નેપાળમાં યુવાનોના સૌથી હિંસક વિદ્રોહ પાછળ 36 વર્ષના સુદન ગુરંગનું નામ સામે આવી રહ્યું છે. સુદાન ગુરુંગનું નામ હવે નેપાળમાં ડિજિટલ સ્વતંત્રતા ચળવળનો પર્યાય બની ગયું છે. યુવા-નેતૃત્વ હેઠળના NGO હમી નેપાળના પ્રમુખ ગુરુંગે ગયા અઠવાડિયે લાગુ કરાયેલા વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે દેશભરમાં હજારો વિદ્યાર્થીઓને એકત્ર કર્યા છે.
ગુરુંગે શાંતિપૂર્ણ પ્રતિકારના પ્રતીક તરીકે વિદ્યાર્થીઓને શાળા ગણવેશમાં કૂચ કરવા અને પુસ્તકો લઈને કૂચ કરવા હાકલ કરી હતી. તેની ટીમે વિરોધના માર્ગોની યોજના બનાવી હતી અને સોશિયલ મીડિયા પર સલામતીની ટિપ્સ શેર કરી હતી. પરંતુ જ્યારે તેની પ્રવૃત્તિઓ વધી ગઈ, ત્યારે નેપાળ સરકારે 4 સપ્ટેમ્બરના રોજ અચાનક ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યુબ અને X જેવા 26 પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પ્રતિબંધથી નેપાળની ડિજિટલ-નેટિવ જનરેશન Z માં રોષ ફેલાયો હતો, જેના કારણે વિરોધ પ્રદર્શન વર્ષોની સૌથી લોહિયાળ શેરી હિંસામાં ફેરવાઈ ગયા. આજે જ્યારે હિંસા વધી, ત્યારે વડા પ્રધાન ઓલીએ રાજીનામું આપવું પડ્યું. નેપાળી કોંગ્રેસ અને ઘણા સામ્યવાદી નેતાઓ નિશાન બન્યા. તેમના ઘરો બાળી નાખવામાં આવ્યા. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટ સહિત તમામ સરકારી ઇમારતોમાં પ્રવેશ્યા. આ તમામ ઘટનાક્રમ માટે સુદાન ગુરંગને જવાબદાર માનવામાં આવે છે.
કોણ છે સુદન ગુરંગ?
એક સમયે ઇવેન્ટ ઓર્ગેનાઈઝર રહેલા ગુરુંગ, ખુદ એક દુર્ઘટના પછી કાર્યકર્તા બન્યો હતો. તેણે પોતાની એનજીઓ ‘હમી નેપાળ’ને એક એવા પ્લેટફોર્મમાં ફેરવી દીધું જે હતાશાને અવાજ આપે છે. ધરાણમાં પારદર્શિતા ઝુંબેશથી લઈને રાષ્ટ્રવ્યાપી રેલીઓ સુધી, ગુરુંગ એક અશાંત પેઢીનો અવાજ બની ગયો છે. નેપાળના ઘણા ભ્રષ્ટાચારના કેસ ગુરુંગ દ્વારા X પર ઉઠાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: મનરેગા મજૂર માબાપની દીકરી રાજ્યની પહેલી આદિવાસી IAS બની
ધ કાઠમંડુ પોસ્ટે લખ્યું હતું કે, જનરેશન Z માટે “ડિજિટલ સ્વતંત્રતા એ વ્યક્તિગત સ્વતંત્રતા છે” અને શેરીઓમાં હજારો લોકો માટે સુદાન ગુરુંગ હવે આ લડાઈનું પ્રતીક છે. ગુરુંગે સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર આંદોલનનું સંચાલન કર્યું છે. જો નેપાળ સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ ન મૂક્યો હોત, તો આંદોલન આટલું વહેલું શરૂ ન થયું હોત.
જોકે, વર્તમાન આંદોલન દરમિયાન પરિસ્થિતિ ત્યારે વધુ ખરાબ થઈ જ્યારે સોમવારે, કાઠમંડુમાં સંસદની બહાર સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા હતા અને 300 થી વધુ ઘાયલ થયા હતા. હોસ્પિટલોમાં ઇમરજન્સી વોર્ડ ટીયર ગેસથી ભરાઈ ગયા હતા. દમનથી યુવાનોમાં ગુસ્સો ફેલાયો. યુવાનોએ પહેલા ગૃહમંત્રી રમેશ લેખકને ઘેરી લીધા અને તેમને રાજીનામું આપવાની ફરજ પાડી. ત્યારબાદ વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ વિરોધ પ્રદર્શનોને “અનિચ્છનીય તત્વો” દ્વારા હાઇજેક કરવાનો આરોપ લગાવ્યો. એ પછી યુવાનો વધુ ઉશ્કેરાઈ ગયા હતા.
આજે સંદેશાવ્યવહાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે યુવા નેતાઓને વાતચીત માટે બોલાવ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓએ વાતચીતની ઓફર નકારી કાઢી હતી અને ત્યારથી વિવિધ સ્થળોએથી હિંસાના અહેવાલો આવવા લાગ્યા હતા. કર્ફ્યુ તોડીને વિરોધીઓએ ટાયર સળગાવીને રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. પહેલીવાર કાઠમંડુના રસ્તાઓ પર “કેપી ચોર, દેશ છોડ” જેવા નારા સંભળાયા હતા. નેપાળના લોકપ્રિય નેતાઓ ગણાતા ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ અને શેર બહાદુર દેઉબા સહિત વરિષ્ઠ રાજકારણીઓના ઘરોમાં તોડફોડ શરૂ થઈ હતી.
માનવાધિકાર સમૂહોએ વિરોધીઓ પર ઘાતક હથિયારોના ઉપયોગની નિંદા કરી છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે વિરોધીઓ પર ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ નેપાળ સરકારને હિંસાની નિષ્પક્ષ તપાસ કરવા કહ્યું છે. આ આંદોલન હજુ બંધ થયું નથી. હવે જ્યાં સુધી નેપાળ રાજકીય રીતે સ્થિર નહીં થાય ત્યાં સુધી આ હિંસા વધુ વધી શકે છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારે વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની સહાય બંધ કરી










