ઠાકોર સમાજના DJ પ્રતિબંધ સામે વિક્રમ ઠાકોરે કહ્યું, ‘મને ફોન કરજો’

ઠાકોર સમાજ દ્વારા લગ્નમાં DJ વગાડવા પર મુકાયેલા પ્રતિબંધનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ખુલ્લો વિરોધ કરી કલાકારોની રોજીરોટી મુદ્દે બાંયો ચઢાવી છે.
Vikram Thakor

બનાસકાંઠા: તાજેતરમાં બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા સામાજિક સુધારાના નામે એક નવું બંધારણ અમલી બનાવવામાં આવ્યું હતું. આ બંધારણમાં વ્યસનમુક્તિ અને ખોટા ખર્ચાઓ પર લગામ લગાવવાના ઉમદા હેતુઓ સાથે લગ્ન પ્રસંગોમાં DJ વગાડવા પર પણ કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જોકે, આ નિર્ણય હવે વિવાદનું કેન્દ્ર બન્યો છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે આ મામલે સમાજના આગેવાનો સામે સીધો મોરચો માંડ્યો છે અને DJ સંચાલકો તેમજ કલાકારોના સમર્થનમાં ઉતરી આવ્યા છે.

શું છે સમગ્ર વિવાદ?

બનાસકાંઠામાં યોજાયેલા ઠાકોર સમાજના મહાસંમેલનમાં દીકરીઓના શિક્ષણ અને કુરિવાજો નાબૂદ કરવા માટે નિયમો બનાવાયા હતા. જેમાં લગ્ન કે વરઘોડામાં મોટા DJ લઈ જવા પર પ્રતિબંધ હતો. આ નિયમનો ભંગ કરીને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે વરઘોડામાં DJ વગાડ્યું હતું, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પરિણામે, શિસ્તભંગના પગલે સમાજના આગેવાનોએ આ બંને કલાકારોને એક વર્ષ માટે નાત બહાર કરવાનો આકરો નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો: DJ પર પ્રતિબંધ મૂકાતા સંચાલકોએ કહ્યું, ‘તો પછી અમારે દારૂ ગાળવો પડશે!’

વિક્રમ ઠાકોરનું આક્રમક વલણ

પોતાના સાથી કલાકારો પર થયેલી કાર્યવાહી અને DJ પરના પ્રતિબંધથી નારાજ વિક્રમ ઠાકોરે એક જાહેર કાર્યક્રમમાં આકરા તેવર બતાવ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “સમાજમાં સુધારો લાવવા માટે બંધારણ ઘડાય તે સારી બાબત છે, પરંતુ તેનાથી કોઈની રોજીરોટી છીનવાવી જોઈએ નહીં. DJ બંધ થવાને કારણે અનેક નાના કલાકારો અને મધ્યમ વર્ગીય પરિવારો બેરોજગાર થઈ ગયા છે.”
વિક્રમ ઠાકોરે વધુમાં ઉમેર્યું હતું કે, “આગેવાનો એવું માને છે કે DJ વાગે એટલે દારૂ પીવાય અને ઝઘડા થાય, પણ આ તર્ક ખોટો છે. જેને દારૂ પીવો હશે એ ઢોલના તાલે પણ પીવાનો જ છે અને ઝઘડા કરનાર ગમે ત્યાં કરશે. માત્ર DJ ને દોષ દઈને ગરીબ કલાકારોના પેટ પર લાત મારવી તે યોગ્ય નથી.”

‘કોઈ રોકવા આવે તો મને ફોન કરજો’

વિક્રમ ઠાકોરે માત્ર વિરોધ જ નથી કર્યો, પણ પડકાર ફેંકતા કહ્યું છે કે, “અમારી બાજુ તો DJ બંધ નહીં જ થાય. જો કોઈ DJ વગાડતા અટકાવવા માટે આવે તો મને સીધો ફોન કરજો.” તેમણે કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરનો ઉલ્લેખ કરતા પણ જણાવ્યું હતું કે તેમણે પણ આ બાબતે ફેરવિચારણા કરવી જોઈએ.

આ પણ વાંચો: અમરેલીમાં BLO નું નામ પરિવાર સાથે કમી કરવા અરજી થઈ ગઈ!

કલાકારોની રોજગારીનો પ્રશ્ન

ગુજરાતી મનોરંજન જગતમાં DJ સંસ્કૃતિ સાથે હજારો લોકો જોડાયેલા છે. સાઉન્ડ સિસ્ટમ વાળા, લાઈટિંગ કરનારા અને લોકગાયકો માટે લગ્નની સીઝન જ કમાણીનો મુખ્ય સ્ત્રોત હોય છે. વિક્રમ ઠાકોરના મતે, આવા પ્રતિબંધોથી સામાજિક સુધારો ઓછો અને આર્થિક પાયમાલી વધુ આવશે.

હાલમાં વિક્રમ ઠાકોરના આ નિવેદન બાદ ઠાકોર સમાજમાં બે ફાંટા પડ્યા હોય તેવું જણાય છે. એક તરફ પરંપરા અને શિસ્તના આગ્રહી આગેવાનો છે, તો બીજી તરફ આધુનિકતા અને રોજગારીની ચિંતા કરતા યુવાનો અને કલાકારો છે. હવે જોવાનું એ રહેશે કે સમાજના આગેવાનો વિક્રમ ઠાકોરના આ પડકાર સામે શું પ્રતિભાવ આપે છે.

આ પણ વાંચો: ઠાકોર સમાજના બંધારણનો ભંગ! કલાકારે DJ વગાડી વરઘોડો કાઢ્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x