ગંભીર બ્રિજ દુર્ઘટનાને આજકાલ કરતા એક મહિનો થઈ ગયો છે. ગત તારીખ 09/૦7/2025ને બુધવાર ના રોજ વહેલી સવારના સમયે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 22 વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યાં હતા. જે પૈકી એક યુવકનો મૃતદેહ શોધવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. બીજી બાજુ સરકારે માત્ર ૧૮ મહિનામાં જ આ નદી પર નવો બ્રિજ બનાવવાની જાહેરાત કરી છે પરંતુ હજુ બધું માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિ છે.
બીજી તરફ આ દુર્ઘટનાથી આણંદ તેમજ વડોદરા જિલ્લાના હજારો નોકરીયાતો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર એક મહિના પછી ગંભીરા બ્રિજ આસપાસના ગામોના લોકોને અવરજવર માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા ન કરી શકતા ગામલોકો વતી વડોદરા જિલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખ, સભ્યો દ્વારા આણંદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલીતકે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવા વિનંતી કરાઈ છે.
આ પણ વાંચો: દલિત યુવકે રોટલી માંગતા માર મારી, મોંમાં કપડું ઠૂંસી, ખેતરમાં ફેંકી દીધો
આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, હાલમાં આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો જીવાદોરી સમાન બ્રીજ તુટવાની અત્યંત દુ:ખદ ઘટના બની છે. આણંદ જીલ્લાના બોરસદ અને આંકલાવ તાલુકાના કેટલાય યુવાનો રોજગારી અર્થે પાદરા તાલુકાની કંપનીઓમાં નોકરી માટે, બાગાયતી પાક સાથે સંકળાયેલા ખેડૂતો પાદરા શાકમાર્કેટમાં પાકનું વેચાણ કરવા માટે તથા વિધાર્થીઓ અભ્યાસ અર્થે અવરજવર કરવા મુજપુર-ગંભીરા બ્રીજ ઉપયોગ કરતા હતાં.
ત્યારે આ બ્રીજ તુટવાને કારણે રોજગારી અર્થે નોકરી જતા યુવાનો, વિધાર્થીઓ અને ખેડૂતોને અવરજવર કરવા માટે ઉમેટા બ્રીજ અથવા વાસદ બ્રીજનો ઉપયોગ કરવો પડતો હોય છે. અંતર અને સમય વધવાને કારણે નજીવા પગાર ધોરણમાં પ્રાઇવેટ વિહિકલ લઈને જવું પરવડે તેમ ન હોવાનો કારણે કેટલાય યુવાનોને નોકરી છોડવાનો વારો આવ્યો હોય, વિધાર્થીઓને તથા ખેડૂતોને પણ અનેક મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે આપ અવરજવર કરવામાં પડતી હાલાકી દુર થાય તે માટે કોઈપણ જાતના વિલંબ કર્યાં સિવાય વહેલીતકે યોગ્ય વૈકલ્પિક સુવિધા કરવા માંગ છે.
આ પણ વાંચો: કોંગ્રેસના દલિત નેતાનો મૃતદેહ મળ્યો, શરીર પર ગોળીઓનાં નિશાન
બ્રિજ તૂટવાથી નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને હાલાકી
આણંદ જીલ્લાનાં હજારો કામદારો જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે પાદરા પંથકમાં આવેલ વિવિધ ખાનગી કંપનીઓમાં નોકરી કરે છે. જ્યારે વડોદરા જિલ્લાના પાદરા તથા જંબુસર તાલુકાના હજારો વિદ્યાર્થીઓ એજ્યુકેશન હબ ગણાતા આણંદની વિવિધ શાળા-કોલેજોમાં અભ્યાસ કરે છે. તો વળી, ખેતીવાડી કરીને જીવન ચલાવતાં આણંદ જિલ્લાના અનેક અનેક ખેડૂતો ખેતીવાડી બજાર સમિતિ પાદરા ખાતે રોજબરોજ શાકભાજી વેચવા જાય છે. આ તમામ નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો ગંભીરા બ્રિજ પરથી અવરજવર કરતાં હતાં. પરંતુ, હવે આ બ્રિજ તુટી ગયો છે ત્યારે, નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને અન્ય રસ્તેથી અવરજવર કરવાની ફરજ પડી છે. જેમાં અંદાજીત ૫૦ થી ૬૦ કિ.મી થી પણ વધુ અંતર કાપવું પડતુ હોવાથી ખુબ મોટી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
18 મહિનામાં નવો બ્રિજ તૈયાર થાય તેવી શક્યતા નથી?
વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાત સરકારે માત્ર ૧૮ મહિનામાં જ આ નદી પર નવો બ્રિજ બનાવવાની જાહેરાત કરી છે. પરંતુ, આ દુર્ઘટનાના એક મહિના બાદ પણ એમાં કંઈ જ વર્કઆઉટ થયું નથી ટેન્ડર ની પ્રક્રિયા પણ હજુ બહાર પાડવામાં આવી નથી. આરએન્ડબી વિભાગના અધિકારી ઓ દ્વારા પણ આ અંગેની કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. માટે સરકાર હજી પણ ઘોર નિંદ્રામાં ઉંઘી રહી હોય તેવું કહી શકાય. ત્રણ દિવસમાં વૈકલ્પિક માર્ગ બનાવવામાં નહીં આવે તો, આજે આવેદનપત્ર આપનાર જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો તેમજ અન્ય આગેવાનો આગામી તારીખ ૧૪ મી ઓગસ્ટના રોજ ગંભીરા ચોકડી ખાતે એકત્રિત થઈ આગળની રણનીતિ નક્કી કરશે.
આ પણ વાંચો: નોઈડા દલિત પ્રેરણા સ્થળે મહિલાના આંતરવસ્ત્રો પહેરી યુવકે રીલ બનાવી