શૈક્ષણિક લાયકાત કે તેની નિષ્ઠાને જોવાને બદલે, ગ્રામજનોએ તેની જ્ઞાતિને પ્રાધાન્ય આપ્યું. વિવાદ એટલો વણસ્યો છે કે હવે આ યુવતી ખૂબ જ દબાણ હેઠળ છે અને તેણે આ મુદ્દે કંઈ પણ બોલવાનું ટાળ્યું છે.

આ પણ વાંચો: સ્કૂલમાં પાણીની પાઈપને અડતા દલિત વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો
બાળકોના પોષણ અને પર માઠી અસર પડી
આંગણવાડી કાર્યકર લિજારાણી પાંડવે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ આંગણવાડીમાં કુલ 42 બાળકો નોંધાયેલા છે. જેમાં 6 મહિનાથી ૩ વર્ષની વયના 22 બાળકો અને 3 થી 6 વર્ષની વયના 20 બાળકોનો સમાવેશ થાય છે. સરકારની યોજના મુજબ, આ બાળકોને રોજિંદા ધોરણે પૌષ્ટિક આહાર તરીકે સત્તુ, ઈંડા અને ગરમ ભોજન આપવામાં આવે છે. સાથે જ સ્તનપાન કરાવતી માતાઓને પણ પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે.

પરંતુ 20 નવેમ્બર પછી સ્થિતિ આખી બદલાઈ ગઈ છે. દલિત સમાજમાંથી શર્મીષ્ઠાના હાથનું રાંધેલું ભોજન ખાવાથી તેમના બાળકો અભડાઈ જશે તેવી સંકુચિત માનસિકતા ધરાવતા સવર્ણ હિંદુ વાલીઓએ તેમના બાળકોને આંગણવાડીએ મોકલવાનું જ બંધ કરી દીધું છે. સામાન્ય રીતે જે મોટા બાળકો કેન્દ્ર પર આવીને જમતા હતા, તેઓ હવે દેખાતા પણ નથી. એટલું જ નહીં, નાના બાળકોના વાલીઓ જે ઘરે રાશન લઈ જતા હતા, તેમણે પણ રાશન લેવાનું બંધ કર્યું છે. અત્યારે હાલત એ છે કે 22 માંથી માત્ર 2 વાલીઓ જ રાશન લેવા આવે છે. સામાજિક દબાણને કારણે એક સ્તનપાન કરાવતી માતાએ પણ પોતાનો પોષણ આહાર લેવાનો ઈનકાર કરી દીધો છે.
આ પણ વાંચો: યુપીનો ‘ઉમાશંકર પાંડે’ કેવી રીતે ‘સ્વામી અવિમુક્તેશ્વરાનંદ’ બન્યો?
તંત્રની સમજાવટ છતાં ગ્રામજનો માન્યા નહીં
આ મામલો જ્યારે વણસ્યો ત્યારે લિજારાણી પાંડવ અને શર્મિષ્ઠાએ વ્યક્તિગત રીતે વાલીઓના ઘરે જઈને તેમને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા હતા. તેમણે વિનંતી કરી હતી કે આમાં જ્ઞાતિવાદ ન લાવવો જોઈએ, કારણ કે તેનાથી બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર અસર પડે છે. છતાં પણ ગ્રામજનો ટસના મસ થયા નહોતા. અંતે આ બાબતની લેખિત જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી.
આ ફરિયાદ બાદ કેન્દ્રાપડાના બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસર (CDPO) દીપાલી મિશ્રા અને અન્ય વહીવટી અધિકારીઓએ ગામની મુલાકાત લીધી હતી.
ગ્રામજનો સાથે અનેક બેઠકો યોજવામાં આવી હતી. દીપાલી મિશ્રાએ જણાવ્યું હતું કે, “અમે વાલીઓને સમજાવ્યા છે કે સરકારી નિમણૂક યોગ્ય પ્રક્રિયા દ્વારા થઈ છે અને તેમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ. કેટલાક વાલીઓ બાળકોને ફરીથી મોકલવા સંમત થયા છે, જ્યારે કેટલાકે વિચારવા માટે ત્રણ દિવસની મુદત માંગી છે.”
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં બે સગીરોએ મળી સગીર મિત્રની હત્યા કરી
કલેક્ટરની દરમિયાનગીરી છતાં સવર્ણો સુધરવા તૈયાર નથી!
કેન્દ્રાપડાના કલેક્ટર રાઘવમ અય્યરે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તેમણે નાયબ કલેક્ટરને રૂબરૂ સ્થળ તપાસ કરવા અને પરિસ્થિતિનો ચિતાર મેળવવા આદેશ આપ્યો હતો. કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે વહીવટી અહેવાલના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે. નિષ્ણાતો આ ઘટનાને બંધારણની કલમ 17(અસ્પૃશ્યતા નિવારણ) ના ઉલ્લંઘન તરીકે જોઈ રહ્યા છે. આંગણવાડી જેવી સંસ્થાઓનો પાયો જ સામાજિક સમરસતા પર રહેલો છે, જ્યાં દરેક વર્ગના બાળકો એકસાથે બેસીને ભોજન કરે છે. જો ત્યાં જ આવી દીવાલો ઊભી કરવામાં આવશે, તો દેશના ભવિષ્ય સમાન બાળકોના મનમાં કેવા સંસ્કારોનું સિંચન થશે તે એક મોટો પ્રશ્ન છે.
शर्मनाक और चिंताजनक..!
ओडिशा के केंद्रपाड़ा जिले में एक दलित युवती को आंगनवाड़ी सेंटर में कुक नियुक्त किए जाने पर कुछ लोगों ने अपने बच्चों को वहां भेजना बंद कर दिया परिणाम यह हुआ कि सेंटर लगभग तीन महीने तक बंद रहा !
क्या आज भी किसी इंसान की पहचान उसकी मेहनत, योग्यता और चरित्र… pic.twitter.com/c7aTG0I9BN
— (समण) Rajendra Pal Gautam (@AdvRajendraPal) February 11, 2026
હાલમાં પ્રશાસન અને ગ્રામજનો વચ્ચે મડાગાંઠ જારી છે. આ ઘટના માત્ર ઓડિશા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભારતના મોટાભાગના ગામડાઓમાં આ જ સ્થિતિ છે. શું એક શિક્ષિત દલિત યુવતીને માત્ર તેની જ્ઞાતિને કારણે કામથી વંચિત રાખવી યોગ્ય છે? આ સવાલ આજે સમગ્ર વહીવટી તંત્ર અને સુસંસ્કૃત સમાજની સામે ઊભો છે.
આ પણ વાંચો: ‘પાઈથનનું કામ માત્ર બ્રાહ્મણ-ક્ષત્રિય કરે, તું Java કે સફાઈકામ કર!’










