બેલગાવીમાં દલિત મહિલાને નિર્વસ્ત્ર કરવાના કેસમાં 12 દોષિતોને 5 વર્ષની કેદ

કર્ણાટકના બેલગાવીમાં દલિત મહિલાને નિર્વસ્ત્ર કરી વીજળીના થાંભલે બાંધવાની અમાનવીય ઘટનામાં કોર્ટે 12 શખ્સોને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
Belagavi news

બેલગાવી: માનવતાને શર્મસાર કરતી બેલગાવીના વંટામુરી ગામની એ ભયાનક ઘટનામાં આખરે ન્યાય તોળાયો છે. ડિસેમ્બર 2023માં એક દલિત મહિલા પર થયેલા અત્યાચારના મામલે બેલગાવીની 10મી એડિશનલ જિલ્લા અને સત્ર અદાલતે ચુકાદો આપ્યો છે. ન્યાયાધીશ એચ. એસ. મંજુનાથે તમામ 12 આરોપીઓને દોષિત જાહેર કરી 5 વર્ષની સખત કેદ અને પ્રત્યેક કલમ હેઠળ દંડની સજા સંભળાવી છે.

શું હતી સમગ્ર ઘટના?

ઘટના 10 ડિસેમ્બર, 2023ની છે. પીડિત મહિલાનો પુત્ર ગામની જ એક યુવતી સાથે ભાગી ગયો હતો. આ બાબતનો બદલો લેવા માટે યુવતીના પરિવારજનો અને અન્ય ગ્રામજનોએ 42 વર્ષીય દલિત મહિલાને નિશાન બનાવી હતી. ટોળાએ મહિલાને તેના ઘરમાંથી ઘસડીને બહાર કાઢી, ભીડ વચ્ચે તેના કપડાં ઉતારી નાખ્યા અને અત્યંત નિર્દયતાથી તેને આખા ગામમાં ફેરવી હતી. એટલું જ નહીં, તેને વીજળીના થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ‘SC-ST-OBC સ્ત્રી પર બળાત્કાર કરવાથી તીર્થનું ફળ મળે!’

હાઈકોર્ટે ઘટનાને દ્રૌપદીના વસ્ત્રાહરણ સાથે સરખાવી

આ કેસની ગંભીરતા જોઈને કર્ણાટક હાઈકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. સુનાવણી દરમિયાન જસ્ટિસ પી.બી. વરાલે અને જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિતની ખંડપીઠે રાજ્ય સરકાર અને પોલીસની નિષ્ફળતા પર આકરા પ્રહારો કર્યા હતા. કોર્ટે ટિપ્પણી કરી હતી કે, “આ ઘટના તો મહાભારત કરતા પણ વધુ કરુણ છે. દ્રૌપદી પાસે તો રક્ષણ માટે ભગવાન કૃષ્ણ આવ્યા હતા, પરંતુ આ આધુનિક યુગમાં મહિલાની વહારે કોઈ આવ્યું નહીં. કમનસીબે, આપણે દુર્યોધન અને દુશાસનોની દુનિયામાં જીવી રહ્યા છીએ.”
કોર્ટમાં સન્નાટો અને રૂદનનો માહોલ છવાયો

બુધવારે જ્યારે જજ મંજુનાથે ચુકાદો સંભળાવ્યો, ત્યારે કોર્ટરૂમમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. સજાની જાહેરાત થતા જ 12 દોષિતો અને તેમના પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. દોષિતોમાં બસપ્પા નાયકા, રાજુ નાયકા, કેમ્પન્ના નાયકા અને પાર્વતી નાયકા સહિત અન્ય મહિલાઓનો પણ સમાવેશ થાય છે. કોર્ટે કુલ 12 અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધી તમામને જેલ ભેગા કરવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં દરરોજ 25 લોકો આપઘાત કરે છે, કારણો ચોંકાવનારા છે

કર્ણાટક સરકાર પર ભારે દબાણ સર્જાયું હતું

આ ઘટના જે સમયે બની ત્યારે બેલગાવીમાં જ વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું, જેના કારણે સિદ્ધારમૈયા સરકાર ભારે દબાણમાં આવી હતી. બાદમાં સરકારે પીડિતાને બે એકર જમીન આપી સહાય કરી હતી. જોકે, આ કેસમાં પોલીસની ભૂમિકા શરૂઆતમાં શંકાસ્પદ રહી હોવા છતાં, જે પોલીસકર્મીઓ અને ગ્રામજનોએ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમને પાછળથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના સાંકળીમાં ઉપસરપંચના ત્રાસથી કોળી યુવકનો આપઘાત

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x