દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલા NEET-UG વિરોધી આંદોલનની જ્વાળા હવે દક્ષિણ ભારત સુધી પહોંચી ગઈ છે. ચેન્નાઈના એગ્મોર સ્થિત રાજરત્નમ સ્ટેડિયમ ખાતે પા. રંજિથના ‘નીલમ કલ્ચરલ સેન્ટર’ દ્વારા યોજાયેલા વિશાળ વિરોધ પ્રદર્શનમાં પ્રખ્યાત તમિલ ડિરેક્ટર વેટ્રીમારને NEET પરીક્ષા સામે સૌથી અગત્યનો અને તાર્કિક મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો હતો કે NEET જેવી કેન્દ્રીયકૃત પરીક્ષા પદ્ધતિ દેશના દલિતો, વંચિતો અને ગરીબ સમાજના બાળકો પાસેથી તબીબી શિક્ષણ (મેડિકલ અભ્યાસ) મેળવવાનો મૂળભૂત અધિકાર છીનવી રહી છે. તેમણે નીટ પરીક્ષા રદ કરવાની માંગ કરી છે.
સુધારા નહીં, NEET ને સંપૂર્ણ નાબૂદ કરવાની માંગ
વેટ્રીમારને પોતાના પ્રબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે ‘ફેર NEET’ (નિષ્પક્ષ કે પારદર્શી NEET) ની વાત કરવાનો કોઈ અર્થ નથી રહ્યો, પરંતુ આ પરીક્ષાને દેશમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરવી એ જ એકમાત્ર ઉકેલ છે. તેમણે કહ્યું કે, “જો વિદ્યાર્થીઓને પોતાના મૂળભૂત અધિકારો માટે રસ્તા પર ઊતરવાની નોબત આવતી હોય, તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે બંધારણીય સંસ્થાઓ અને સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે. NEET એ માત્ર એક પરીક્ષા નથી, પરંતુ તે ગરીબ અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓને ડૉક્ટર બનતા રોકવા માટે ઊભી કરાયેલી એક સામાજિક અને આર્થિક દીવાલ છે.”

આ પણ વાંચોઃ મારા પિતાએ જે વેઠ્યું તે હું ફિલ્મોમાં બતાવું છુંઃ મારી સેલ્વરાજ
ગ્રાઉન્ડ રિઆલિટી અને વિદ્યાર્થીઓનું આર્થિક શોષણ
પોતાના આક્ષેપના સમર્થનમાં ગ્રાઉન્ડ રિઆલિટી રજૂ કરતાં વેટ્રીમારને જણાવ્યું કે તેઓ આ પરીક્ષાના બોજ અને તેની આડઅસરોને ખૂબ નજીકથી જોઈ રહ્યા છે. તેમણે કહ્યું, “મારા પોતાના મિત્રના બાળકોએ NEET પાસ કરવા માટે તેમના જીવનનું 1 આખું શૈક્ષણિક વર્ષ હોમવું પડ્યું છે. જે પરિવારો પાસે ખાનગી કોચિંગ સેન્ટરોની લાખો રૂપિયાની ફી ભરવાના પૈસા નથી, તે દલિત અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાંથી આપોઆપ બહાર થઈ જાય છે.” તેમણે ઉમેર્યું કે આ સિસ્ટમ આપણને સરકાર અને ખાનગી કોચિંગ માફિયાઓ સામે લાચાર બનાવીને ઊભા રાખી દે છે, જે સામાજિક ન્યાયના સિદ્ધાંતોની તદ્દન વિરુદ્ધ છે.
વિજય સરકારનું મૌન અને દલિત નેતૃત્વની નિષ્ક્રિયતા
આ જ મંચ પરથી પ્રખ્યાત ડિરેક્ટર પા. રંજિથ અને અન્ય કલાકારોએ તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની મૌન ધારણ કરવાની નીતિ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પા. રંજિથે સવાલ ઉઠાવ્યો હતો કે કેબિનેટમાં 8 દલિત મંત્રીઓ હોવા છતાં, મંત્રી વન્ની અરાસુ સિવાય બાકીના 7 મંત્રીઓમાંથી કોઈ પણ એક પણ વાર દલિત વિદ્યાર્થીઓના આ શૈક્ષણિક શોષણ સામે કેમ નથી બોલ્યા? તેમણે માંગ કરી કે સરકારે વિદ્યાર્થીઓ સાથે ઊભા રહેવું જોઈએ.
આ પણ વાંચોઃ Pa. Ranjith એ તમિલનાડુ સરકાર પર દલિતો મુદ્દે નિશાન સાધ્યું

આ વિરોધ પ્રદર્શનમાં ડિરેક્ટર અમીર, ગાયક અરિવુ, સંગીતકાર સાઈ અભ્યંકર અને અભિનેત્રી એન્ડ્રિયા જેરેમિયાએ પણ વેટ્રીમારનના આંકલનને સમર્થન આપ્યું હતું. રવીન્દ્રનાથ ટાગોરની “જ્યાં જ્ઞાન મુક્ત હોય” ની પંક્તિ ટાંકીને ઉપસ્થિત તમામ કલાકારોએ એકસૂરે કહ્યું હતું કે, શિક્ષણ અને જ્ઞાન મેળવવું એ દરેક નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે. જો NEET જેવી પદ્ધતિ દલિત અને વંચિત સમાજને તબીબી ક્ષેત્રથી વંચિત રાખતી હોય, તો આખી સિસ્ટમને જ બદલી નાખવાની જરૂર છે.
આ પણ વાંચોઃ હિન્દી ફિલ્મોમાં હીરોની જાતિ હંમેશા ‘સવર્ણ’ જ કેમ હોય છે?














Absolutely right 👍