ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અકસ્માતમાં મૃત્યુ નીપજવાના કેસોમાંથી 35 ટકા જેટલી વ્યક્તિના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હોવાનો એક અહેવાલ સામે આવ્યો છે. આ અહેવાલને પગલે ગુજરાત પોલીસ દ્વારા રાજયમાં ફરીથી હેલ્મેટ ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જે અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ એક પરિપત્ર કરીને રાજ્યની પોલીસને તેના કડક અમલીકરણ માટેની સૂચના આપી છે.
કેન્દ્ર સરકારના એક અહેવાલ મુજબ ગુજરાતમાં અકસ્માત થવાની ઘટનામાં વર્ષ 2023માં કુલ 7,854 વ્યક્તિ તથા વર્ષ 2024માં કુલ 7,542 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી. આ બે વર્ષમાં મૃત્યુ પામેલી વ્યક્તિઓ પૈકીની 35% જેટલી વ્યક્તિના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હોવાનું જણાવાયું છે. જેના અંતર્ગત રાજયમાં દ્વિ-ચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત માટે ગૃહ વિભાગ દ્વારા ફરી કવાયત શરૂ કરવામાં આવી છે. જે અંગે રાજ્યના શહેરી વિસ્તારોમાં અને હાઈવે પર હેલ્મેટ માટે કડક અમલીકરણ કરાવવા માટેની સૂચના આપવામાં આવી છે. જેમાં ટ્રાફિક જવાનોને સાથે રાખી ડ્રાઈવ તથા સીસીટીવીના માધ્યમનો ઉપયોગ કરવા પણ કડક સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, હેલ્મેટ ને લગતી ડ્રાઈવની સૂચનાના પાલન બાદ કામગીરીની વિગતો રજૂ કરવા માટે રાજ્ય પોલીસ વડાએ પરિપત્ર દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચો: ભારતની વધતી વસ્તી વચ્ચે ઘટતો Fertility Rates શું સૂચવે છે?
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે. આ પરિપત્રમાં તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં છેલ્લા બે વર્ષ દરમિયાન માર્ગ પર અકસ્માત થવાના કારણે વર્ષ 2023માં કુલ 7,854 વ્યક્તિ તથા વર્ષ 2024માં કુલ 7,542 વ્યક્તિ મૃત્યુ પામી છે. જેમાં 35% જેટલા વ્યક્તિના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતા. આ ઉપરાંત કુલ જીવ ગુમાવનારમાંથી 25% જેટલા વ્યકિત 26 વર્ષની નીચેની વયના હોય છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ વય જૂથમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સહિતની વ્યકિતઓનો સમાવેશ થાય છે. માર્ગ સુરક્ષા આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો છે. હેલ્મેટ પહેરવું એ એક સરળ અને અત્યંત અસરકારક પગલું છે. હેલ્મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ઘાતક ઇજાના જોખમને ઘટાડી શકાય છે. જે ગંભીર ઇજાઓને રોકી શકવામાં મદદરૂપ થાય છે અને જીવ બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

ડીજીપી વિકાસ સહાયએ પરિપત્રમાં જણાવ્યું છે કે, મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 મુજબ દ્વિ-ચક્રીય વાહન ચાલક તેમજ પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે.
(1 ) ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી ટુલ્સનો ઉપયોગ વધારવો અને તેનો ઉપયોગ કરી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને ઇ-ચલણ ઇસ્યુ કરવાની પ્રક્રિયા સઘન બનાવવા માટે શહેર/જીલ્લાઓ ખાતે આધુનિક સાધનોનો ઉપયોગ (a) CCTV કેમેરા (B) સ્પીડગન (c) ઇન્ટરસેપ્ટર વાન (d) ચાર શહેરો ખાતે POS મશીન (e) VOC એપ. વિગેરેના માધ્યમથી ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ માટે કામગીરી વધુ સઘન બનાવવી.
(2) દ્વિ-ચક્રીય વાહનનો ઉપયોગ કરનાર તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં તેમજ જાહેર જનતામાં “હેલ્મેટ રૂલ” નું કડક અમલીકરણ થાય તે માટે ટ્રાફિક પોલીસ ડિપ્લોયમેન્ટ કરી અસરકારક અમલવારી કરાવવા શહેર/જિલ્લાના વડા મારફત જરૂરી આયોજન સુનિશ્ચિત કરવું.
હેલ્મેટના અમલવારી અંગે કરેલ કામગીરીની આંકડાકીય વિગતો નમુના પત્રક મુજબ દર સોમવારે સવારના 8 વાગ્યા સુધીમાં એસ.ટી.બી. કચેરીના ઇ-મેઇલ ઉપર મોકલી આપવાનું રહેશે.
આ પણ વાંચો: શાળાને બદલે મંદિરમાં પ્રવેશવા માટે દલિત પરિવારોનું આંદોલન










