દલિતોના વાળ ન કાપવા પડે એટલે વાળંદોએ દુકાનો બંધ કરી દીધી

વાળંદો દલિતોના વાળ કાપતા નહોતા. પોલીસે કાયદાનો ડર બતાવ્યો તો વાળંદોએ દલિતોના વાળ-દાઢી કરી આપવાને બદલે બધી દુકાનો જ બંધ કરી દીધી.
dalit news

જાતિવાદ માટે આમ તો ઉત્તરપ્રદેશ કુખ્યાત છે, દક્ષિણ ભારતના રાજ્યોને આપણે મોટાભાગે પ્રગતિશીલ માનીએ છીએ. પરંતુ ક્યારેક સાઉથ ઈન્ડિયામાંથી પણ જાતિ ભેદભાવની કેટલીક એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે, જે યુપી, એમપી કે રાજસ્થાનને પણ પાછળ છોડી દેતી હોય છે. આવી જ એક ઘટના કર્ણાટકમાંથી સામે આવી છે. જ્યાં એક ગામમાં વાળંદોએ દલિતોના વાળ ન કાપવા પડે તે માટે એક સાથે બધી દુકાનોને તાળાં મારી દીધાં હતા.

ઘટના કર્ણાટકના કોપ્પલ જિલ્લાના મુડ્ડાબલ્લી ગામની છે. અહીં આઝાદીના સાત દાયકા પછી પણ વાળંદો દલિત સમાજના લોકોના બાલ-દાઢી કરતા નથી. સવર્ણ જાતિના લોકોની એવી ધાક છે કે, વાળંદો દલિતોના વાળ કાપવા ઈચ્છે તો પણ તેમ કરી શકતા નથી. આ મામલે દલિત સમાજના લોકોએ એક થઈને અવાજ ઉઠાવ્યો હતો. જેના કારણે પોલીસે દરમિયાનગીરી કરીને વાળંદોને ચેતવણી આપી હતી કે, જો દલિતોના વાળ નહીં કાપો તો જેલ ભોગવવા તૈયાર રહેજો.

આ પણ વાંચો: પોલીસના ખૌફને કારણે 187 દલિત-આદિવાસીઓએ ગામ છોડી દીધું

જોકે પોલીસની આ ચેતવણીની પણ વાળંદો પર કોઈ અસર થઈ નહોતી અને તેમણે તેમણે દલિતોના વાળ કાપવાને બદલે એકસાથે બધી જ દુકાનો બંધ કરી દીધી હતી. મુડ્ડાબલ્લી ગામ કોપ્પલ જિલ્લા મથકથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલું છે. હવે વિચારો કે જિલ્લા મથકની સાવ નજીકના ગામમાં આ હદની અસ્પૃશ્યતા પ્રવર્તતી હોય તો અંતરિયાળ ગામડાઓમાં શું સ્થિતિ હશે?

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બે મહિના પહેલા આ પ્રકારની ફરિયાદો ઉઠી હતી. એ વખતે ગામના વાળંદો દલિત પુરુષોને વાળ કાપવા કે દાઢી કરી દેવાનો ઇનકાર કરી રહ્યા હતા. પોલીસે આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો અને ‘અસ્પૃશ્યતા’ કાયદા હેઠળ કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ વાળંદોએ દલિતોના વાળ કાપવાનું શરૂ કર્યું હતું.

જોકે, હવે એવા સમાચાર છે કે વાળંદો જાણી જોઈને દલિત ગ્રાહકોથી અંતર રાખી રહ્યા છે અને અન્ય જાતિના લોકોના ઘરે જઈને વાળ કાપી રહ્યાં છે. આ ભેદભાવને કારણે, મુડ્ડાબલ્લીના દલિત પુરુષોને બાલ-દાઢી કરાવવા માટે કોપ્પલ શહેરમાં જવું પડે છે.

આ પણ વાંચો: શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?

અહીં એ યાદ રાખવું જોઈએ કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને તેના નેતા રાહુલ ગાંધી હાથમાં દેશનું બંધારણ લઈને ફરે છે અને દલિતોના હિત અને હકની વાત કરે છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ખુદ દલિત સમાજમાંથી આવે છે અને કર્ણાટકના છે. તેમ છતાં તેમના જ હોમ સ્ટેટમાં તેઓ દલિતો સાથે થતા અન્યાયમાં ન્યાય અપાવી શકતા નથી. એવામાં તેઓ આખા દેશના દલિતોને ન્યાય અપાવવાની વાત કેવી રીતે કરતા હશે?

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, ભાજપ કોપ્પલ જિલ્લા એકમના પ્રમુખ બસવરાજ દાદેસાગુરુએ રાજ્ય સરકારની ઉદાસીનતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર દલિતો સાથે થઈ રહેલા ભેદભાવ પ્રત્યે ઉદાસીન રહે છે. સમાનતા અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવા જોઈએ.”

આ પણ વાંચો: કર્ણાટકમાં ‘દલિત મુખ્યમંત્રી’ ની માંગણીએ જોર પકડ્યું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
4 months ago

*વાળંદો ને ભૂખ્યા મરવા દો, ત્યારે જ દલિતોની પીડા સમજાશે! ત્યારે જ લોકોની આંખો ખુલશે! ધન્યવાદ!

શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x