અરવલ્લીના કોલીખડ ખાતે આવેલ યુનિટી પાર્ટી પ્લોટની સામે ધનસુરા હાઇવે કોલીખડ ખાતે તારીખ 11 ને રવિવારના રોજ મોડાસા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા પાંચમા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 27 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.
કાર્યક્રમમાં સભારંભના અધ્યક્ષ તરીકે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના મુખ્ય મહેમાન તરીકે રાકેશભાઈ શાહ તેમજ સંત શિરોમણિ રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નટુભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ડો.આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને ‘જય ભીમ’ નારા સાથે અને સંત રવીદાસ અમર રહોના નારા સાથે મહામાનવોને યાદ કરીને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ‘ઈસ કમબખ્ત મુલ્ક મેં ચમાર કભી Prime Minister નહીં બન સકતા..’
મોડાસિયા પરગના રોહિત સમાજ દ્વારા યોજાયેલા પાંચમા સમૂહ લગ્નમાં 27 નવ યુગલોએ પ્રભુતાના પગલાં માંડ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી એચ.કે સોલંકી તેમજ સમૂહલગ્નના કારોબારી સભ્યો, હોદ્દેદારો, સમૂહલગ્ન સમિતિ તેમજ યુવકો, વડીલો, સ્વયંસેવકો ખડેપગે હાજર રહ્યા હતા.
આ સમૂહલગ્ન માટે થઈને રોહિત સમાજના યુવાનોએ રૂ. 15 લાખ જેટલું દાન એકઠું કર્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે 27 નવ દંપતિને આશીર્વાદ આપ્યા હતા. રોહિત સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અને સભ્યોએ મહાનુભાવોનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
આ પ્રસંગે મોડાસા પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, પ્રાંતિજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ન્યાય સમિતિના ચેરમેન રેવાભાઇ ભાભી, સમૂહ લગ્ન ઉત્સવ સમિતિના પ્રમુખ અને ભોજન દાતા રાકેશભાઈ શાહ, કોંગ્રેસના કાર્યકર્તા ચિરાગભાઈ ઉપાધ્યાય, જયંતિજી ઠાકોર, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: 70 દલિત પરિવારોનો 4 મહિનાથી સામાજિક બહિષ્કાર કરાયો