ચંદુ મહેરિયા
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન રસ્મ-અદાયગી નિભાવતો આવ્યો અને ગયો. આ વરસ તેની સિલ્વર જ્યુબિલી કહેતા પા સદીનું છે. માતૃભાષા દિવસની પહેલી પચીસીના રજત વરસની થીમ વૈશ્વિક સ્તરે અધિક સમાવેશી અને ટકાઉ વિશ્વના નિર્માણ માટે ભાષાની વિવિધતા પર પ્રગતિમાં ગતિ આણવાની આવશ્યકતા છે. મૂળે તો વિભાજન પૂર્વેના પાકિસ્તાનના બંગભાષીઓએ બંગાળી ભાષાના અસ્તિત્વને ટકાવવા કરેલા દીર્ઘ ભાષા આંદોલનની સ્મૃતિનો આ દિવસ છે. ૨૧ મી ફેબ્રુઆરી ૧૯૫૨ના રોજ ઢાકા યુનિવર્સિટીના છાત્રો અને લોકોએ માતૃભાષા બંગાળીના રક્ષણ માટે આદરેલી લડત સામેના સરકારી દમનમાં ૧૬ લોકો શહીદ થયા હતા. તેની સ્મૃતિમાં ૨૦૦૦ના વરસથી આખી દુનિયામાં એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે મનાવાય છે. રાષ્ટ્રીય અવકાશનો ઓણનો માતૃભાષા દિવસ બાંગ્લાદેશે તેની ભાષાકીય ઓળખને બદલે ધાર્મિક ઓળખને પ્રાધાન્ય આપતા બદલાયેલા રાજકીય માહોલમાં કઈ રીતે ઉજવ્યો હશે? ન જાને.
૨૦૨૨થી ૨૦૩૨નો દાયકો સ્વદેશી ભાષાઓના દાયકા તરીકે મનાવવાની નેમ ધરાવતા સંયુક્ત રાષ્ટ્રસંઘને એ વાતે ચિંતા છે કે વિશ્વમાં દર બે અઠવાડિયે એક ભાષા વિલુપ્ત થઈ જાય છે. તેથી વિશ્વ એક સાંસ્કૃતિક અને બૌધ્ધિક વારસો ગુમાવે છે. શિક્ષણના માર્ગમાં ભાષા અવરોધક ન બનવી જોઈએ. પણ ખરેખર એવું છે ખરું? યુનેસ્કોનું કહેવું છે કે દુનિયાની બાળવસ્તીના ચાળીસ ટકા બાળકોને તેઓ જે ભાષા બોલે છે તે ભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરવાની સુવિધા મળતી નથી. એટલે માતૃભાષામાં શિક્ષણ એટલે ખરેખર કઈ માતૃભાષા અને કોની માતૃભાષા તે પણ લાખેણો સવાલ છે. ઓડિશાની કેવળ છ જ જનજાતિ ભાષાઓને લિપિ છે. આવું ઘણી આદિવાસી ભાષાઓમાં છે. એટલે તે વર્ગ સાહિત્ય અને શિક્ષણની સામગ્રીની પહોંચથી વંચિત રહે છે.
આ પણ વાંચોઃ વાલ્મિકી સમાજના કિન્નરને ન્યાય અપાવવામાં પોલીસને રસ નથી
૨૦૨૨માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વડી અદાલતોના ન્યાયાધીશોની પરિષદમાં વડી અદાલતોને તેના વિવિધ કામો સ્થાનિક ભાષામાં કરવા અપીલ કરી હતી. ન્યાયનો આધાર જો સુરાજ હોય તો ન્યાય જનતાની ભાષા સાથે જોડાયેલો હોવો જોઈએ તેવી વડાપ્રધાનની વાત સાથે કોણ અસંમત થશે ભલા? આ સંમેલનમાં તત્કાલીન સીજેઆઈ એન.વી.રમન્નાએ પણ અદાલતોનું કામકાજ સ્થાનિક ભાષામાં કરવાનું જરૂરી તો માન્યું જ હતું પણ આગળ વધીને તેમણે ન્યાય પ્રણાલીનું દેશીકરણ કે ભારતીયકરણ થાય તેવી ઈચ્છા જાહેર કરી હતી. ન્યાયપાલિકા અને વિધાયિકા બંને રાજ્યોની વડી અદાલતોની ન્યાયિક પ્રક્રિયા રાજ્યોની રાજભાષામાં થવી જોઈએ તેમ સ્વીકારતી હોય તો પછી મારો ન્યાય, મારી ભાષા (My justice, in my language)માં એવા અભિયાનોની જરૂર શું છે?
हमारे देश में हाई कोर्ट और सुप्रीम कोर्ट की सारी कार्यवाही अंग्रेजी में होती है।
एक बड़ी आबादी को न्यायिक प्रक्रिया और फैसलों को समझना मुश्किल होता है। हमें इसे आम जनता के लिए सरल बनाने की जरूरत है।
हमें न्यायालयों में स्थानीय भाषाओं को प्रोत्साहन देने की जरूरत है: पीएम pic.twitter.com/rgFJQq0qyV
— BJP (@BJP4India) April 30, 2022
આપણા દેશની તાલુકા અને જિલ્લા અદાલતોની કામગીરી તો સ્થાનિક ભાષામાં ચાલે છે પરંતુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની કામગીરી અંગ્રેજીમાં અને માત્ર અંગ્રેજીમાં જ ચાલે છે. અદાલતોની કામગીરી અને ચુકાદાની મોટી સામાજિક, રાજકીય, આર્થિક અસરો હોય છે. જો તે લોકોની ભાષામાં ન હોય તો દેશની બહુમતી જનતા તે સમજી શકતી નથી.કાયદાની અને અદાલતોના ચુકાદાની ભાષા પોતે કરીને જ આમ આદમીની સમજની બહારની વસ્તુ હોય ત્યારે જો તે અંગ્રેજીમાં જ હોય તો તે કાળા અક્ષર ભેંસ બરાબર જ બની રહે છે. જો લોકોને કાયદાની કે અદાલતના ચુકાદાની ભાષા જ ન ઉકેલાય તો તેના અમલની આશા કેમ રાખી શકાય?
આ પણ વાંચોઃ હિન્દીએ અવધી, બુંદેલી સહિત 25 ભાષાઓનો નાશ કર્યો: MK Stalin
કેન્દ્ર સરકારે કાયદાઓને સરળ કરવા ઉપરાંત તેને લોકોપયોગી બનાવવા કાયદાકીય પારિભાષિક અને ટેકનિકલ શબ્દો બાદ કરીને જનતાને સમજાય તેવી સરળ અને સહજ ભાષાની આવૃતિઓ બનાવવા પ્રયાસો શરૂ કર્યા છે. પરંતુ અદાલતો તે બાબતમાં હજુ પ્રગતિ સાધી શકી નથી. હવે એઆઈ(આર્ટિફીસિયલ ઈન્ટેલિજન્સ) ની મદદથી ચુકાદાના અનુવાદનું કાર્ય હાથ ધરાયું છે. પરંતુ મૂળ ચુકાદા તો અંગ્રેજીમાં જ રહેશે.
પોલીસ એફ આઈ આર એટલે ગુનાનો પ્રથમ દર્શનીય અહેવાલ સ્થાનિક ભાષામાં લખે છે. પોલીસ તપાસ પણ સ્થાનિક ભાષામાં થાય છે. સુનાવણી દરમિયાન આરોપી, ફરિયાદી અને સાક્ષીની જુબાની સ્થાનિક ભાષામાં લેવાય છે પરંતુ વકીલોની દલીલો અંગ્રેજીમાં થાય છે. પિટિશનથી માંડીને કેસ સાથેના આધારો, પુરાવા, દસ્તાવેજો જો સ્થાનિક ભાષામાં હોય તો તેનો અંગ્રેજી અનુવાદ કરાવવો પડે છે. વળી ન્યાયિક કાર્યવાહી અને ચુકાદા અંગ્રેજીમાં હોય સામાન્ય માણસને કશી ખબર પડતી નથી. તેને અંગ્રેજી જાણતા વ્યક્તિ કે વકીલ જેટલું સમજાવે તેટલું તે સમજે છે. ખરેખર આ અરજદાર અને આરોપી બંને સાથે અન્યાય છે.
जिस देश में अंग्रेजी मातृ भाषा वाले मात्र 2 लाख 70 हजार हो वहां का सुप्रीम कोर्ट का काम सिर्फ अंग्रेजी में हो, वह लोकतांत्रिक देश नहीं हो सकता। जिसका मुकदमा कोर्ट में है उसे पता भी नहीं चलता कि वकील और जज के बीच क्या बात हो रही है और फैसला हों जाता है। pic.twitter.com/LEeW99h8bc
— P.N.Rai (@PNRai1) February 19, 2024
વડી અદાલતોની ન્યાયિક કાર્યવાહી અંગ્રેજીમાં હોય છે તે તો સવાલ છે જ એથી પણ વધુ મોટો સવાલ કાયદાની અને ચુકાદાની ભાષાનો છે. ખુદ અદાલતની ભાષા જ ન્યાયના કઠેડામાં ઉભી હોય તેવી સ્થિતિ છે. થોડા સમય પૂર્વે જ સર્વોચ્ચ અદાલતના બે ન્યાયાધીશોની પીઠે એક રાજ્યની વડી અદાલતનો ચુકાદો માથું દુખાડનારો ગણાવ્યો હતો. ચુકાદાની ભાષા એટલી તો ક્લિષ્ટ હતી કે જજસાહેબે કહેવું પડ્યું કે આ જજમેન્ટ વાંચ્યા પછી મારે બામ ઘસવી પડી હતી. સુપ્રીમે આ ચુકાદા સંદર્ભે એવી લિખિત ટિપ્પણી કરી હતી કે આ ચુકાદામાં સાચી અને સહજ ભાષાનો પ્રયોગ ન થવાથી ન્યાયનો હેતુ જ માર્યો ગયો છે. ચુકાદાએ ન્યાયના ઉદ્દેશને જ ક્ષતિ પહોંચાડી છે. એટલે મારો ન્યાય મારી ભાષામાં તો ખરો જ પરંતુ મને સમજાય તેવી સરળ અને સહજ ભાષામાં પણ હોવો જોઈએ.
આ પણ વાંચોઃ ‘તમે બ્રાહ્મણ નથી એટલે કથા ન કરી શકો’ કહી મહિલાની કથા અટકાવી
ભારતીય બંધારણના ચેપ્ટર ૩ (લેંગ્વેજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટસ )ના આર્ટિકલ ૩૪૮માં સંસદ કાયદા દ્વારા ફેરફાર ના કરે ત્યાં સુધી સર્વોચ્ચ અદાલત, વડી અદાલતોની કાર્યવાહી અંગ્રેજીમાં થશે તેવી જોગવાઈ છે. આ જોગવાઈ પંદર વરસ સુધી જ હતી.પરંતુ હજુ તેમાં ફેરફાર થતો નથી. ૨૦૨૨માં વડાપ્રધાન અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બંને સ્થાનિક ભાષામાં અદાલતી કાર્યવાહીની આવશ્યકતા સ્વીકારે છે. પરંતુ અમલની દિશામાં કોઈ આગળ વધતું નથી. કહે છે કે ૧૯૬૫માં સુપ્રીમ કોર્ટે ફેરફાર માટે સીજેઆઈની મંજૂરી અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે એકાધિક વખત અનુચ્છેદ ૩૪૮(૨) હેઠળ હાઈકોર્ટની કામગીરી ગુજરાતીમાં થાય તેવી માંગણી કરતી જાહેર હિતની અરજીઓ ફગાવી દીધી છે. એટલે દડો કેન્દ્ર સરકારના દરબારમાં છે.
સુપ્રીમ કોર્ટના શાહબાનુ ચુકાદાને કે તાજેતરમાં ઈલેકશન કમિશનરોની નિમણૂક માટેની સમિતિના સભ્યો અંગેના ચુકાદાને સરકારોએ ઘડીમાં પલટ્યા છે. તો સ્થાનિક ભાષામાં અદાલતી કાર્યવાહી પંદર વરસ પછી કાયદા દ્વારા સ્થાપિત કરી શકાય છે તે બાબતે તેનું વલણ કેમ આવું છે?
દેશના ચાર રાજ્યોની હાઈકોર્ટસમાં અંગ્રેજી ઉપરાંત હિંદીનો ઉપયોગ થઈ રહ્યો છે. તમામ નહીં તો મહત્વના ચુકાદાના સ્થાનિક ભાષામાં અનુવાદો ઉપલબ્ધ કરાવાય છે. આંરભે દેશની રાજભાષા હિંદી વડી અદાલતો અપનાવે અને ધીરે ધીરે રાજ્યોની રાજભાષા તરફ વળે તો મારી ભાષામાં મારો ન્યાય વિલંબથી ય શક્ય બનશે પણ આંટીઘૂંટીભરી અને ક્લિષ્ટને બદલે સહજ ,સરળ અને સમજાય તેવી ભાષામાં ન્યાય ઉપલબ્ધ થાય તે તેથી પણ વધુ કે તેના બરાબર જરૂરી છે.
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)
આ પણ વાંચોઃ એક સત્યાગ્રહ, જે માનવાધિકાર માટે લડાયો છતાં યાદ નથી કરાતો