અમદાવાદના અસલાલી પાસેના ભાત ગામમાં ઠાકોર સમાજના લોકોએ દલિત પરિવારના લગ્નપ્રસંગે તોફાન મચાવ્યું હતું. મળતી માહિતી મુજબ લગ્ન દરમિયાન ગરબા રમતી એક દલિત મહિલા સાથે ઠાકોર સમાજના એક યુવકે બાઈક અથડાવ્યું હતું. જેના કારણે મહિલા જમીન પર પટકાઇ હતી. એ દરમિયાન મહિલાના પરિવારજનોએ યુવકની બાઈકની ચાવી કાઢી લીધી હતી. જેની અદાવત રાખીને ઠાકોર યુવક ઘરે ગયો હતો અને તેના પરિવારજનો અને સાગરિતોને લઈને આવ્યો હતો અને લગ્નપ્રસંગના જમણવાર દરમિયાન લાકડીઓ સહિત તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. જેમાં 7 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ મામલે દલિત પરિવારે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા આરોપીઓએ પણ સામી ફરિયાદ નોંધાવી છે. અસલાલી પોલીસે બંને જૂથના 25 લોકો સામે બે ફરિયાદ નોંધી 10 આરોપીની ધરપકડ કરી છે.

ઠાકોરોએ તિક્ષ્ણ હથિયારોથી જમણવાર પર હુમલો કર્યો
આ કેસની મળતી માહિતી મુજબ અસલાલીના ભાત ગામમાં રહેતા પ્રવીણભાઇ રોહિત કાસીન્દ્રાની એક હોસ્પિટલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ગત તા. 5 મેએ તેમના સાથીકર્મી ગૌરીબેન પરમારની પુત્રીના લગ્ન હોવાથી તેઓ ત્યાં ગયા હતા. જ્યારે કન્યાપક્ષના માંડવે જાન આવી ત્યારે ગામના જ ઠાકોર સમાજના કેટલાક લોકો લાકડીઓ, પાઇપો અને તીક્ષ્ણ હથિયારો સાથે આવ્યા હતા અને જાતિવિષયક અપશબ્દો બોલીને ધમકી આપવા લાગ્યા હતા.
આ પણ વાંચો: યે હમ કશ્મીરિયોં કે મહેમાન હૈ, ઈન્હે મત મારો..

આ શખ્સોએ જમણવારમાં હાજર લોકો પર હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં ચાર લોકોને ઇજાઓ થઇ હતી. જે બાદ આસપાસના લોકોએ આવીને મામલો થાળે પાડ્યો હતો.
ઠાકોર યુવકે ગરબા રમતી મહિલા સાથે બાઈક અથડાવ્યું હતું
આ ઘટના મુદ્દે પ્રવીણભાઇએ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે, ભાત ગામનો ઠાકોર સમાજનો એક યુવક બાઇક લઇને અહીંના આંબેડકર ચોકમાં ગયો હતો. ત્યાં દલિત સમાજના લગ્નપ્રસંગમાં લોકો ગરબા રમતા હતા, છતાં ઠાકોર યુવકે ત્યાં બાઈક ચલાવીને ગરબા રમતી એક મહિલાને પાડી દીધી હતી. સ્વાભાવિક રીતે જ તેનાથી લગ્નમાં આવેલા લોકો ઉશ્કેરાઈ ગયા હતા. એ દરમિયાન કોઈએ યુવકના બાઈકની ચાવી કાઢી લીધી હતી. આ ઘટનાની દાઝ રાખીને બાઈકચાલક યુવક ઘરે જઈને પોતાના માણસોને લઈને આવ્યો હતો અને દલિત સમાજના લગ્નપ્રસંગમાં હુમલો કરી દીધો હતો. પ્રવીણભાઇએ આ મામલે 14 લોકો સામે ફરિયાદ નોધાવી છે.
એટ્રોસિટીની સામે આરોપીઓએ ક્રોસ ફરિયાદ નોંધાવી
એટ્રોસિટીની દરેક મોટી ઘટનામાં હવે સવર્ણોએ સામી ફરિયાદ કરવાની એક પેટર્ન બનાવી દીધી છે. આ ઘટનામાં પણ આવું જ થયું હતું. આરોપી મોન્ટુભાઇ ઠાકોરે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે તા. 5 મેએ તે તેના પિતરાઇ ભાઇ અને મિત્ર ધો.12નું રિઝલ્ટ લેવા બાઇક પર જતા હતા ત્યારે આંબેડકર ચોકમાં લગ્નપ્રસંગ ચાલતો હોવાથી બાઇક ઊભું રાખતા ગરબા રમતી મહિલા અથડાતા પડી ગઇ હતી. તેથી ત્યાં હાજર લોકોએ બાઇકની ચાવી કાઢી લીધી હતી અને ઝઘડો કર્યો હતો.
આ બાબતને લઇને ઉશ્કેરાયેલા લોકોએ થોડી વાર બાદ ધિંગાણુ સર્જીને પથ્થરમારો કરીને લાકડીથી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે અસલાલી પોલીસે બંને પક્ષના લોકો સામે સામસામે ફરિયાદ નોંધી 10 આરોપીની ધરપકડ કરીને 8 લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: આંબેડકર જયંતિએ ડીજે વગાડતા દલિત યુવકની ગોળી મારી હત્યા










