સાબરકાંઠાના ચડાસણામાં મધરાતે દલિત યુવકને નગ્ન કરીને ફેરવ્યો

આરોપીઓએ દલિત યુવકને ઢોર માર મારી માફીપત્ર લખાવ્યો. બે દિવસ પહેલા બનેલી ઘટનામાં પોલીસે યુવકની ફરિયાદ ન નોંધી. હવે 16 લોકો સામે ફરિયાદ થઈ.
dalit crime

સાબરકાંઠા જિલ્લાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ચડાસણા ગામમાં એક દલિત યુવકને ગામલોકોએ નગ્ન કરી ઢોર માર મારી ગામમાં ફેરવ્યો હોવાની ચકચારી ઘટના ઘટી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુવક તેની પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો અને ગામલોકોએ તેને પકડી પાડ્યો હતો અને બાદમાં તેને આ તાલીબાની સજા આપવામાં આવી હતી. જો કે પોલીસ ફરિયાદમાં તેનાથી સાવ જુદી જ વાત લખવામાં આવી છે. તેમાં દલિત યુવક ગામની મહિલાઓના ફોટા પાડતો હોવાથી ગ્રામજનોએ તેને પકડી પાડી તાલિબાની સજા આપી હોવાનું લખાયું છે. આ ઘટના ના સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. જ્યારે આ અંગે એસ.સી-એસ.ટી સેલના ડી.વાય.એસ.પી એ તપાસ હાથ ધરી હોવાનું અને આશરે ૧૫ થી૧૬ જેટલા આરોપીઓ સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ દલિત યુવકને નગ્ન કરી ઢોર માર મારતા દલિત સમાજમાં રોષ ફેલાયો છે.

પોલીસે બે દિવસ સુધી યુવકની ફરિયાદ ન નોંધી

આ આખી ઘટનામાં પોલીસ દ્વારા જાણીજોઈને લાપરવાહી દાખવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આખી ઘટના બે દિવસ પહેલા બની હતી, પીડિત દલિત યુવક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો છતાં પોલીસે તેની ફરિયાદ નોંધી નહોતી. હવે હોબાળો વધતા પોલીસે 16 જેટલા લોકો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે.

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ચડાસણા ગામની મહિલા અને બાજુના ગામના દલિત સમાજના યુવક વચ્ચે સાથે મજૂરીકામ કરતા હોવાથી પ્રેમસંબંધ હતો. દરમિયાન તા. 11 માર્ચના રોજ મહિલાએ યુવકને મળવા માટે બોલાવ્યો હતો, તેથી યુવક તેને મળવા માટે ચડાસણા આવ્યો હતો.

dalit crime

દરમિયાન યુવક મહિલાને મળવા આવ્યો હોવાની જાણ ગામના લોકોને થતા તેઓ યુવકને શોધતા શોધતા ઈડર હિંમતનગર હાઈવે પર આવેલ એક કોલ્ડ સ્ટોરેજ ખાતે પહોંચી ગયા હતા. અને ત્યાંથી યુવકને ઝડપી પાડી તેને મારતા મારતા ગામમાં લઈ ગયા હતા અને તેને અડધી રાત્રે નગ્ન કરીને આખા ગામમાં ફેરવી ઢોર માર મારી તાલિબાની સજા કરી હતી. આરોપીઓએ આ આખી ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો, જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર વિસ્તારમાં પડ્યા હતા. આ ઘટનામાં આરોપીઓના મારને કારણે દલિત યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર અર્થે હિમતનગરની હોસ્પિટલમાં ખસેડ્યો હોવાનું જાણવા મળે છે.

ચોંકાવનારી વાત એ છે કે, આટલી ગંભીર ઘટના ઘટી હોવા છતાં જાદર પોલીસ સમગ્ર મામલે અજાણ હોવાનું રટણ કરી રહી હોવાથી પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઊભા થયા છે. મળતી માહિતી પ્રમાણે પીડિત યુવક આ ઘટના બાદ તરત પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ લખાવવા ગયો હતો, પરંતુ પોલીસે બે દિવસ સુધી તેની ફરિયાદ લીધી નહોતી.

આ પણ વાંચો: આટલું રેશનલ લખ્યું છતાં તમે લોકોએ હોળી સળગાવી, શરમ ન આવી?

બાદમાં હોબાળો થતા અને સોશિયલ મીડિયામાં ઘટનાના વીડિયો વાયરલ થતા જાદર પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળની તપાસ કરી હતી. એમાં પણ જે કોલ્ડ સ્ટોરેજમાં ઘટના બની હતી તે સ્થળ ઈડર પોલીસ સ્ટેશનની હદમાં આવતું હોવાથી સમગ્ર મામલો ઈડર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ઈડર પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી અને આશરે ૧૫ થી ૧૬ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. હવે સમગ્ર મામલે એસ.સી-એસ.ટી સેલના ડી.વાય.એસ.પી કુલદીપ નાયી તપાસ કરી રહ્યા છે.

પોલીસની કાર્યવાહી સામે ગંભીર સવાલો ઉભા થયા

આ આખી ઘટનામાં જાદર પોલીસ સહિત જિલ્લા પોલીસ તંત્રની કાર્યવાહી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. એક ગામમાં એક યુવકને અડધી રાત્રે આરોપીઓ નગ્ન કરીને ફેરવે છે તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા હોવા છતાં પોલીસ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી ન કરે તે કેવું? શું આ રીતે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા જળવાશે? આ ઘટના પરથી વધુ એકવાર સાબિત થાય છે કે, ગુજરાતમાં દલિતો-આદિવાસી પર થતા અત્યાચારોમાં પોલીસ જાણીજોઈને ઢીલી નીતિ અપનાવીને આરોપીઓને છાવરે છે. જેના કારણે બીજા લોકો પણ આ પ્રકારનું કૃત્ય કરતા ખચકાતા નથી. એક દલિત યુવકને તદ્દન નગ્ન અવસ્થામાં અડધી રાત્રે ગામમાં ફેરવવામાં આવ્યો હોવા છતાં પોલીસ મોંઢામાં મગ ભરીને, મીંઢું મૌન ધારણ કરીને બેસી રહે તે કાયદો વ્યવસ્થા માટે શરમજનક અને નિંદનીય કૃત્ય છે. આવા પોલીસ અધિકારીઓના કારણે જ કાયદો વ્યવસ્થાને લોકો શંકાની નજરે જોવા લાગ્યા છે.

એસસી એસટી સેલના ડીવાયએસપી શું કહે છે?

સમગ્ર મામલે ડી.વાય.એસ.પી કુલદીપ નાયીએ જણાવ્યું હતું કે, ઈડરના એક ગામે જે ઘટના બની છે તે ગુનાની ગંભીરતા લઈને તાત્કાલિક ઈડર અને જાદર પોલીસ સ્ટેશનની સાતથી વધુ ટીમો બનાવી ૯ જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. તે સિવાયના આરોપીઓને રાઉન્ડ અપ કરવા માટે અલગ અલગ ટીમો હાલ કાર્યરત છે અને એ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવશે.

dalit crime

ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને બી.એન.એસ એક્ટની અલગ અલગ કલમો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની સાથે સાથે એન્ટ્રોસિટી એકટની અલગ અલગ કલમ પણ લગાવવામાં આવી છે. હાલ સઘન પોલીસ તપાસ ચાલુ છે.

આરોપીઓના નામ

(૧)સંજય ઈશ્વર ઠાકોર
(૨)કિશન સેંધાજી ઠાકોર
(૩)મનોજ ઉર્ફે મનાજી સોમાજી ઠાકોર
(૪)નરેશ ઈશ્વર ઠાકોર
(૫)નુનો ઉર્ફે હરેશ ઠાકોર
(૬)મંગાજી સોમજી ઠાકોર
(૭)અતુલ વિનાજી ઠાકોર
(૮)અરુણ બાલકૃષ્ણ બારોટ
(૯)ઉમેશ જીતેન્દ્ર બારોટ
(૧૦)એક મહિલા
(૧૧)વિશાલ પેલાદ સુથાર
(૧૨)ચેતન ઈશ્વર નાયી તથા અન્ય ત્રણથી ચાર ઈસમો

આ પણ વાંચો: જાતિવાદીઓએ વરઘોડો રોકવાની ધમકી આપી, ભીમ આર્મીએ વટ જાળવ્યો

3.1 7 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
0
Would love your thoughts, please comment.x
()
x