ભારતની જીત: હોંગકોંગે બુદ્ધના અવશેષોની હરાજી અટકાવી

હોંગકોંગમાં તથાગત બુદ્ધના 1800 અવશેષોની હરાજી થવાની હતી. પરંતુ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયે તેની સામે વિરોધ નોંધાવતા હરાજી રોકી દેવાઈ છે.
buddha relics

આખરે બુદ્ધિષ્ઠોની મહેનત રંગ લાવી છે અને ભારત સરકારના દબાણના કારણે હોંગકોંગમાં થનારી તથાગત બુદ્ધના 1800 જેટલા અવશેષોની હરાજી રોકી દેવામાં આવી છે. ૭ મેના રોજ હોંગકોંગમાં તથાગત બુદ્ધના વારસાની હરાજી કરવામાં આવનાર હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હરાજીમાં મોતી, માણેક, પોખરાજ, નીલમ અને પેટર્નવાળી સોનાની ચાદર સહિત 1,800 બૌદ્ધ અવશેષોની બોલી લગાવવામાં આવનાર હતી. પરંતુ ભારતના બૌદ્ધોએ ભારત સરકારને આ હરાજી રોકવા માટે વિનંતી કરી હતી. એ પછી સંસ્કૃતિ મંત્રાલયે હરાજી કરનાર એજન્સી અને હોંગકોંગ સરકારને ઈમેઈલ કર્યો હતો. ત્યારબાદ આ હરાજી રોકી દેવામાં આવી છે.

વિલિયમ પેપેના વંશજોએ હરાજી યોજી હતી

ઉલ્લેખનીય છે કે, આ એ જ અવશેષો છે જે ઈ.સ. 1898 માં બ્રિટિશ શાસન દરમિયાન ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના પિપરાહવા સ્તૂપમાંથી વિલિયમ ક્લેક્સ્ટન પેપે દ્વારા ખોદવામાં આવ્યા હતા અને બ્રિટિશ સરકારે તેનો કબજો લઈ તેનો એક ભાગ ક્લેક્સ્ટન પેપેને આપ્યો હતો. 7 મેના રોજ, ક્લેક્સ્ટન પેપેના ચોથા વંશજ હોંગકોંગના સોથબીજ ખાતે આ 2500 વર્ષ જૂના અવશેષોની હરાજી કરવામાં આવનાર હતી.

આંબેડકરવાદીઓ-બૌદ્ધોએ હરાજીનો વિરોધ કર્યો હતો

આંબેડકરવાદીઓ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ આ હરાજીને ભારતના વારસા અને બૌદ્ધ આસ્થાનું અપમાન ગણાવી ભારત સરકારને અપીલ કરી હતી કે આ હરાજી રોકીને અવશેષોને સાચવીને ભારત લાવવામાં આવે કારણ કે ભારત આ અવશેષોનું અસલી માલિક છે. બૌદ્ધોની અપીલ બાદ ભારત સરકારે ઈમેઈલ કરીને હરાજીનો વિરોધ કર્યો હતો. એ પછી હરાજી રોકી દેવામાં આવી છે. આ હરાજી 7 મેના રોજ થવાની હતી. આ હરાજી રોકવામાં સંસ્કૃતિ મંત્રાલયે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સંસ્કૃતિ મંત્રાલયે હરાજી રોકાઈ હોવાનું જણાવ્યું

સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જારી કરાયેલી PIB ની પ્રેસ રિલીઝ અનુસાર ભારતને મીડિયા દ્વારા હરાજી વિશે જાણ થતાં જ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશકે હોંગકોંગ સ્થિત ભારતીય કોન્સ્યુલેટના માધ્યમથી આ હરાજીને રોકવા જણાવ્યું હતું. તે જ દિવસે, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ બાબતે યુકેના સંસ્કૃતિ મંત્રી લિસા નૈંડી સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે આ અવશેષો કરોડો બૌદ્ધ ધર્મીઓ માટે ધાર્મિક મહત્વ ધરાવે છે તેથી તેની હરાજી ન થવી જોઈએ.
ભારતીય એમ્બેસીએ યુકે, હોંગકોંગમાં મુદ્દો ઉઠાવ્યો

આ પણ વાંચો: ઘેટાં-બકરાં ચરાવતો યુવક UPSC પરીક્ષા પાસ કરી IPS બન્યો

buddha relics

૫ મેના રોજ સંસ્કૃતિ મંત્રાલયે સોથેબી અને ક્રિસ પેપેને કાનૂની નોટિસ મોકલી હતી. વિદેશ મંત્રાલયે યુકે અને હોંગકોંગમાં ભારતીય દૂતાવાસો દ્વારા પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. 6 મેના રોજ, એક ઉચ્ચ સ્તરીય ભારતીય ટીમે હોંગકોંગમાં સોથેબીના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને સમજાવ્યું કે બુદ્ધના આ અવશેષો ફક્ત ઐતિહાસિક જ નથી પરંતુ પવિત્ર વારસો પણ છે, જે ભારતની મિલકત છે અને બ્રિટિશ કાળ દરમિયાન ભારતમાંથી છીનવીને લઈ લેવામાં આવ્યા હતા.

અનેક સંસ્થાઓનું દબાણ કામ કરી ગયું

6 મેના રોજ મોડી રાત્રે, હરાજી કરનારે ઇમેઇલ દ્વારા જાણ કરી કે હરાજી મુલતવી રાખવામાં આવી છે અને આ મામલે વધુ ચર્ચા કરવામાં આવશે. બીજા દિવસે સોથેબીની વેબસાઇટ પરથી હરાજીનું પેજ દૂર કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રયાસને યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ, યુનેસ્કોના ડિરેક્ટર ક્રિસ્ટા પિક્કટ, ભારત અને શ્રીલંકા સહિત અનેક બૌદ્ધ સંસ્થાઓ, પ્રોફેસર નમન આહુજા અને મીડિયા દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.

બુદ્ધના અવશેષોને ભારત લાવવા માંગ ઉઠી

હોંગકોંગમાં બુદ્ધના આ અવશેષોની હરાજી અટક્યા બાદ તેને ભારત લાવવાની માંગ તેજ બની છે. બૌદ્ધ ધર્મીઓનું કહેવું છે કે, 1800 જેટલા આ અવશેષોને ભારતમાં પરત લાવીને ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગર સ્થિત પિપરહવામાં જ ફરીથી તેનું મ્યુઝિયમ બનાવીને ગૌરવ વધારવું જોઈએ.

બુદ્ધના આ અવશેષોના આગમનથી સિદ્ધાર્થનગરના પ્રવાસનને પણ વેગ મળશે. સિદ્ધાર્થનગરના લોકોનું કહેવું છે કે હરાજી બંધ કરીને દેશનું સન્માન તો બચી ગયું પરંતુ આ અવશેષોને જો તેના અસલી સ્થળે પાછા મૂકવામાં આવે તે જરૂરી છે.

આ પણ વાંચો: દલિત વરરાજાને ઘોડી પર બેઠેલો જોઈ સવર્ણ મહિલાએ પથ્થરમારો કર્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
3 months ago

*દેશવિદેશના આમ્બેડકરવાદીઓ, દેશવિદેશના બૌદ્ધ સમુદાયો તેમજ ભારત સરકારનાં સાંસ્કૃતિક વિભાગ દ્વારા સુનિશ્ચિત થયું કે બૌદ્ધોની વિરાસતની હરાજી કરવામાં આવશે નહિ, એટલે કર્મઠ અને કર્મશીલોને મારાં હાર્દિક અભિનંદન સાથે સરાહનીય કદમ બદલ ખુબ ખુબ ધન્યવાદ સાધુવાદ!

શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x