દર વર્ષે ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થાય છે ત્યારે અનેક એવા અજાણ્યા તેજસ્વી તારલાઓની કહાની સામે આવે છે જેઓ ભારે વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ ભણીને પોતાના પરિવારનું અને સમાજનું નામ રોશન કરતા હોય છે. આવું જ એક પ્રેરણાત્મક ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં એક દલિત વિદ્યાર્થીએ આખું વર્ષ ઉઘાડા પગે સ્કૂલે જઈને ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે. આ સાથે જ તે દલિત છોકરો તેના ગામમાં અત્યાર સુધીમાં 10મું ધોરણ પાસ કરનાર પહેલો વિદ્યાર્થી બની ગયો છે.
જાતિવાદ અને ભેદભાવ માટે કુખ્યાત યુપીમાં દલિતો કેવી દારૂણ પરિસ્થિતિમાં જીવન જીવવા મજબૂર છે તેના સેંકડો કિસ્સાઓ આપણે વાંચ્યા છે. પરંતુ દલિત સમાજના હોનહાર બાળકો ભલભલી કઠણ પરિસ્થિતિ વચ્ચે પણ પોતાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે અડગ રહે છે અને તેનું વધુ એક ઉદાહરણ છે.
ઉત્તરપ્રદેશના 15 વર્ષના રામકેવલની સફળતાની કહાની
યુપીના બારાબંકી જિલ્લાના એક નાના દલિત બહુમતીવાળા ગામ નિઝામપુરથી આ પ્રેરણાદાયક સમાચાર આવ્યા છે. ૧૫ વર્ષના રામકેવાલે એ કરી બતાવ્યું છે જે આજ સુધી તેના ગામમાં કોઈ કરી શક્યું નથી. રામકેવલ ૧૦મા ધોરણની બોર્ડ પરીક્ષા પાસ કરનાર પોતાના ગામનો પ્રથમ વિદ્યાર્થી બન્યો છે. ઉત્તરપ્રદેશ બોર્ડના પરિણામો 25 એપ્રિલે જાહેર થયા હતા. પરંતુ રામકેવલની સિદ્ધિના સમાચાર ત્યારે પ્રકાશમાં આવ્યા જ્યારે તેના સંઘર્ષ અને હિંમતની મીડિયામાં ચમકી.
રામકેવલ દિવસે અભ્યાસ કરે છે અને રાત્રે લગ્નોમાં પેટ્રોમેક્સ લાઈટ માથે ઉપાડવાની મજૂરી કરે છે. આ કામના તેને પ્રતિ રાતના રૂ. ૨૫૦ થી રૂ. ૩૦૦ મળે છે. તેને વર્ષમાં 20 થી 40 દિવસ આ કામ મળે છે, જેનાથી તે પોતાના ઘરનો ખર્ચ કાઢે છે અને અભ્યાસ માટે સામગ્રી ખરીદે છે.
પત્રકારો સાથે વાત કરતા રામકેવલ કહે છે, “હું મારા પુસ્તકો અને સ્ટેશનરી જાતે ખરીદું છું. જો મને લગ્નમાં પેટ્રોમેક્સ લાઈટ ઉચકવાનું કામ ન મળે તો હું ખેતરોમાં મજૂરી કરું છું. હું મોટે ભાગે રાત્રે અભ્યાસ કરું છું.”
તેની માતા પુષ્પા ગામની સરકારી પ્રાથમિક શાળામાં રસોઈયા તરીકે કામ કરે છે, જ્યારે પિતા જગદીશ પ્રસાદ ખેતમજૂર છે. રામકેવલના પિતા ક્યારેય શાળાએ ગયા નથી અને માતાએ ફક્ત પાંચમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો.
ગામના મોટાભાગના બાળકો ધો. 5 પછી અભ્યાસ છોડી દે છે
નિઝામપુરની શાળા ફક્ત પાંચમા ધોરણ સુધીની છે. એ પછી, વિદ્યાર્થીઓને 5 કિલોમીટર દૂર અહમદપુરની સરકારી હાઇસ્કૂલમાં પ્રવેશ લેવો પડે છે. પરંતુ મોટાભાગના બાળકો કાં તો અભ્યાસ અધવચ્ચે જ છોડી દે છે અથવા દસમા ધોરણમાં નાપાસ થઈ જાય છે.
આ પણ વાંચો: દલિત સમાજમાંથી આવતા Justice B R Gavai દેશના નવા CJI બનશે
રામકેવલ કહે છે, “મારા ગામના બે અન્ય છોકરાઓ સાથે હું અહમદપુરની શાળામાં દાખલ થયો હતો. લવલેશે આઠમા ધોરણમાં અભ્યાસ છોડી દીધો હતો અને આ વર્ષે નાપાસ થયેલો મુકેશ આવતા વર્ષે ફરી પ્રયાસ કરશે.”
રામકેવાલે હવે ૧૧મા ધોરણમાં પ્રવેશ લીધો છે અને તે એન્જિનિયર બનવાનું સપનું જુએ છે. તેની માતા પુષ્પા કહે છે, “અમારા ચાર બાળકો છે – બે દીકરા અને બે દીકરીઓ. રામકેવલ સૌથી મોટો છે. તેણે ક્યારેય અમારી પાસે પૈસા માંગ્યા નથી. તે ખૂબ જ મહેનત કરે છે. જો તેને કામ ન મળે તો તે ખેતરમાં મજૂરીએ જાય છે અને રાત્રે અભ્યાસ કરે છે.”
રામકેવલના ભણતરની જવાબદારી સરકાર ઉપાડશે
બે દિવસ પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક ત્રિપાઠીએ રામકેવલ અને તેના માતાપિતાને તેમની ઓફિસમાં બોલાવ્યા હતા અને જાહેરાત કરી કે હવે જિલ્લા વહીવટીતંત્ર રામકેવલના આગળના અભ્યાસની જવાબદારી ઉપાડશે.
જિલ્લા શાળા નિરીક્ષક ઓ.પી. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “હાલ રામકેવલ માટે તેના ધોરણ ૧૨ સુધીના અભ્યાસ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ અમે તેની ખાતરી આપીએ છીએ કે તે ઇચ્છે તેટલો અભ્યાસ કરી શકે.”
કલેક્ટર મળવા આવવાના હતા પણ રામકેવલ પાસે સારા કપડા નહોતા
ગામલોકોએ જણાવ્યું કે જ્યારે રામકેવલના શિક્ષકોને ખબર પડી કે કલેક્ટર તેને મળવા આવવાના છે ત્યારે તેમણે તેમના વિદ્યાર્થી માટે નવા કપડાં અને જૂતા ખરીદ્યા. કારણ કે રામકેવલ અત્યાર સુધી ઉઘાડા પગે શાળાએ જતો હતો.
રામકેવાલની સફળતાએ ગામમાં નવી ઉર્જા ભરી દીધી છે. હવે તેની સમાજના અન્ય બાળકો પણ આગળ ભણવાનું સપનું જોતા થયા છે. લવલેશ નામના વિદ્યાર્થીના પિતા નાનકુએ કહ્યું, “મેં 8 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને ખેતમજૂરી કરું છું. પણ હવે હું ઇચ્છું છું કે મારો દીકરો ફરીથી અભ્યાસ શરૂ કરે. શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે.”
રામકેવલે અનેક પરિવારોમાં આશાનો સંચાર કર્યો
ગામની ઘણી મહિલાઓએ પણ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે હવે તેઓ તેમના બાળકોને શિક્ષિત કરવા માટે પહેલા કરતાં વધુ દૃઢનિશ્ચયી છે. એક એવા ગામમાં જ્યાં સપના જન્મતા પહેલા જ મરી જતા હતા, ત્યાં હવે એક દલિત બાળકે ન માત્ર આશાનો દીપ જલાવ્યો છે, પરંતુ આખા ગામની આશાઓને રોશન કરી દીધી છે.
આ પણ વાંચો: ઘેટાં-બકરાં ચરાવતો યુવક UPSC પરીક્ષા પાસ કરી IPS બન્યો