આસામમાં આદિવાસીઓની 9000 વીઘા જમીન ADANI, DALMIA ને સોંપાઈ!

tribal land handed over to corporates in Assam
પ્રતિકાત્મક તસવીર

આસામના પહાડી જિલ્લા દિમા હસાઓમાં આદિવાસી જમીનોને કોર્પોરેટ હિતો માટે હસ્તાંતરિત કરવાનો મામલો હવે ઉગ્ર બની રહ્યો છે. જિલ્લાના રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ રાજ્ય સરકાર અને ‘નોર્થ કછાર હિલ્સ ઓટોનોમસ કાઉન્સિલ’ (NCHAC) પર બંધારણીય જોગવાઈઓના ઉલ્લંઘનના ગંભીર આક્ષેપો કર્યા છે. સ્થાનિકોનો દાવો છે કે છઠ્ઠી અનુસૂચિ હેઠળ મળેલા રક્ષણને નેવે મૂકીને આદિવાસીઓની પરંપરાગત જમીનો ખાનગી કંપનીઓને પધરાવી દેવામાં આવી રહી છે, જે આદિવાસી સમુદાયના અસ્તિત્વ માટે ખતરો છે.

શનિવારે ૩૧ જાન્યુઆરીના રોજ ઉમરાંગસો ખાતે એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હજારોની સંખ્યામાં સ્થાનિક આદિવાસીઓ અને યુવા સંગઠનો જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કરતા જણાવ્યું હતું કે, વર્તમાન જમીન ફાળવણી પ્રક્રિયા તેમના પૂર્વજોની જમીન પરના અધિકારો અને સ્વાયત્તતાને નબળી પાડી રહી છે.

રાજ્યપાલને હસ્તક્ષેપ કરવા અપીલ કરાઈ

વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસ નેતા બાપોજિત લંગથાસાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને રજૂઆત કરી હતી. રાજ્યપાલને સોંપવામાં આવેલા આવેદન પત્રમાં આગ્રહ કરવામાં આવ્યો છે કે તેઓ બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ મળેલી પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરે અને ગેરકાયદેસર જમીન હસ્તાંતરણ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવે. આ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ખાણકામ, સિમેન્ટ ઉત્પાદન અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સના નામે જે રીતે જમીનો છીનવવામાં આવી રહી છે, તેનાથી સામાજિક અને પર્યાવરણીય સંતુલન બગડી જશે.

આ પણ વાંચો: Save Aravali: વિકાસના નામે અરવલ્લીની પર્વતમાળાને કોનાથી ખતરો?

બે વર્ષમાં આદિવાસીઓની 9000 વીઘા જમીન ફાળવી દેવાઈ

રાજ્યપાલને અપાયેલા અહેવાલમાં રજૂ કરવામાં આવેલા આંકડા અત્યંત ચિંતાજનક છે. આરોપ છે કે છેલ્લા બે વર્ષમાં ઉમરાંગસો વિસ્તારમાં ચૂનાના પત્થર (લાઈમસ્ટોન)ના ખાણકામ માટે 9000 વીઘાથી વધુ આદિવાસી જમીન ફાળવી દેવામાં આવી છે. આ જમીન હસ્તાંતરણની સીધી અસર ઓછામાં ઓછા સાત ગામો પર પડી છે, જ્યાં લોકો પેઢીઓથી વસવાટ કરે છે.

આવેદનપત્ર મુજબ, આ જમીનો અદાણી સમૂહ હસ્તકની અંબુજા સિમેન્ટ્સ, ડાલમિયા ભારત, સ્ટાર સિમેન્ટ અને જેકે લક્ષ્મી સિમેન્ટ જેવી મોટી કંપનીઓને આપવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, જે જમીનને ‘ખાલી’ (Vacant) ગણાવીને ફાળવવામાં આવી છે, ત્યાં વાસ્તવમાં આદિવાસી સમાજ રહે છે અને ખેતી કરીને ગુજરાન ચલાવે છે.

પર્યાવરણના વિનાશની ભીતિ સર્જાઈ

આ પ્રોજેક્ટ્સ માત્ર માનવીય વિસ્થાપન જ નહીં, પણ પર્યાવરણ માટે પણ જોખમી સાબિત થઈ શકે તેમ છે. પ્રદર્શનકારી જૂથોનું કહેવું છે કે આ જમીન ફાળવણી ‘ક્રુંગમિંગ રિઝર્વ ફોરેસ્ટ’ અને માન્યતા પ્રાપ્ત ‘કી બાયોડાયવર્સિટી એરિયા’ની અંદર કરવામાં આવી છે.

આ પણ વાંચો: પેટલાદમાં કોન્ટ્રાક્ટરે દલિતોનું સ્મશાન ખોદી નાખતા અસ્થિ બહાર દેખાયા!

આ વિસ્તાર લુપ્તપ્રાય ‘વ્હાઈટ-રમ્પડ વલ્ચર’ (સફેદ પીઠ ધરાવતા ગીધ)નું કુદરતી નિવાસસ્થાન છે અને વિદેશી પક્ષી ‘અમૂર ફાલ્કન’ માટે મહત્વનું રોકાણ સ્થળ છે. આ ઉપરાંત, આ વિસ્તારમાં હાથીઓના અવરજવર માટેના કોરિડોર પણ આવેલા છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વધવાથી વન્યજીવો અને માનવીઓ વચ્ચેના સંઘર્ષમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.

વળતરમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો

સ્થાનિક નેતાઓએ વધુ એક ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, જે પરિવારો વિસ્થાપિત થયા છે તેમને વળતર આપવાના નામે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, સત્તાવાર રેકોર્ડ અને ટેક્સની પહોંચ હોવા છતાં, 77 અસલી આદિવાસી પરિવારોને વળતરની યાદીમાંથી બહાર કરી દેવાયા છે. આરોપ છે કે વળતરની રકમ બોગસ લાભાર્થીઓને વહેંચી દેવામાં આવી છે, જેના કારણે ખરેખર પીડિત પરિવારો હવે નિરાધાર બન્યા છે.

જળવિદ્યુત પ્રોજેક્ટ અને ડૂબમાં જવાનો ભય

માત્ર ખાણકામ જ નહીં, પરંતુ 1250 મેગાવોટના ‘પમ્પ્ડ-સ્ટોરેજ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ’ને લઈને પણ લોકોમાં ભારે રોષ છે. આ પ્રોજેક્ટ આસામ પાવર જનરેશન કોર્પોરેશન લિમિટેડ (APGCL) અને અદાણી ગ્રીનની ભાગીદારીમાં પ્રસ્તાવિત છે.

આશંકા છે કે આ પ્રોજેક્ટને કારણે પહાડી ઢોળાવ પરની ‘ઝૂમ ખેતી’ની જમીનનો મોટો હિસ્સો પાણીમાં ગરકાવ થઈ જશે. ભૂસ્ખલન અને ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ આ વિસ્તારમાં મોતી લમ્પૂ, મોતી હોજઈ અને રિયામ બાથરી જેવા ગામો સંપૂર્ણપણે નાશ પામે તેવો ખતરો મંડરાઈ રહ્યો છે.

આ પણ વાંચો: રવિદાસ જયંતિની ઉજવણી લોહીયાળ બની, ગોળીબારમાં 2 ના મોત

કાયદાકીય પ્રક્રિયાનો અભાવ

રાજ્યપાલને અપાયેલા પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, જમીન સંપાદન માટેના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું છે. કોઈપણ સામાજિક પ્રભાવ આકારણી (SIA) કે જનસુનાવણી કરવામાં આવી નથી. ગ્રામ્ય સત્તાધિકારીઓની પૂર્વ સંમતિ લેવાને બદલે વહીવટીતંત્રે જોહુકમી ચલાવી છે. આદિવાસી નેતાઓના મતે, છઠ્ઠી અનુસૂચિ ધરાવતા વિસ્તારોમાં જમીન માલિકીની પરંપરાગત પદ્ધતિ હોય છે, જેનો લાભ ઉઠાવીને અધિકારીઓ જમીનને બિનવારસી જાહેર કરી રહ્યા છે.

સૌની નજર રાજ્યપાલના નિર્ણય પર

દિમા હસાઓના આદિવાસી નેતાઓએ ચેતવણી આપી છે કે જો સરકાર અને રાજ્યપાલ તાત્કાલિક હસ્તક્ષેપ નહીં કરે, તો આ પ્રદેશની સંસ્કૃતિ અને પર્યાવરણને ક્યારેય ન ભરી શકાય તેવું નુકસાન થશે. ‘ઈન્ડો-બર્મા બાયોડાયવર્સિટી હોટસ્પોટ’માં આવતો આ પ્રદેશ જો કોર્પોરેટના તાબે થશે, તો તે આવનારી પેઢીઓ માટે આત્મઘાતી સાબિત થશે. હવે સૌની નજર રાજ્યપાલના નિર્ણય પર ટકેલી છે.

આ પણ વાંચો: ઈંટો ઉપાડતી માતાના પુત્રને કેલિફોર્નિયા યુનિ.એ 75 લાખની સ્કોલરશીપ આપી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x