વાવ-થરાદના ગોલપ નેસડામાં 16 પરિવારોએ બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી

Buddhism: વાવ-થરાદના ગોલપ નેસડામાં દલિત-બહુજન સમાજે ડો. આંબેડકરની 22 પ્રતિજ્ઞાઓ સાથે જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવ્યો.
Buddhism in Golap Nesda Vav Tharad

Buddhism: ગુજરાતના સામાજિક ફલક પર અત્યારે એક ધીમી પણ મક્કમ ક્રાંતિ આકાર લઈ રહી છે. વર્ષોથી જાતિવાદ, અસ્પૃશ્યતા અને અસમાનતાનો ભોગ બનેલો દલિત-બહુજન સમાજ હવે પ્રતીકાત્મક વિરોધ છોડીને વૈચારિક પરિવર્તન તરફ વળ્યો છે. આ પરિવર્તનનું કેન્દ્રબિંદુ છે – બૌદ્ધ ધમ્મ. ગુજરાતમાં ધીમી પણ મક્કમ ગતિએ દલિત-બહુજન સમાજ મહાનાયક ડો.આંબેડકરના પગલે ચાલીને બૌદ્ધ ધર્મ અંગિકાર કરી રહ્યો છે.

આવો જ એક પ્રસંગ વાવ-થરાદ જિલ્લામાં બની ગયો. અહીં ગત 15 માર્ચ 2026ના રોજ, બહુજન નાયક માન્યવર કાશીરામ સાહેબની 92મી જન્મજયંતિના અવસરે બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ગોલપ નેસડા ગામે એક ઐતિહાસિક ‘બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ’ યોજાયો હતો. જેમાં 16 પરિવારોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો.

વૈચારિક ‘ઘર વાપસી’ અને સમાનતાનો ઉદ્ઘોષ

મહા ગુજરાત બૌદ્ધ સંઘ અને વાવ-થરાદ ઉપાસક-ઉપાસિકા સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં વાવ-થરાદ વિસ્તારના 16 જેટલા જાગૃત સભ્યોએ જાતિવાદી હિંદુ ધર્મ અને તેની રૂઢિચુસ્ત પરંપરાઓનો ત્યાગ કરીને વિધિવત રીતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આ ઘટના માત્ર ધર્મ પરિવર્તન નથી, પરંતુ આત્મસન્માનની શોધ છે. દીક્ષાર્થીઓના મતે, આ પરિવર્તન એ કોઈ નવો ધર્મ સ્વીકારવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે પોતાના મૂળ ગૌરવ અને માનવીય મૂલ્યો તરફની ‘ઘર વાપસી’ છે.

આ પણ વાંચો: આ છે વિશ્વના સૌથી ધનિક બૌદ્ધ બિઝનેસમેન

સમારોહની શરૂઆત અત્યંત શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી હતી. દીક્ષાર્થીઓએ સૌપ્રથમ વિશ્વવિભૂતિ તથાગત બુદ્ધ અને ભારતીય બંધારણના શિલ્પી બોધિસત્વ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી દીપ પ્રજ્વલિત કર્યો હતો. આ પ્રસંગે વાતાવરણ ‘જય ભીમ’ અને ‘નમો બુદ્ધાય’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

22 પ્રતિજ્ઞાઓ: માનસિક ગુલામીમાંથી મુક્તિનો માર્ગ

દીક્ષાદાયક આયુષ્માન સિંહલ બોધિધર્મનજી દ્વારા દીક્ષાર્થીઓને બૌદ્ધ સંસ્કૃતિ મુજબ યાચના, ત્રિશરણ અને પંચશીલના પાઠ ભણાવવામાં આવ્યા હતા. સૌથી મહત્વનું પાસું ડો. બાબાસાહેબ આંબેડકરની 22 પ્રતિજ્ઞાઓનું સામૂહિક પઠન હતું. આ પ્રતિજ્ઞાઓ વ્યક્તિને અંધશ્રદ્ધા, કાલ્પનિક ભય અને જાતિગત ઉચ્ચ-નીચના ભાવમાંથી મુક્ત કરે છે. દીક્ષાદાયકે ‘અનિત્યતાનો સિદ્ધાંત’ સમજાવતા કહ્યું કે, પરિવર્તન જ સંસારનો નિયમ છે અને માનવીએ પોતાની બુદ્ધિ અને તર્કની કસોટી પર જ સત્યને સ્વીકારવું જોઈએ.

Buddhism in Golap Nesda Vav Tharad

આ પણ વાંચો: બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવા બૌદ્ધ પ્રતિનિધિઓ 5 મંત્રીઓને મળ્યાં

આ આયોજન માત્ર ધાર્મિક નહોતું પણ શૈક્ષણિક અને કાયદાકીય પણ હતું. ગુજરાતમાં ધર્મ પરિવર્તનને લઈને ઘણીવાર ગેરસમજો ફેલાવવામાં આવતી હોય છે, ત્યારે આ સમારોહમાં નિષ્ણાતો દ્વારા દીક્ષાર્થીઓને નક્કર આધાર-પુરાવા સાથે કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય કાયદો 2003/2008 હેઠળ કાયદાકીય રીતે કેવી રીતે અરજી કરવી અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવી તેની સમજૂતી અપાઈ હતી.

આ સિવાય ગૃહ વિભાગનો 2024નો ઠરાવ, જેમાં બૌદ્ધ ધર્મ અપનાવનાર વ્યક્તિના બંધારણીય અધિકારો પરની સ્પષ્ટતા સમજાવાઈ હતી. ત્યારબાદ અનામત અને અધિકારો: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 1991ના ઠરાવ મુજબ, અનુસૂચિત જાતિ (SC) ના સભ્યો બૌદ્ધ ધર્મ અપનાવે તો પણ તેમના અનામતના લાભો સુરક્ષિત રહે છે, તે બાબત પર વિશેષ ભાર મુકાયો હતો. પ્રમાણપત્રોની પ્રક્રિયામાં અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધનું પ્રમાણપત્ર અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર મેળવવાની પદ્ધતિ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદના રાણીપમાં 43 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

ગુજરાતના દલિત-બહુજન સમાજમાં નવો સૂર્યોદય

ગુજરાતમાં જે રીતે દલિત-બહુજન સમાજ શિક્ષિત થઈ રહ્યો છે, તેમ તેમ તે ડો. આંબેડકરના “શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો” ના સૂત્રને ચરિતાર્થ કરી રહ્યો છે. ગોલપ નેસડા જેવા અંતરિયાળ ગામમાં થયેલું આ આયોજન એ વાતની સાબિતી છે કે હવે જાગૃતિ માત્ર શહેરો પૂરતી મર્યાદિત નથી રહી. કાર્યક્રમના અંતે ગોલપ નેસડાના સ્થાનિક બૌદ્ધ પરિવારો—આયુ. વેરશીભાઈ, દાનાજીભાઈ, ગોવિંદભાઈ અને મફાજીભાઈ દ્વારા ભોજનદાન (ધમ્મ ભોજન) આપવામાં આવ્યું હતું. મહા ગુજરાત બૌદ્ધ સંઘે આ સફળ આયોજન બદલ સમગ્ર ગ્રામજનો અને દીક્ષાર્થીઓ પ્રત્યે સાધુવાદ વ્યક્ત કર્યો હતો.

આજના યુગમાં જ્યારે જ્ઞાતિવાદના નામે અવારનવાર અત્યાચારોની ઘટનાઓ સામે આવે છે, ત્યારે બૌદ્ધ ધર્મનો આ માર્ગ લોકોને પ્રેમ, કરુણા અને ભાઈચારાનો સંદેશ આપે છે. ગુજરાતનો દલિત-બહુજન સમાજ હવે સમજી ગયો છે કે સાચી આઝાદી વૈચારિક પરિવર્તનમાં જ છે.

આ પણ વાંચો: ઈઝરાયલમાં PM મોદીને ‘બુદ્ધ’ કેમ યાદ ન આવ્યા?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
4 hours ago

*નપુંસક જાતિવાદ સામે ધર્મ પરિવર્તન એક સાચો માર્ગ છે…! બુદ્ધિજ્મ નાં સૂર્ય ક્રાંતિકારી વીરોને હાર્દિક અભિનંદન સાથે ખુબ ખુબ ધન્યવાદ સાધુવાદ!

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x