મોત જેવી ઘટનાને કોઈ ઈશ્વરી શક્તિ પણ રોકી શકતી નથી. આવી જ એક ઘટના ગીર સોમનાથ જિલ્લાના એક ગામમાં બની છે. જ્યાં માતાજીના ભંડારા સમયે વરસાદમાં ઈલેક્ટ્રિક પેનલના બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે કરંટ લાગતા એક સગીર સહિત ત્રણ લોકોના મોત થયા છે.
મામલો વેરાવળ તાલુકાના સિડોકર ગામનો છે. અહીં રબારી સમાજના આસ્થાના કેન્દ્ર ગણાતા મોમાઈ માતાજીના મઢ ખાતે ઉજવાતો પુંજ ઉત્સવ માતમમાં ફેરવાઈ ગયો હતો. નવરાત્રિની આઠમ અને નોમના પ્રસંગે યોજાયેલા પુંજ ઉત્સવમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી.
પ્રાથમિક વિગતો મુજબ સવારે સાડા ચાર વાગ્યે વરસાદ વરસી રહ્યો હતો. એ સમયે ત્રણ ભક્તો ભંડારા પાસે ચા પીવા માટે ઉભા હતા. એ દરમિયાન વરસાદથી બચવા તેઓ ઈલેક્ટ્રિક પેનલ બોર્ડ નજીક ગયા હતા. અચાનક શોર્ટ સર્કિટ થતાં ત્રણેયને વીજ કરંટ લાગ્યો અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.
આ પણ વાંચો: સુરતમાં સિવિલ હોસ્પિટલમાં બળાત્કારી આસારામના ફોટાની પૂજા-આરતી કરાઈ!
હાલ ત્રણેયના મૃતદેહોને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા છે. ગામમાં મોમાઈ માતાજીનો પુંજ ઉત્સવ વર્ષોથી ભવ્ય રીતે ઉજવાતો આવ્યો છે. આ વખતે પણ બે દિવસીય પુંજ કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ પૂર્ણાહુતિના દિવસે થયેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ છે.
મૃતકોનાં નામ
- ભરત નારણભાઇ ગલચર (18 વર્ષ, તાલાલા)
- હર્ષલ ભરતભાઇ ચૌહાણ (13 વર્ષ, રોણાજ)
- કરશન ગોવિંદ મારુ (45 વર્ષ, વડોદરા ઝાલા)











Users Today : 1724