વિનોદ કાંબલીની હાલત સારી નથી! ભાઈએ કહ્યું, ‘સૌ પ્રાર્થના કરો’

વિનોદ કાંબલીની હાલત બરાબર ન હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમના ભાઈએ લોકોને તેમના માટે પ્રાર્થના કરવા માટે અપીલ કરી છે. જાણો કેવી છે કાંબલીની તબિયત.

Vinod Kambli Health: ટેસ્ટ ક્રિકેટમાં આજની તારીખે પણ જેનો રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી તે ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર વિનોદ કાંબલી(Vinod Kambli) હજુ પણ સંપૂર્ણપણે સ્વસ્થ(Health update) નથી. તેમના નાના ભાઈ વીરેન્દ્ર કાંબલી(virendra kambli)એ આ અપડેટ આપ્યું છે. વિનોદ કાંબલી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. તેમના ભાઈએ લોકોને તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી છેલ્લા કેટલાક સમયથી તેમના સ્વાસ્થ્યને લઈને સમાચારોમાં છે. 53 વર્ષીય કાંબલીને ઓક્ટોબરમાં યૂરિન ઈન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેઓ સ્વસ્થ થયા પછી ઘરે પરત ફર્યા હતા, પરંતુ ડિસેમ્બરમાં સમસ્યા ફરી ઉભી થઈ હતી, ત્યારબાદ તેમને ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. MRIમાં તેમના મગજમાં લોહીનો ગઠ્ઠો જોવા મળ્યો હતો, પરંતુ તેઓ સ્વસ્થ થયા હતા અને ડોકટરોની દેખરેખ હેઠળ તેમને રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ક્રિકેટમાં રૂ. 50 હારી જતા 7 યુવકોએ દલિત વિદ્યાર્થી સાથે દુષ્કર્મ કર્યું

ભાઈએ કાંબલીના સ્વાસ્થ્ય વિશે શું કહ્યું?

હવે, નવ મહિના પછી વિનોદ કાંબલીનું સ્વાસ્થ્ય સુધરી ગયું છે, પરંતુ તેઓ સંપૂર્ણપણે સાજા થયા નથી. તેમના નાના ભાઈ વીરેન્દ્ર કાંબલીએ ‘ધ વિકી લાલવાણી શો’ પર વિનોદ કાંબલીના સ્વાસ્થ્ય વિશે વિગતે જાણકારી આપી હતી. વીરેન્દ્રએ જણાવ્યું કે વિનોદ કાંબલીને હજુ પણ બોલવામાં તકલીફ પડે છે અને તેઓ ચાલી શકતા નથી. તેમણે તેમના ફેન્સને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી.
વીરેન્દ્રએ જણાવ્યું હતું કે, તે(વિનોદ) હાલ ઘરે છે. તેમની તબિયત સ્થિર છે, પરંતુ સારવાર ચાલુ છે. તેમને બોલવામાં તકલીફ પડે છે. સ્વસ્થ થવામાં સમય લાગશે. પરંતુ તે એક ચેમ્પિયન છે અને જલ્દી સ્વસ્થ થઈ જશે. આશા છે કે તેઓ જલ્દી ચાલવાનું શરૂ કરશે. મને તેમના પર ઘણો વિશ્વાસ છે. મને આશા છે કે તમે તેમને ફરીથી મેદાન પર જોઈ શકશો.

આ પણ વાંચોઃ IPL સ્પોટ ફિક્સિંગમાં જેલમાં ગયેલા ક્રિકેટરને મુંબઈએ મુખ્ય કોચ બનાવ્યો

વીરેન્દ્રએ વધુમાં કહ્યું, તેમણે 10 દિવસ સુધી રિહેબ કર્યું હતું. તેમનું સંપૂર્ણ શરીર તપાસાયું, જેમાં મગજ સ્કેન અને યૂરિન ટેસ્ટ પણ સામેલ હતું. પરિણામો સારા હતા, કોઈ મોટી સમસ્યા નહોતી, પરંતુ તેઓ ચાલી શકતા ન હોવાથી તેમને ફિઝીયોથેરાપીની સલાહ આપવામાં આવી છે. તેમની જીભ હજુ પણ લથડી રહી છે, પરંતુ તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. હું ફક્ત લોકોને તેમના માટે પ્રાર્થના કરવા કહેવા માંગુ છું, જેથી તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય. તેમને તમારા પ્રેમ અને સમર્થનની જરૂર છે.

વીરેન્દ્રએ એમ પણ કહ્યું કે તેઓ ચાર ભાઈઓ છે – વિનોદ, વીરેન્દ્ર, વિકાસ અને વિદ્યાધર. વિનોદની જેમ, વીરેન્દ્ર પણ ક્રિકેટર બનવા માંગતા હતા, પરંતુ તેમની કારકિર્દી આગળ વધી શકી નહોતી.

વિનોદ કાંબલી – રેકોર્ડોનો બાદશાહ

સચિન અને કાંબલીની ક્રિકેટ કરિયર લગભગ એકસાથે શરૂ થઈ હતી, પણ આગળ જતા સચિનને તેની બ્રાહ્મણ જાતિના કારણે જેટલી તકો મળી તેટલી કાંબલીને તેના દલિત હોવાને કારણે ન મળી શકી. કાંબલી ભારત માટે માત્ર 17 ટેસ્ટ મેચ રમી શક્યા હતા, પરંતુ તેમના નામે એવા રેકોર્ડ નોંધાયેલા છે જે સચિન પણ તોડી શક્યો નથી. 21 વર્ષની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કરનાર કાંબલીએ તેની છેલ્લી ટેસ્ટ 23 વર્ષની ઉંમરે રમી હતી. ટૂંકી ટેસ્ટ કારકિર્દી હોવા છતાં તેના નામે હજુ પણ ઘણા રેકોર્ડ છે જે કાયમ યાદ રખાશે.

આ પણ વાંચોઃ આદિવાસી વેલ્ડર પિતાના પુત્રની અંડર-16 ક્રિકેટ ટીમમાં પસંદગી

સૌથી નાની વયે બેવડી સદીનો રેકોર્ડ

ભારતીય ટીમ માટે સૌથી નાની વયે બેવડી સદી બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ વિનોદ કાંબલીના નામે છે. 21 વર્ષ અને 35 દિવસની ઉંમરે કાંબલીએ ઈંગ્લેન્ડ સામે મુંબઈમાં રમાયેલી મેચમાં 224 રનની ઈનિંગ રમી અને ભારત તરફથી બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો હતો. તેની સામે સચિન તેંડુલકરે 26 વર્ષની ઉંમરે 1999માં ન્યૂઝીલેન્ડ સામે બેવડી સદી ફટકારી હતી.

રણજી ટ્રોફીમાં ડેબ્યૂ મેચમાં સિક્સરથી ખાતું ખોલવાનો રેકોર્ડ

કાંબલીએ 1989માં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. એ વખતે મુંબઈની પહેલી મેચ ગુજરાત સામે હતી અને કાંબલીએ ક્રિઝ પર આવીને સિક્સર ફટકારીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું.

બે ટેસ્ટ મેચમાં બે બેવડી સદીનો રેકોર્ડ

1993માં કાંબલીએ બે ટેસ્ટ મેચમાં સળંગ બે બેવડી સદી ફટકારીને વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો. તેણે પહેલા ઈંગ્લેન્ડ સામે 224 રનની ઈનિંગ રમી હતી. એ પછી ઝિમ્બાબ્વે સામે 227 રનની ઇનિંગ રમીને સતત બે ટેસ્ટમાં બે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

આ પણ વાંચોઃ  સિનિયર ક્રિકેટરે મને કહ્યું, ‘મારે તારી સાથે સૂવું છે’

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રનનો રેકોર્ડ

આજના ફાસ્ટફૂડ ક્રિકેટમાં કોઈપણ બેટ્સમેન ટેસ્ટ મેચ જેવી ધીરજથી રમી શકતો નથી. પણ કાંબલી એ જમાના ટેસ્ટ મેચોમાં પણ ટી20 જેવું ક્રિકેટ રમતા હતા અને તેનો અંદાજ જેમની ટેસ્ટ કરિયર પરથી આવે છે. કાંબલીએ ટેસ્ટ ક્રિકેટની 14 ઇનિંગ્સમાં 1000 રન બનાવ્યા હતા. તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ખેલાડી છે. એટલું જ નહીં કાંબલીની એવરેજ ટેસ્ટ ક્રિકેટના ધુરંધરો મનાતા સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ અને વિરેન્દ્ર સેહવાગ કરતા પણ વધારે છે. તેણે માત્ર 17 ટેસ્ટ મેચોમાં 2 બેવડી સદી અને 4 સદીની મદદથી 54.2ની સરેરાશથી 1084 રન બનાવ્યા છે. આ રેકોર્ડ આજે પણ કોઈ તોડી શક્યું નથી.

સચિન સાથે 664 રનની ભાગીદારી

કાંબલી અને સચિનની જોડીની વાત આવે ત્યારે લોકો તેમની ઘરેલું ક્રિકેટની 664 રનની ભાગીદારીને યાદ કરે છે. પણ લોકો એ ભૂલી જાય છે કે, આ મેચમાં કાંબલીએ સચિન કરતા પણ વધુ રન બનાવ્યા હતા અને એ આંકડો હતો 349. જી હા, કાંબલીએ એકલાએ 349 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ ભાજપના દલિત નેતાના પુત્રને સવર્ણોએ મુર્ગા બનાવી પેશાબ પીવડાવ્યો

કાંબલીએ જ્યારે અમદાવાદમાં સ્કર્ટ પહેર્યું

સચિન અને વિનોદ કાંબલી બંને મિત્રોએ સાથે મળી મુંબઈને તો અનેક યાદોની ભેટ આપી જ હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેમનું યોગદાન મહત્વનું રહ્યું છે. જો કે અમદાવાદમાં યોજાયેલી કૂચ બિહાર ટ્રોફીનો એક પ્રસંગ અહીં યાદ કરવા જેવો છે. એ વખતે સચિન તેંડુલકરે વિનોદ કાંબલીને સ્કર્ટ પહેરીને અમદાવાદની ગલીઓમાં ફરવાની ચેલેન્જ આપી હતી, જેને કાંબલીએ પુરી કરી બતાવી હતી. સચિને કાંબલીને આ ચેલેન્જ પૂર્ણ કરવા પર એ શરત રાખી હતી કે જો વિનોદ કાંબલી સ્કર્ટ પહેરશે તો સચિન તેનો આજીવન ગુલામ બનીને રહેશે. વિનોદ કાંબલીએ સચિને આપેલી આ ચેલેન્જ પુરી કરી બતાવી હતી અને અમદાવાદના રસ્તાઓ પર સ્કર્ટ પહેરીને ફર્યા હતા અને મોડી રાત્રે છેક અગિયાર વાગ્યે હોટલે પહોંચીને કપડા બદલ્યા હતા.

આ પણ વાંચોઃ હરભજન સિંહે બોલર જોફ્રા આર્ચરને ‘કાળી ટેક્સી’ કહેતા વિવાદ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x