વડોદરામાં કોંગ્રેસના એક નેતાના પુત્રે એક દલિત યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ યુવતી ગર્ભવતી થતા તેની મરજી વિરુદ્ધ દવાખાને લઈ જઈ મામાને ગન સાથે હોસ્પિટલે બોલાવી ધમકી આપી પરાણે ગર્ભપાત કરાવ્યો હતો. આ મામલે યુવતીએ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જો કે, ઘટનાના એક અઠવાડિયા પછી પણ પોલીસ કોંગ્રેસ નેતાના આરોપી પુત્રને પકડી શકી નથી.
યુવતી ગર્ભવતી થતા બળજબરીથી ગર્ભપાત કરાવ્યો
વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ સામે 21 વર્ષીય દલિત યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ છે, જોકે દુષ્કર્મની ફરિયાદના 7 દિવસે પણ આરોપી પકડાયો નથી. દુષ્કર્મ પીડિતાએ વેદના સાથે જણાવ્યું હતું કે, “અનિરુદ્ધે મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેથી હું પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. મેં એબોર્શન કરાવવાની ના પાડી તો મને મારતો મારતો લઈ ગયો અને તેના મામાને ગન લઈને બોલાવ્યા હતા અને મારી મરજી વિરુદ્ધ એબોર્શન કરાવી દીધું હતું. પોલીસે હજુ અનિરુદ્ધ ગોહિલને પકડ્યો નથી.”
આ પણ વાંચો: દેશના પ્રથમ દલિત ક્રિકેટર P. Baloo ની બાયોપિક બનશે, અજય દેવગણ નિભાવશે મુખ્ય ભૂમિકા?
વડોદરા કોંગ્રેસના નેતાના પુત્રની કાળી કરતૂત
વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે યુવતીના ઘરે અને હોટલમાં લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ હતી અને ત્યાર બાદ આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે બળજબરીથી ગર્ભપાત કરાવી દીધો હતો. આ વાતની જાણ યુવતીના પરિવારને થતા યુવતીએ અનિરુદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. ત્યાર બાદ પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. બીજી તરફ નંદેસરી પોલીસે ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
બેથી ત્રણ વખત મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા
દુષ્કર્મ પીડિતાએ જણાવ્યું હતું કે અનિરુદ્ધના મામાના છોકરા જયદીપે મારો મોબાઇલ નંબર અનિરુદ્ધને આપ્યો હતો, જેથી હું અને અનિરુદ્ધ છેલ્લાં બે વર્ષથી સંપર્કમાં આવ્યાં હતાં. અનિરુદ્ધે મને અનગઢ ખાતે આવેલા મસાણી માતાના મંદિર પાસે બોલાવી હતી અને મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને મારી સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. મેં તેને એમ પણ કહ્યું હતું કે હું પોલીસ ફરિયાદ કરી દઈશ, જેથી તેણે મને લગ્ન કરવા માટેનો વાયદો કર્યો હતો અને બેથી ત્રણ વખત મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ હું પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી, જેથી હું હોસ્પિટલમાં ગઈ હતી અને રિપોર્ટ કરાવીને અનિરુદ્ધને બતાવ્યા હતા.
આરોપીનો પરિવાર, મિત્રો, નર્સ સહિત 8 લોકોની સંડોવણી
પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, “ત્યાર બાદ અનિરુદ્ધે મારી સોનોગ્રાફી કરાવી હતી અને મને કહ્યું હતું કે બાળકના મગજમાં પ્રોબ્લેમ છે, એબોર્શન કરાવવું પડશે, જેથી મેં એબોર્શન કરાવવા માટે ના પાડી દીધી હતી. તો તે મને મારતો મારતો લઈ ગયો હતો. ત્યાર બાદ તેણે તેના મિત્રોને કાર લઈને બોલાવ્યા હતા. તેના મામાને પણ ગન લઈને બોલાવ્યા હતા. તેમણે મને મારવાની દવા આપી હતી. ત્યાર બાદ તેઓ મને ગર્ભપાત માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. અનિરુદ્ધનાં મા-બાપ, મામા-મામી અને તેના મિત્રો સહિત 7થી 8 લોકો અને નર્સની પણ સંડોવણી છે. એને કારણે હું ડિપ્રેશનમાં જતી રહી હતી અને 13 તારીખે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ત્યાર બાદ મેં આ મામલે 14 મેના રોજ નંદસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં હજી સુધી આરોપી પકડાયો નથી. આરોપીને જામીન ના મળવા જોઈએ.”
આ પણ વાંચો: શાળાને બદલે મંદિરમાં પ્રવેશવા માટે દલિત પરિવારોનું આંદોલન
અનિરુદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ
26 વર્ષીય આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ યુવતીએ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ અને એટ્રોસિટીના આ કેસની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ACP સી.બી. સોલંકીને સોંપવામાં આવી છે. ACPએ કેસની તપાસ શરૂ કરી છે અને 2 ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. ઘટનાની 7 દિવસ થઈ ગયા હોવા છતાં પોલીસ આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલને પકડી શકી નથી.
આરોપીનો પિતા નંદેસરી બેઠક પરથી ચૂંટણી લડ્યો હતો
ઉલ્લેખનીય છે કે, આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલના પિતા રાજેન્દ્રસિંહ ગોહિલ તાલુકા પંચાયતની નંદેસરી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. અગાઉ તેઓ ભાજપમાં હતા અને ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. આરોપી અનિરુદ્ધસિંહના દાદા મંગળસિંહ ગોહિલ વડોદરા ગ્રામ્ય બેઠક પર ધારાસભ્ય હતા. તેઓ 1990માં જનતા દળમાંથી ચૂંટણી લડીને જીત્યા હતા. આ આરોપીનો પરિવાર પહેલેથી જ રાજકીય રીતે પહોંચેલો છે. એ સ્થિતિમાં દલિત દીકરીએ ન્યાય મેળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડે તેવી સ્થિતિ છે.
આ પણ વાંચો: રાજકોટમાં પોલીસની હેરાનગતિથી કંટાળી દલિત રિક્ષાચાલકે ઝેર પીધું